Western Times News

Gujarati News

હું અમેરિકામાં નાણાં મેળવવા માટે જ આવ્યો છું ! – સ્વામી વિવેકાનંદજી

“ત્યાગભૂમિ છોડીને હું ભોગેશ્વર્યની ભૂમિમાં જઈ રહયો છું !” “મોજશોખનાં અનેક સાધનોથી સજ્જ કરેલો એક ખંડ એમના
માટે જુદો કાઢવામાં આવ્યો હતો – રાત્રે એ ખંડમાં પોતાની પથારી ઉપર એ આખાડા તો પડ્યા, પણ એમને ઉંઘ આવી જ નહીં ! ક્યાં ગરીબીમાં સબડતું ભારત અને ક્યાં ધનવૈભવમાં આળોટતું અમેરિકા !! આખું ઓશીકું આંસુઓને કારણે ભીંજાયું !!”

“વર્ષ ૧૮૯૩ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે, ઈતિહાસકાર હોટન લખે છે કે આ ‘૧૯મી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી ! આખા જગતની વિધ્વતા જાણે કે એક સ્થળે કેન્દ્રિત થઈ હતી ! સ્થળ હતું, અમેરિકાના શિકાગો શહેરની આર્ટ ઈન્સ્ટિટ્યૂટના હોલ ઓફ કોલંબસ નો વિશાળ ખંડ !”

“જગતમાં જ્યારે ધર્મનો લોપ થાય છે અને માનવજાત દુઃખથી પીડાય છે, ત્યારે નિરંજન, નિરાકાર ઈશ્વર, અગમ્ય માયાનું આવરણ સ્વીકારીને અવતાર ધારણ કરે છે. એવા અવતારોનો કંઈક ખાસ સંદેશ હોય છે ! જન્મથી જ તેમણે કરવાનાં વિશેષ કાર્યોનું તેમને ભાન હોય છે. આવા પુરુષને સામાન્ય માણસ સમજી શકતા નથી,

તેથી તેમનો સંદેશ ઝીલી સામાન્ય જન સમાજ સુધી પહોંચાડી શકે એવા શક્તિશાળી પુરુષની જરૂર ઉભી થાય છે- અને એવો પુરુષ આ અવતારી મહાપુરુષના વિચારોને પોતાના જીવનમાં વણી લઈ જગત સમક્ષ મૂકવા શક્તિમાન થાય છે. જગતનો આધ્યાત્મિક ઈતિહાસ આ બાબતની સાક્ષી પૂરે છે. જેમકે ઈશુ ખ્રિસ્તને પિટર, શ્રીકૃષ્ણને અર્જુન, બુધ્ધને આનંદ અને શ્રી ગૌરાંગને નિત્યાનંદ સાંપડ્યા, તેવી જ રીતે શ્રી રામકૃષ્ણ પરમહંસને નરેન્દ્રનાથ- સ્વામી વિવેકાનંદ મળ્યા !

ભારતવર્ષના ઘણા પ્રદેશોમાં એમણે પગપાળા ભ્રમણ કર્યું હતું ! રાષ્ટ્ર જીવનની એકેય બાજુ એમને માટે અજાણી રહી ન હતી. દેશનું દૈન્ય, ધર્મોપદેશકોની ધૂંધળી દ્રષ્ટિ, નાતજાતના જુલમો, રાષ્ટ્રના જીવનને છિન્નભિન્ન કરી રહેલી અનેક પેટા જ્ઞાતિઓ, પંથો અને સંપ્રદાયો !

આવી મનોવ્યથાનું હ્ય્દયભેદક ચિત્ર, એક પત્રમાં એમણે લખ્યું હતું, જે આ મુજબ હતું ઃ ‘આ બધા વિચારોને લીધે, ખાસ કરીને દેશની ગરીબી અને અજ્ઞાનના વિચારોને લીધે મને ઉંઘ ન આવતી, અને કન્યાકુમારીમાં, ભારતીય ખડકની એક શિલા ઉપર બેસીને મેં એક યોજના ઘડી કાઢી.

અમે આટલા બધા સંન્યાસીઓ ભ્રમણ કર્યા કરીએ અને લોકોને ધર્મોપદેશ આપ્યા કરીએ, એ કેવળ ગાંડપણ છે ! શું આપણા ગુરુદેવ કહેતા ન હતા કે ભૂખ્યે પેટે ધર્મ આચરી શકાય નહિ ?… પેલા દરિદ્ર લોકો પશુના જેવું જીવન જીવી રહયા છે એનું કારણ કેવળ અજ્ઞાન છે ! આપણે યુગોથી તેઓનું શોષણ કરતા આવ્યા છીએ અને તેઓને પગ તળે કચડતા આવ્યા છીએ !”…. એક અકિંચન સંન્યાસીને નિરાશાના એ ઘોર અંધકારને ભેદતું એક કિરણ પ્રગટ્યું, એમની હ્ય્દયગુહામાં જાણે કે પ્રકાશ થયો – અને એ પ્રકાશમાં એમણે પોતાનું કર્તવ્ય સ્પષ્ટ જાેયું !…

“હા ! હું સાગરયાત્રા કરીશ અને ભારતના કરોડો દરિદ્રનારાયણોને માટે અમેરિકામાં જઈશ, ત્યાં મારા વ્યક્તિત્વના પ્રભાવથી પૈસો મેળવીને પાછો ફરીશ અને ભારતની નવરચનાનું કાર્ય પાર પાડીશ, અને એમ કરતા મૃત્યુ આવશે, તો એને પણ વધાવી લઈશ !”… અશ્રુપૂર્ણ નજરે તેઓ સાગરને નિહાળી રહયા, એમણે હ્ય્દયમાં શ્રીગુરુ (રામકૃષ્ણ પરમહંસ) અને જગદંબાને જાેયાં ! દુઃખી દેશબાંવોનાં દુઃખ નિવારણ માટે એમણે દેશભક્તિમાં સંન્યાસ જાેયો અને સંન્યાસમાં દેશભક્તિ જાેઈ ! અહિં એ જાણવું જરૂરી છે કે જે શિલા ઉપર સ્વામીજીને આ દર્શન થયું તે શિલા આજે ‘વિવેકાનંદ શિલા’ તરીકે ઓળખાય છે.

વર્ષ ૧૯૭૦માં આ શિલા ઉપર એક ભવ્ય સ્મારક બાંધવામાં આવ્યું – દેશભરમાંથી મળેલા નાણાંમાંથી તૈયાર થયેલું આ સ્મારક સ્વામી વિવેકાનંદજીના જીવનની- અને ભારતના ઈતિહાસની – એ મહાનપળને ઉચિત અંજલિરૂપ બન્યું છે !… આખરે ૩૧મી મે, ૧૮૯૩નો એ યાદગાર દિવસ આવ્યો ! પ્રિય અને પરિચિત ભૂમિને તથા સ્નેહીઓ અને શિષ્યોને છોડીને સ્વામી વિવેકાનંદ વિધિના કોઈ અકળ સંકેતાનુસાર એક અજાણી ભૂમિમાં જવા માટે ઉપડ્યા. એ સમયે તેઓ ખૂબજ લાગણીવિવ્શ હતા…

અને આખરે સ્ટીમર ઉપડી અને ધીમેધીમે અદ્રશ્ય થતો જતો ભારતનો કિનારો જાેતાં સ્વામી વિવેકાનંદની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યાં !! એ સમયે એમની દ્રષ્ટિ સમક્ષ અનેક વસ્તુઓ ખડી થઈ ! ભારતવર્ષ, એની સંસ્કૃતિ, પ્રાચીન ઋષિઓ અને આર્યધર્મ, આ બધું એમને યાદ આવ્યું, ગુરુદેવ રામકૃષ્ણ પરહમંસ, માતાજી (શારદામણી દેવી) અને ગુરુભાઈઓ એમની સ્મૃતિમાં જાગ્રત થયાં, એમને વિચાર આવ્યો ઃ

“ ખરેખર ! ત્યાગભૂમિ છોડીને હું ભોગેશ્વર્યની ભૂમિમાં જઈ રહયો છું !”… પણ એમનાં ભાગ્યમાં અખંડ પુરુષાર્થ જ લખ્યો હતો ! એ પછીનાં નવ વર્ષો સુધી આરામ જેવી વસ્તુ જ એમને મળવાની ન હતી. એ નવ વર્ષોમાં એમણે જે કર્યું તેમાં ગુરુદેવના શબ્દો સાચા પાડી બતાવ્યા. ગુરુદેવ રામકૃષ્ણ પરમહંસે એક વખત કહેલું ઃ “એવો વખત આવશે કે જ્યારે પોતાની બૌધ્ધિક અને આત્મિક શક્તિથી નરેન્દ્ર જગતને પાયામાંથી હચમચાવી મૂકશે !”… અહિં એક વાત વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર છે અને તે એજ કે અમેરિકા જવા પાછળ વિવેકાનંદજીનો આશય વેદાંતનો પ્રચાર કરવા કરતાં પણ ભારતવર્ષની ગરીબ અને પદદલિત જનતા માટે સહાય મેળવવાનો વિશેષ હતો !! પોતાનાં જીવનનાં સારામાં સારાં વર્ષો એમણે આ જ કાર્યમાં ખચ્ર્યા હતાં !… આથી એવો પ્રશ્ન ઘણીવાર ઉઠે છે ઃ ‘વિવેકાનંદજી અમેરિકા ગયા તેની પાછળ કોઈ સ્પષ્ટ ધ્યેય હતું ખરું ? – આનો જવાબ આ મુજબનો છે ઃ (૧) સ્વામીજીનો હેતુ વેદાંતજ્ઞાનનો પ્રચાર કરવાનો હતો.. (ર) ભારતવર્ષના ઉધ્ધાર માટે આર્થિક સહાય મેળવવાનો હતો !

અમેરિકામાં પહોંચ્યા પછી શરૂઆતના દસ મહિના સુધીના એમના પત્રોનો અભ્યાસ કરતાં પ્રતીતિ થાય છે કે એમના મનમાં ભારતનાં ઉત્થાનના પ્રશ્નો જ ધોળાઈ રહયા હતા .- ત્યારે તો વિશ્વધર્મ પરિષદને એમને સંબોધી પણ ન હતી – તે સમયના (ર૦ ઓગસ્ટ, વર્ષ ૧૮૯૩) એક પત્રમાં એમણે લખ્યું “ભારત વર્ષના ઉધ્ધાર માટે સહાયની શોધમાં, લોહી નીંગળતા હ્ય્દયે, અડધી દુનિયા ઓળંગીને હું આ અજાણી ભૂમિમાં આવ્યો છું !”

એજ રીતે વર્ષ ૧૮૯૪ના માર્ચમાં સ્વાીમ રામકૃષ્ણાનંદ ઉપરના પત્રમાં એમણે સ્પષ્ટ લખ્યું ઃ ‘હું અમેરિકામાં નાણાં મેળવવા માટે જ આવ્યો છું. દેશમાં પાછો ફરીને મારા જીવનના આ એકમાત્ર ધ્યેયની સિધ્ધિ અર્થે મારા શેષ દિવસો હું વ્યતીત કરીશ !”.. તો પછી પ્રશ્ન એ થાય છે કે વેદાંતજ્ઞાનનો પ્રચાર કરવાનો વિચાર એમને શી રીતે આવ્યો ? અમેરિકામાં ભ્રમણ કરતાં કરતાં અનુભવને અંતે એમને જણાયું કે મનુષ્યજાતિના ભિન્ન ભિન્ન ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિબિંદુઓનું એકીકરણ સાધવું હોય તો વેદાંતમાં જ એવી શક્તિ છે !

અને આમ ધીમે ધીમે એમના આ પ્રકારના ધ્યેયનો વિકાસ થયો ! એ રીતે ભારતનો આ સપૂત- વિવેકાનંદ- પોતાનું જીવનકાર્ય સિધ્ધ કરવા માટે ચાલી નીકળ્યો ! અમેરિકાના શિકાગો શહેરની આર્ટ ઈન્સ્ટિટ્યૂટ ના વિશાળ મકાનમાં, ‘હોલ ઓફ કોલંબસ’ તરીકે ઓળખાતા વિશાળ ખંડમાં વર્ષ ૧૮૯૩ ના સપ્ટેમ્બરની ૧૧મી તારીખે સવારે દસ વાગે એ વિશ્વ ધર્મપરિષદનું વિધિપૂવર્ક ઉદ્‌ઘાટન થયું હતુ ં!

ચાર હજાર પ્રતિષ્ઠિત પ્રેક્ષકો, ગંભીર શાંતિ, સો ફૂટલાંબી અને પંદર ફૂટ પહોળી વ્યાસપીઠ, અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓ એક જ સ્થળે કેન્દ્રિત થયાં હતાં ! ઈતિહાસકાર હોટન લખે છે કે આ ઃ ‘૧૯મી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી હતી ! ’આખા જગની વિધ્વત્તા જાણે કે એક સ્થળે કેન્દ્રિત થઈ હતી ! હવે એ પરિષદના પ્રથમ દિવસે સવારની બેઠકમાં પંદર પ્રતિનિધિઓ બોલ્યા હતાં – બપોરની બેઠકમાં ચાર પ્રતિનિધિઓ બોલી ગયા પછી વિવેકાનંદજીનો વારો આવ્યો. એમણે દેવી સરસ્વતીની સ્તૃતિ કરીને શરૂઆત કરી ઃ ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’…

અને સ્વામીજી આગળ વધે તે પહેલાં જ આખી સભાએ તાળીઓના ગડગડાટથી એમના એ શબ્દો વધાવી લીધા હતાં ! બે મિનિટ સુધી સભાએ હર્ષનાદો ચાલુ રાખ્યા- અને શાંતિ સ્થપાઈ ત્યારે એક ટૂંકું ભાષણ આપ્યું હતું ! બીજે જ દિવસે બધાં અખબારોએ જાહેર કર્યું કે મારું વ્યાખ્યાન સર્વોત્તમ હતું – પરિણામે અમેરિકાભરમાં હું જાણીતો થઈ ગયો ! ૧૯મી સપ્ટેમ્બરે એમણે ‘હિંદુ ધર્મ’ વિશે પોતાનું પ્રખ્યાત વ્યાખ્યાન વાંચ્યું હતું ! ‘હિંદુ ધર્મ’ વિશે આ વ્યાખ્યાન આપ્યા પછીનું સ્વામીજીનું બીજું વ્યાખ્યાન હતું ઃ ‘ભારતવર્ષને ધર્મની તાત્કાલિક જરૂર નથી ’- એમાં એમણે જાહેર કર્યું કે ભારતવર્ષને ધર્મની નહીં પણ રોટીની જરૂર છે !!! પોતે હિંદના ગરીબોના પ્રતિનિધિ તરીકે આવ્યા છે એ પણ સ્પષ્ટ કહયું !

સભાજનોને પ્રતીતિ થઈ કે જે પુરુષ વ્યાસપીઠ ઉપરથી વાગ્ધારા વહાવી રહયો છે એ કેવળ એક સંન્યાસી નથી, પરંતુ સાચો સ્વદેશભક્ત પણ છે ! આ રીતે વિવેકાનંદજીએ છેક રપમી સપ્ટેમ્બર સુધીમાં વિવિધ વિષયો ઉપર આઠ વ્યાખ્યાનો આપ્યાં હતાં ! ર૬મી સપ્ટેમ્બરે એમણે ‘બૌધ્ધ ધર્મ એટલે હિંદુ ધર્મની પૂર્તિ’ એ એમનું છેલ્લું પ્રવચન હતું ! આ વિશ્વધર્મ પરિષદ સત્તર દિવસો સુધી ચાલેલી અને એમાં એક હજારથી પણ વિશેષ નિબંધોનું વાચન થયું હતું !!

અને એ સાથે જ ગઈકાલનો એ અજ્ઞાત પરિવ્રાજક થોડા જ વખતમાં વિશ્વવિખ્યાત મહાપુરુષ બની ગયો ! આ પરિષદની અપૂર્વ ઘટના તો એ પણ હતી કે ફક્ત ત્રીસ વર્ષની નાની વયનો અકિંચન સંન્યાસી જગદ્‌ગુરુની કોર્ટમા ંઆવી ગયો ! આ સપુત એ જ સ્વામી વિવેકાનંદ ! જે શિકાગો શહેરમાં એમણે કષ્ટ અને હાડમારીઓ વેઠ્યા હતાં તે જ શિકાગો શહેરમાં હવે એમનાં દર્શન માટે પડાપડી થવા લાગી !

શેરીએ શેરીએ અને રસ્તે રસ્તે સ્વામીજીનાં મોટાં ચિત્રો ચોંટાડવામાં આવ્યાં- એની નીચે ‘સ્વામી વિવેકાનંદ’ એટલા જ શબ્દો લખાતા. એમનાં વ્યાખ્યાનો અને વ્યક્તિત્વ વિશે પ્રશંસાપૂર્ણ લખાણોની તો એક મોટી પરંપરા ચાલી હતી સુવિખ્યાત ‘ધિ ન્યુયોર્ક હેરોલ્ડ’ અખબારે લખ્યું હતું ઃ

‘સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે, એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છ ેકે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મૂર્ખાઈભર્યુ છે !”- ‘ધિ બોસ્ટન ઈવનિંગ ટ્રાન્સપોર્ટ’ના શબ્દો આ પ્રમાણે છે ઃ ‘એમના વિચારોની ભવ્યતા તેમજ એમના વ્યક્તિત્વથી પાર્લામેન્ટમાં એ ખૂબ પ્રિય થઈ પડ્યા છે. વ્યાસપીઠ ઉપરથી એ માત્ર પસાર થાય તો પણ તાળીઓના ગડગડાટથી એમને વધાવી લેવામાં આવે છે.

વિશ્વધર્મ પરિષદની વિજ્ઞાન શાખાના પ્રમુખ મેરવિન- મેરી સ્નેલે લખ્યું ઃ “ધર્મ પરિષદ ઉપર તેમજ મોટાભાગના અમેરિકન લોકો ઉપર હિંદુ ધર્મનો જેટલો ઉંડો પ્રભાવ બીજા કોઈ ધર્મે પાડ્યો નથી ! ધર્મ પરિષદમાં સૌથી વધુ પ્રિય પ્રભાવશાળી પુરુષ એ સ્વામી વિવેકાનંદ જ હતા એમાં શંકા નથી. આ ઉપરાંત ર્ડા. એની બેસન્ટે અને રેવરંડ જે.એચ. બેરોઝે પણ એમનાં વ્યાખ્યાનોની જાદુઈ અસરનો ઉલ્લેખ કર્યો હતો !

અલબત્ત, એમનો અમેરિકામાં આવવાનો હેતુ ધાર્મિક કરતાં પણ સામાજિક વિશેષ હતો ! ધનમાં આળોટતા અમેરિકાને જાેઈને એમને ભારતના કરોડો ગરીબ લોકો યાદ આવતા ! પરિષદ પછી અમેરિકાના ધનિકોનાં ભવનો સ્વામીજી માટે ઉઘડી ગયાં. એ જાણીતા થયા તેજ દિવસે શિકાગોના એક શ્રીમંતે એમને પોતાના મહાલયમાં નિમંત્ર્યા હતા. એમના સ્વાગતમાં એ શ્રીમંત ગૃહસ્થે કશી જ મણા રાખી નહીં !

મોજશોખનાં અનેક સાધનોથી સજ્જ કરેલો એક ખંડ એમના માટે જુદો કાઢવામાં આવ્યો હતો ! રાતે એ ખંડમાં પોતાની પથારી ઉપર એ આડા તો પડ્યા, પણ એમને ઉંઘ આવી જ નહીં ! ક્યાં ગરીબીમાં સબડતું એમનું પ્રિય ભારત અને ક્યાં ધનવૈભવમાં આળોટતું અમેરિકા ! ? સ્વામી વિવેકાનંદજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં ! આખું ઓશીકું આંસુઓને કારણે ભીંજાયું;…. એ ઉઠ્યા અને બારી બહાર પથરાયેલા ગાઢ અંધકારમાં મીટ માંડી રહયા.

ઉદ્રેગ વધુ ગાઢ બન્યો અને આખરે ઉર્મિના આવેશથી એ જમીન ઉપર જ ફસડાઈ પડ્યા ! એમનાં હોઠમાંથી શબ્દ્યો નીકળવા લાગ્યા ઃ “હે જગદંબા, મારી માતૃભૂમિ ભયંકર ગરીબીમાં સડી રહી છે, ત્યારે નામ અને કીર્તિને મારે શું કરવાં છે ? અમારી ગરીબ ભારતવાસીઓની આ તે શી દુર્દશા થઈ છે કે અમારામાંથી લાખો લોકો મુઠ્ઠીભર અનાજના અભાવે મૃત્યુના મુખમાં ધકેલાઈ રહયા છે, જયારે આ દેશમાં લોકો પોતાના જરાક જેટલા સુખચેન પાછળ લાખો રૂપિયા વાપરી રહયા છે !!

ભારતવાસીઓનો ઉધ્ધારકોણ કરશે ? એમને રોટી કોણ આપશે ? હે માતા ! હું એમને શી રીતે સહાય કીર શકું તે મને સુઝાડ !”… સ્વામી વિવેકાનંદજીના જીવનનો સુક્ષ્મ અભ્યાસ કરતાં જણાય છે કે ભારતના એ દરિદ્રનારાયણોની સેવા માટે એમણે જે કર્મયોગ આદર્યો અને દુઃખો વેઠયાં તેની તુલનામાં એમના પરિવ્રાજક કાળનાં દુઃખો કશી વિસાતમાં ન હતાં !

એ પ્રયન્તની ભઠ્ઠીમાં જ આખરે એમણે પોતાના દેહને ગાળી નાખ્યો ! શું અમેરિકા કે શું ભારતમાં દેહ પાસેથી એમણે એટલું બધું કામ લીધું કે આખરે એ દેહમાં કશી જ શક્તિન રહી. થાકની પ્રચંડ અસર નીચે એ દેહ ભાંગી ગયો !! સ્વામીજીએ મહાસમાધિ લીધી તેના એક અઠવાડિયા પહેલાં એમણે પોતાના એક શિષ્યને બંગાળી પંચાંગ લાવવાનું કહયું. પંચાંગ ના શરૂઆતનાં થોડાં પાનાં ઉથલાવ્યાં અને પછી એને બાજુએ મૂકી દીધું.

એ પછીના દિવ્સોમાં ઘણીવાર એવી રીતે પંચાંગ જાેઈ રહેલા તેઓ ઘણાની નજરે પડ્યા હતા. જાણે એવું લાગતું હતું કે કશુંક નકકી કરવાનું છે, પણ નકકી થતું નથી. એમના મહાપ્રયાણ પછી જ વિષાદમગ્ન ગુરુભાઈઓ અને શિષ્યો આ ઘટનાનું રહસ્ય સમજી શક્યા. અને ત્યારે જ એ લોકોને જાણ થઈ કે અમુક ચોક્કસ દિવસે દેહનાં બંધન તોડી નાખવાનું એમણે નક્કી કરી લીધું હતું, અને એ ચોક્કસ દિવસ તે વર્ષ ૧૯૦ર, ચોથી જુલાઈનો હતો !

એમના દેહવિસર્જનના ત્રણ દિવસ પહેલાં સ્વામી પ્રેમાનંદ સાથે તેઓ મઠની હરિયાળી ભૂમિ ઉપર આમતેમ ફરી રહયા હતાં – એ વખતે ગંગા નદીના કિનારા પાસેની એક જગ્યા બતાવીને એમણે ગંભીરતાપૂર્વક કહયું ઃ “જ્યારે આ દેહ પડે, ત્યારે એને ત્યાં અગ્નિદાહ આપવાનો છે !”… અને આજે એ જ જગ્યાએ એમનું સ્મૃતિ મંદિર ખડું છે !

ખિડકી ઃ- સ્વામી વિવેકાનંદજી ૩૯ વર્ષ, પ માસ અને ર૪ દિવસનું આયુષ્ય ભોગવીને થાકંકેલું બાળક જેવી રીતે માતાના ખોળામાં જંપી જાય તેવી રીતે જગદંબા ના ખોળામાં ચિરનિદ્રા લીધી ! તેઓ કહેતા હતા ઃ ‘હું ૪૦ વર્ષ પૂરાં નહીં કરું !’ એમનું એ વિધાન સાચું પડ્યું ! મનુષ્ય સેવાનું ગૌરવ વધારવા તેમણે કહયું હતું ઃ “પ્રભુ માં શ્રધ્ધા ધરાવતાં પહેલાં મનુષ્યમાં શ્રધ્ધા ધરાવતાં શીખો ! જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુઓ લૂછી ન શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો મૂકી ન શકે એવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રધ્ધા નથી !”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.