Western Times News

Gujarati News

દેશના અર્થતંત્ર માટે ૧૯૯૧ કરતાં પણ મુશ્કેલ સમય આવી રહ્યો છેઃ મનમોહનસિંહ

નવીદિલ્હી, દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં સૂરમાં કહ્યું હતું કે દેશની અર્થવ્યવસ્થાની જેવી ખરાબ હાલત ૧૯૯૧માં હતી, કંઈક એવી જ સ્થિતિ આગામી સમયમાં બનવાની છે. સરકારે આ માટે તૈયાર રહે.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ખુશ અથવા આનંદ કરવાનો સમય નથી, પરંતુ આત્મનિરીક્ષણ અને વિચાર કરવા માટેનો સમય છે. આગળનો રસ્તો ૧૯૯૧ની મુશ્કેલીઓ કરતાં પણ વધુ પડકારજનક છે. એક રાષ્ટ્ર તરીકેની આપણી પ્રાથમિકતાઓને ફરીથી નક્કી કરવાની જરૂર છે, જેથી દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન સુનિશ્ચિત થઈ શકે.

ડો. મનમોહન સિંહ, જે ૨૦૦૪થી ૨૦૧૪ સુધી દેશના વડાપ્રધાન હતા, ૧૯૯૧માં નરસિંમ્હા રાવની આગેવાની હેઠળની સરકારમાં નાણામંત્રી હતા અને ૨૪ જુલાઈ ૧૯૯૧ના રોજ પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટ વખતે દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો માનવામાં આવે છે.

આ ઐતિહાસિક બજેટના ૩૦ વર્ષ પૂરાં થવા પ્રસંગે મનમોહન સિંહે શુક્રવારે ઘણા મુદ્દાઓ પર પોતાનાં મંતવ્યો જણાવ્યા હતા.૩૦ વર્ષ પહેલાં કોંગ્રેસે ભારતના અર્થતંત્રમાં મહત્ત્વપૂર્ણ સુધારા શરૂ કર્યા હતા. પાર્ટીએ દેશની આર્થિક નીતિ માટે એક નવો રસ્તો તૈયાર કર્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં સરકારોએ તેનું અનુસરણ કર્યું અને આજે આપણી ગણના વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થામાં કરવામાં આવે છે.

સિંહે કહ્યું- હું ભાગ્યશાળી છું કે મેં કોંગ્રેસના ઘણા સાથીદારો સાથે મળીને સુધારાની આ પ્રક્રિયામાં ભૂમિકા ભજવી. તે મને ખૂબ આનંદ અને ગર્વ આપે છે કે છેલ્લા ત્રણ દાયકામાં આપણા દેશની જબરદસ્ત આર્થિક પ્રગતિ થઈ છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૩૦ કરોડ ભારતીય નાગરિકો ગરીબીમાંથી બહાર આવ્યા હતા અને કરોડો નવી નોકરીઓનું નિર્માણ થયું હતું.

મનમોહન સિંહે વધુમાં કહ્યું હતું કે કોરોનાને કારણે સર્જાયેલો વિનાશ અને કરોડો નોકરીઓ ગુમાવવાથી હું ખૂબ જ દુઃખી છું. આરોગ્ય અને શિક્ષણનાં સામાજિક ક્ષેત્રો પાછળ રહી ગયાં છે અને આ આપણી આર્થિક પ્રગતિની ગતિની સાથે જઈ શક્યા નથી. આટલી બધી જિંદગી અને નોકરીઓ ગુમાવી છે, એવું ન થવું જાેઈતું હતું.

પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે ૧૯૯૧માં મેં નાણામંત્રી તરીકે વિક્ટર હ્યુગો (ફ્રેન્ચ કવિ)ના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો કે ‘પૃથ્વી પરની કોઈ શક્તિ એ વિચાર રોકી શકતી નથી, જેનો સમય આવી ગયો છે.’૩૦ વર્ષ પછી એક રાષ્ટ્ર તરીકે આપણે રોબર્ટ ફ્રોસ્ટ (અમેરિકન કવિ)ની એ કવિતાને યાદ રાખવી જાેઈએ કે આપણે આપેલાં વચનો પૂરાં કર્યા પછી અને માઇલની યાત્રા કર્યા પછી જ આરામ કરવો પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.