Western Times News

Gujarati News

વાલીઓ ફીમાં અત્યારે ૫૦ ટકા રાહત માંગી રહ્યા છે

સરકારે કરી ફીમાં ૨૫ ટકા રાહત આપવાની જાહેરાત

અમદાવાદ, ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં પણ વિદ્યાર્થીઓની ફીમાં ૨૫ ટકાની રાહત આપવામાં આવશે. આ જાહેરાતનો શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શાળાઓની સાથે સાથે હવે વાલીઓ પણ આ જાહેરાતનો વિરોધ કરી રહ્યા છે.

શાળાના ટ્રસ્ટીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જાે સરકાર આ બાબતે પુનઃવિચાર નહીં કરે તો તેમણે મજબૂરીમાં કાયદાકીય લડાઈ લડવી પડશે. ત્યારે બીજી બાજૂ વાલીઓની માંગ છે કે ફીમાં ૨૫ ટકા નહીં પણ ૫૦ ટકાની રાહત આપવી જાેઈએ. ગુજરાત પેરેન્ટ્‌સ અસોસિએશન દ્વારા શનિવારના રોજ કહેવામાં આવ્યું કે જાે ફીમાં ૫૦ ટકા રાહત આપવામાં નહીં આવે તો તેઓ કાયદાકીય લડાઈ લડશે.

અસોસિએશનના એક સભ્યએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેર અને તેના કારણે મુકવામાં આવેલા પ્રતિબંધોને કાણે ઘણાં વાલીઓએ નાણાંકીય નુકસાનનો સામનો કરવો પડ્યો છે. પાછલા એક વર્ષમાં ઘણાં લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

આગામી અમુક મહિનાઓમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ઓનલાઈન જ શાળાઓ ચાલુ રહેશે તેમ લાગી રહ્યું છે. માટે અમારી માંગ છે કે સરકારે ફીમાં ૫૦ ટકા રાહત આપવી જાેઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ૭મી જૂનથી નવા શૈક્ષણિક સત્રની શરુઆત થઈ ગઈ.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણી શાળાઓએ વિદ્યાર્થીઓ પાસેથી ફી પેટે એડવાન્સ ચેક લઈ લીધા છે. શુક્રવારના રોજ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે સરકારની આ વર્ષે પણ ૨૫ ટકા ફી માફીની યોજના છે. શાળા સંચાલકોનું કહેવું છે કે ઘણાં વાલીઓએ ૨૦૨૦-૨૧ની ફી ચુકવી નથી, જેના કારણે શાળાઓ નાણાંકીય ભીંસનો સામનો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લગભગ ૨૦,૦૦૦ સેલ્ફ-ફાઈનાન્સ શાળાઓ છે જે સરકારના ર્નિણયથી પ્રભાવિત થશે.

શાળા સંચાલકોએ ધમકી આપી છે કે સરકાર દ્વારા જે યોજનાની વાત કરવામાં આવી છે તેનો જાે અમલ કરવામાં આવશે તો તેઓ કાયદાકીય લડત માટે તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.