Western Times News

Gujarati News

જૂઠ અને રાજનીતિથી પ્રેરિત છે આરોપ : ચંપત રાય

Files Photo

વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા

નવી દિલ્હી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈને રાજનીતિ ચરમસીમાએ છે. વિપક્ષી દળોએ મંદિરનું નિર્માણ કરાવી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. હવે આ મામલે ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે વિપક્ષી દળોના આરોપોને રાજનીતિથી પ્રેરિત અને ખોટા ગણાવ્યા છે. ચંપત રાયે પોતાના નિવેદનમાં કહ્યું કે મંદિર પરિસરને વાસ્તુ મુજબ સુધારવા, મુસાફરો માટે આવવા જવા માટે રસ્તો ઠીક કરવા અને મંદિરની સુરક્ષા દ્રષ્ટિથી નાના મોટા મંદિરો તથા મકાનોને પૂર્ણ સહમતિથી ખરીદવામાં આવ્યા હતા.

જમીનના ભાવ ૨ કરોડથી વધીને ૧૮ કરોડ થવાના આરોપ પર ચંપત રાયે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં જમીન ખરીદનારાઓની સંખ્યા વધી ગઈ હતી. આ ઉપરાંત નિવેદનમાં કહેવાયું કે ઉત્તર પ્રદેશ સરકાર પણ અયોધ્યાના વિકાસ માટે બહોળા પ્રમાણમાં જમીન ખરીદી રહી હતી, જેના કારણે અયોધ્યામાં જમીનના ભાવ એકાએક વધી ગયા. ખરીદાયેલી જમીન અયોધ્યા રેલવે સ્ટેશન પાસે છે અને અત્યાર સુધીમાં જેટલી પણ જમીન ટ્રસ્ટ તરફથી ખરીદાઈ તે ખુલ્લા બજારના ભાવથી પણ ઓછી કિંમત પર ખરીદાઈ છે. ચંપત રાયે જણાવ્યું કે જમીનની ખરીદી કોર્ટ ફીસ અને સ્ટેમ્પ પેપર સાથે ઓનલાઈન થઈ રહી છે.

આ અગાઉ પહેલા સમાજવાદી પાર્ટી સરકારમાં મંત્રી રહી ચૂકેલા અને અયોધ્યાના પૂર્વ વિધાયક પવન પાંડેએ અયોધ્યામાં ચંપત રાય પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા અને આ મામલે સીબીઆઈ તપાસની માંગણી કરી. સપા ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ ટ્રસ્ટ પર કૌભાંડના આરોપ લગાવ્યા છે. કોંગ્રેસે પણ આરોપ લગાવ્યો કે ભગવાન રામના નામ પર દાન લઈને કૌભાંડ થઈ રહ્યું છે.

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને આરોપ લગાવ્યો કે ‘હે રામ આ કેવા દિવસ…તમારા નામ પર દાન લઈને કૌભાંડ થઈ રહ્યું છે. બેશર્મ લૂંટારુઓ હવે આસ્થા વેચી ‘રાવણ’ની જેમ અહંકારમાં મદમસ્ત છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ ટ્રસ્ટ પર આરોપ લગાવતા કહ્યું કે ચંપત રાયે સંસ્થાના સભ્ય અનિલ મિશ્રાની મદદથી બે કરોડની જમીન ૧૮ કરોડમાં ખરીદી. તેમણે આરોપ લગાવ્યો કે આ મની લોન્ડરિંગનો કેસ છે અને સરકાર તેની સીબીઆઈ અને ઈડી પાસે તપાસ કરાવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.