Western Times News

Gujarati News

મંગેતરના આડા સંબંધોની આશંકામાં યુવકને જાહેરમાં રહેંસી નાખનારા ઝડપાયા

Files Photo

અમદાવાદ: મેઘાણીનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે આ મામલે હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ મંગેતરના યુવક સાથે આડાસંબંધ હોવાની આશંકાને પગલે હત્યા કરી હોવાનું ખુલ્યું છે.ફોટોમાં દેખાતા ઈસમોના નામ છે અલ્પુ પટણી અને સાહીલ પટણી.આ બંને ઈસમોએ પોતાના અન્ય બે કાયદાના સંઘર્ષમાં આવતા મિત્રો સાથે ભેગા મળીને મેઘાણીનગર વિસ્તારમાં રહેતા હિતેશ પટણી નામના યુવકની સરેઆમ હત્યા નિપજાવી હતી. મહત્વનું છે કે આરોપી અલપુ પટણીની મંગેતરના તેના ઘરની પાડોશમાં રહેતા હિતેશ પટણી સાથે આડા સંબંધ હોવાની આશંકાએ યુવકની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીએ પોતાના મિત્રોને સમાધાનના નામે રામેશ્વર પાસે કૈલાશ સ્કૂલની બાજુમાં રિક્ષામાં બેસાડી લઈ જઈ હિતેશ પટણીને ચપ્પુના અનેક ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પોલીસે ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. મહત્વનું છે કે અમદાવાદમાં રથયાત્રા પછીના દિવસે એક જ દિવસમાં ૩ હત્યાના બનાવો બનતા પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ ગુનામાં પોલીસે પ્રેમસંબંધમાં હત્યા થઈ હોવાની થિયરીના આધારે જ આરોપી સુધી પહોંચી હતી.

આરોપી અલપુ પટણી ઠક્કરનગરમાં રહેતો હોવાનું તેમજ અન્ય આરોપી સાહિલ પટણી ચાંદખેડામાં રહેતા હોવાનું અને છૂટક મજૂરી કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. ત્યારે હાલ તો આ કિસ્સામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરને પણ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.

આ ગુનામાં પ્રેમસંબંધની આશંકામાં થયેલી હત્યામાં પોલીસે આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા છરા, ગુપતી તેમજ ઓટો રીક્ષા કબ્જે કરી છે. પરંતુ ખરેખર આરોપીની મંગેતરને મૃતક હિતેશ સાથે પ્રેમસંબંધ હતો કે કેમ અને હત્યા કરવા પાછળ તે જ કારણ જવાબદાર છે કે અન્ય કોઈ તે દિશામાં મેઘાણીનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.