Western Times News

Gujarati News

યુપીમાં દારૂના વેચાણથી રેવન્યુમાં ૭૪ ટકા ઊછાળો

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી સરકારને દારૂના વેચાણમાંથી જાેરદાર કમાણી થઈ રહી છે. ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ દરમિયાન યોગી સરકારને દારૂના વેચાણથી મળતી રેવન્યુમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. રાજ્યની કુલ રેવન્યુનો આશરે ૧૦ ટકા ભાગ દારૂના વેચાણમાંથી મળતી રેવન્યુનો છે. એક આરટીઆઈ દ્વારા આ જાણકારી સામે આવી છે. યુપી સરકારની આ કમાણી એટલા માટે પણ ચોંકાવનારી છે કે પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ દરમિયાન દેશ કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યો હતો.

૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દારૂની દુકાન માટેના લાઈસન્સ ચાર્જ અને એક્સાઈઝ ટેક્સમાંથી કુલ ૩૦,૦૬૧ કરોડ રૂપિયાની રેવન્યુ મેળવી હતી. યુપીમાં છેલ્લા ૪ વર્ષમાં દારૂથી મળતી રેવન્યુમાં ૭૪ ટકાનો ઉછાળો નોંધાયો છે. માત્ર છેલ્લા ૪ વર્ષમાં જ રાજ્યમાં દારૂમાંથી મળતો રેવન્યુ ૧૭,૩૨૦ કરોડ રૂપિયાથી વધીને ૩૦,૦૬૧ કરોડ રૂપિયા થઈ ગયો છે. મતલબ કે દારૂની પ્રત્યેક દુકાનથી રાજ્ય સરકારને વાર્ષિક ૧.૧૦ કરોડ રૂપિયાની રેવન્યુ મળી રહી છે.

એક્સાઈઝ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે યોગી સરકારના ૪ વર્ષ દરમિયાન નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮થી ૨૦૨૦-૨૧ દરમિયાન દારૂની નવી ૨,૦૭૬ દુકાનોને લાઈસન્સ આપવામાં આવ્યું છે. આ લાઈસન્સ ૪ અલગ અલગ પ્રકારની છૂટક દુકાનોને આપવામાં આવે છે જેમાં દેશી દારૂ, વિદેશી દારૂ, બિયર શોપ અને મોડલ શોપનો સમાવેશ થાય છે. અખિલેશ યાદવના નેતૃત્વવાળી સરકારના ૫ વર્ષના સમયની વાત કરીએ તો નાણાંકીય વર્ષ ૧૩ નાણાંકીય વર્ષ ૧૭ દરમિયાન પ્રદેશમાં દારૂની નવી ૨,૫૬૬ દુકાનોને લાઈસન્સ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્ય સરકારની રેવન્યુ ૨૨,૩૭૭
કરોડ રૂપિયાથી વધીને ૨૪,૯૪૩ કરોડ રૂપિયા થઈ ગઈ છે. મતલબ તેમાં આશરે ૧૧.૫ ટકાનો વધારો થયો હતો.

તેના પહેલા બસપા પ્રમુખ માયાવતીના નેતૃત્વવાળી સરકારે વર્ષ ૨૦૦૭-૧૨ દરમિયાન દારૂની નવી ૩,૬૨૧ દુકાનોને લાઈસન્સ આપ્યું હતું. આ દરમિયાન રાજ્ય સરકારની દારૂમાંથી મળતી રેવન્યુ ૧૦૬ ટકા વધીને ૩,૯૪૮ કરોડથી ૮,૧૩૯ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. સરેરાશની રીતે જાેઈએ તો યોગી અને અખિલેશ સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન દર વર્ષે દારૂની નવી ૫૦૦ દુકાનોને લાઈસન્સ આપ્યું જ્યારે માયાવતી સરકારે ૭૨૪ દુકાનોને. આરટીઆઈ પ્રમાણે પાછલા ૧૫ વર્ષમાં યુપી સરકારની દારૂમાંથી મળતી રેવન્યુ ૮,૧૩૯ કરોડ રૂપિયાથી વધીને ૩૦,૦૬૧ કરોડ રૂપિયા થઈ ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.