Western Times News

Gujarati News

સોની બજારમાં મેનેજર ૭૦ તોલાના ઘરેણાં લઈને ફરાર

प्रतिकात्मक

રાજકોટ: રાજકોટના પ્રખ્યાત સોની બજારમાં ફરી એકવાર બંગાળી કારીગરો સોનું લઈને ભાગી ગયાનો કિસ્સો બન્યો છે. વિગતો એવી પણ સામે આવી રહી છે કે જાે ૫૦-૧૦૦ ગ્રામ સોનું બંગાળી કારીગર લઈને ફરાર થઈ જાય તો તે અંગેની ફરિયાદ કરવામાં આવતી નથી, પરંતુ ખાનગી રીતે તેની તપાસ શરુ કરે છે. આ વખતે બનેલી ઘટનામાં ૭૦ તોલાના સોનાના ઘરેણા ગાયબ થવાની ઘટના બની છે, રિપોર્ટ્‌સ મુજબ પોલીસે ફરિયાદ લીધા વગર સીસીટીવી ફૂટેજના આધારે ખાનગી તપાસ શરુ કરી છે.

મૂળ પશ્ચિમ બંગાળના ફિરોઝ અલીહસન મલિક નામના વેપારીએ પોલીસને વિગતો આપી છે કે, તેઓ છેલ્લા ૧૨ વર્ષથી રાજકોટના રૈયા રોડ પર આવેલા નાકા ટાવર પાસેની અનિલ ચેમ્બરમાં મલિક જ્વેલર્સના નામે ઘરેણાં ઘડવાનું કામ કરે છે. તેમણે પોતાના વતનના સમનદાસ હરદાનદાસ નામના યુવાનને ૬ વર્ષ પહેલા નોકરી પર રાખ્યો હતો. આ સમનદાસને મેનેજર તરીકેને જવાબદારી સોંપવામાં આવી હતી. હવે આ જ જાણીતા યુવાને વેપારીને રોવડાવ્યા હોવાનું સામે આવ્યું છે.

સમનદાસ નામના યુવાને મલિક જ્વેલર્સના માલિક ફિરોઝ અલીહસનને એવા વિશ્વાસમાં ફસાવી દીધા કે આજે તેમને ચૂનો લગાવીને સમનદાસ ફરાર થઈ ગયો છે. સમનદાસ પર મલિકને એટલો વિશ્વાસ આવી ગયો હતો કે તેને સવારે દુકાન ખોલવાથી લઈને સાંજે દુકાન બંધ કરવા સુધીની જવાબદારી સોંપી દીધી હતી. સમનદાસ માલિકે મૂકેલા વિશ્વાસ પ્રમાણે રોજની જેમ જ મંગળવારે સવારે દુકાન પર પહોંચી ગયો હતો. દુકાન બંધ હોવાથી ફિરોઝ અલીહસને પોતાની પાસે રહેલી ચાવીથી દુકાન ખોલીને સમનદાસને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન બંધ આવતા તેમણે સોની બજારના વેપારીએ હીરા જડવા માટે આપેલા ૭૦ તોલાના સોનાની તપાસ કરતા તે ગાયબ હતા. આ પછી તેમને શંકા જતા સીસીટીવી કેમેરાના ફૂટજ ચેક કરવાનું વિચાર્યું, જેમાં મોટો ભાંડો ફૂટ્યો. ફિરોઝ અલીહસન મલિકે જાેયું કે સમનદાસ ૭૦ તોલાના ઘરેણા કે જે હીરા જડવા માટે આવેલા છે તે થેલામાં ભરીને જઈ રહ્યો છે.

જાેકે, આ ઘરેણા સમનદાસ સોનીબજારના વેપારી પાસે લઈ ગયો હોવાનું માનીને ત્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે સમનદાસ ત્યાં આવ્યો નથી. આ પછી સમનદાસ નામનો મેનેજર હીરા જડવા માટે આવેલા ઘરેણાં લઈને ફરાર થઈ ગયો હોવાની શંકા મજબૂત બની છે. હવે આ રફુચક્કર થયેલો મેનેજર સમનદાસ હાથમાં આવે તે પછી તમામ વિગતો બહાર આવી શકશે.
સોની બજારમાં વેપારીઓને માલિકોનો વિશ્વાસ જીતીને સોનું લઈને ફરાર થઈ જવાના કિસ્સા અવાર-નવાર બની રહ્યા છે. આમ થવા પાછળનું કારણ આંધળો વિશ્વાસ અને ઓછા ભાવમાં મજૂરી કરાવવાની લાલચ જવાબદાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે લાખોના ઘરેણા લઈને ગાયબ થયેલો બંગાળી મેનેજર સામે આવે તે પછી મહત્વની વિગતો બહાર આવી શકે છે અને અગાઉ બનેલા કિસ્સાઓનો પણ ભાંડો ફૂટી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.