Western Times News

Gujarati News

મોહરમ પર્વ કાલે તાજિયા જુલૂસ નીકળશે, આજે કતલની રાત

File Photo

અમદાવાદ : ઈસ્લામ ધર્મના આખરી પયગંબર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામહુસેન તથા તેમના ૭ર સાથીઓએ કરબલાના મેદાનમાં માનવતાના મૂલ્યો કાજે વ્હોરેલી શહાદતની યાદમાં અમદાવાદ સહિત રાજયભરમાં ૧૦મી સપ્ટેમ્બરે મોહર્રમ પર્વ મનાવવામાં આવશે, આ દિવસે બપોરે બે વાગ્યા બાદ તાજિયા જુલૂસ નીકળશે, મોહર્રમના એક દિવસ પહેલાં એટલે કે ૯મી સપ્ટેમ્બરના સોમવારે રાતે કતલની રાત મનાવાશે, જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રાતે પણ તાજિયા જુલૂસ નીકળશે.

તાજિયા કમિટી, અમદાવાદના ચેરમેન પરવેઝ મોમીને જણાવ્યું છે કે, સોમવારે કતલની રાત મનાવવામાં આવશે જયારે ૧૦મીએ મંગળવારે બપોરે મોહર્રમના યવ્મે આશુરાના જુલૂસ નીકળશે. મોહર્રમના જુલૂસમાં ૯૩ તાજિયા, રપ અખાડા, ૭૮ ઢોલ-તાંસા, છય્યમ પાર્ટીઓ, ર૦ લાઉડ સ્પીકર, ર૪ ટ્રક તેમજ ૧૦ મિની ટ્રક અને ઉંટગાડી નીકળશે. આ સંદર્ભે તાજિયા કમિટી, અમદાવાદે શહેર પોલીસ કમિશનર સમક્ષ પરવાનગી માગી છે.

અમદાવાદ શહેરમાં પરંપરાગત રીતે તાજિયા જુલૂસ જમાલપુર દરવાજા ખાતેથી નીકળશે, મોહર્રમના આ તાજિયા- જુલૂસ ખાનપુર ખાતે સંપન્ન થશે. શહેરના અન્ય વિસ્તારોમાંથી મન્નતના તાજિયા નીકળશે. આ પર્વમાં શ્રદ્ધાળુઓ એકઠા થતાં હોય છે, આ પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્રને પણ તૈનાત કરવામાં આવશે. (એન.આર.)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.