Western Times News

Gujarati News

યુએસમાં એક રાતમાં શખ્સ જીવનના ૨૦ વર્ષ ભૂલી ગયો

ટેક્સાસ: દરેક ક્ષણને જીવ્યા પછી આપણે યાદોમાં તેને વાગોળીએ છીએ. પરંતુ વિચારો કે તમારી પાસે એ યાદો જ ના રહે તો? સવારે ઉઠોને એકાએક તમે ક્યાં છો?, કોણ છો? કશું જ યાદ ના આવે તો કેવી ભયંકર સ્થિતિ પેદા થાય. અમેરિકાના ટેક્સાસથી એક આવી જ ઘટના સામે આવી છે. અહીં ૩૭ વર્ષીય શખ્સની યાદશક્તિ એક રાતમાં જ જતી રહી. તે જિંદગીના ૨૦ વર્ષ ભૂલી ગયો.

એક અહેવાલ પ્રમાણે, ૩૭ વર્ષીય ડેનિયલ પોર્ટર વ્યવસાયે હિયરિંગ સ્પેશિયાલિસ્ટ છે. એક રાત્રે તે આરામથી ઊંઘી ગયો હતો અને બીજા દિવસે સવારે ઉઠ્‌યો તો બધું ઓળખવામાં તકલીફ થવા લાગી.

ડેનિયલ પોતાની પત્નીને પણ નહોતો ઓળખી શકતો. એટલું જ નહીં ઓફિસ જવાના બદલે તેણે સ્કૂલે જવાની તૈયારી શરૂ કરી હતી.

ડેનિયલની છેલ્લા ૨૦ વર્ષની યાદશક્તિ જતી રહી હતી અને તે પોતાને હાઈસ્કૂલનો વિદ્યાર્થી સમજવા લાગ્યો. તેની પત્નીને જાેઈને ડેનિયલને લાગતું હતું કે આ મહિલાએ તેને કિડનેપ કરી લીધો છે. પછી તેણે પોતાની જાતને અરીસામાં જાેઈ તો અચંબિત થયો અને વિચારવા લાગ્યો કે ૧૭ વર્ષની ઉંમરે તે આટલો જાડો અને ઘરડો કેવી રીતે થઈ ગયો? ડેનિયલને પોતાની જાતને અરીસામાં જાેઈને ખૂબ ગુસ્સો આવતો હતો.

ડેનિયલની પત્ની રૂથ અને ૧૦ વર્ષની દીકરીએ તેને તેઓ કોણ છે યાદ અપાવવાની કોશિશ કરી પરંતુ નિષ્ફળ રહ્યા. ત્યારબાદ રૂથ ડેનિયલને તેના માતાપિતાના ઘરે લઈ ગઈ. પેરેન્ટ્‌સ અને પોતાના ઘરને જાેઈને ડેનિયલને હાશકારો થયો હતો. જાેકે, તેને હાઈસ્કૂલ બાદ બનેલી એકપણ ઘટના વિશે કશું જ યાદ ના આવ્યું. એટલું જ નહીં તેની આસપાસ કૂતરાં જાેઈને પણ તેને ડર લાગવા માંડ્યો. હાલ ડેનિયલ પોતાનો વ્યવસાય પણ છોડી ચૂક્યો છે.

અગાઉ ડૉક્ટરોએ ડેનિયલના પરિવારને કહ્યું હતું કે, આ શોર્ટ-ટર્મ (ટૂંકા સમયની) મેમરી લોસ છે અને ૨૪ કલાકમાં યાદશક્તિ પાછી આવી જશે. આ વાતને એક વર્ષ વીતી ગયું છે પરંતુ ડેનિયલને છેલ્લા ૨૦ વર્ષનું કશું જ યાદ નથી આવ્યું. ડૉક્ટરોનું કહેવું છે કે, ડેનિયલની યાદશક્તિ ઈમોશનલ સ્ટ્રેસના કારણે જતી રહી હશે. તેમનું માનવું છે કે, ઊંડા આઘાતના કારણે આ બન્યું હોય. ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી ૨૦૨૦માં ડેનિયલની નોકરી જતી રહી, ઘર વેચવું પડ્યું અને તેને સ્લિપ ડિસ્કની સમસ્યા થઈ હતી. આ કારણે તેના મગજ પર અસર થઈ હોઈ શકે છે. હાલ તો તેની સારવાર ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.