Western Times News

Gujarati News

ઇતિહાસમાં પહેલીવાર ૧૨ કોમર્સનું ૧૦૦% પરિણામ જાહેર

Files Photo

ગાંધીનગર: આજે ગુજરાતમાં ધોરણ ૧૨નું સામાન્ય પ્રવાહનું ઓનલાઇન પરિણામ જાહેર થઇ ગયું છે. કોરોના મહામારીને કારણે ઇતિહાસમાં પહેલીવાર સામાન્ય પ્રવાહનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે. એટલે આ વખતે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાંથી ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને તમામ વિદ્યાર્થીઓને પાસ કરવામાં આવ્યાં છે. આજે સવારે ૮ કલાકથી બોર્ડની સાઇટ પર મૂકવામાં આવ્યું છે. આ પરિણામ સ્કૂલો પોતાની શાળાના પરિણામ ઈન્ડેક્સ નંબર અને પાસવર્ડ દાખલ કરીને લોગીન કરી ડાઉનલોડ કરી જાેઇ શકશે તથા પ્રિન્ટ કાઢી આપશે.

શાળાઓ વિદ્યાર્થીઓને તેમના પરિણામની પ્રિન્ટ કરેલી કોપી કોરોના ગાઇડલાઇન પ્રમાણે તબક્કાવાર બોલાવીને આપશે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં એ૧ ગ્રેડમાં ૬૯૧, એ૨ ગ્રેડમાં ૯૪૫૫, બી૧ ગ્રેડમાં ૩૫,૨૮૮, બી૨ ગ્રેડમાં ૮૨૦૧૦, સી૧ ગ્રેડમાં ૧,૨૯,૭૮૧, સી૨ ગ્રેડમાં ૧,૦૮,૨૯૯, ડી૨ ગ્રેડમાં ૨૮,૬૯૦, ઈ૧ ગ્રેડમાં ૫૮૮૫ અને ઈ૨ ગ્રેડમાં ૨૮ વિદ્યાર્થીઓ પાસ થયા છે. નોંધનીય છે કે, પરિણામ બનાવવા માટે ધોરણ ૧૦ના પરિણામના ૫૦ %, ૧૧માના પરિણામના ૨૫ % અને ધોરણ ૧૨માં એકમ કસોટીના ૨૫% માર્ક લેવાયા છે.

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ લાખ ૧૦ હજાર ૩૭૫ વિદ્યાર્થીઓ અને ૧ લાખ ૮૯ હજાર ૭૫૨ વિદ્યાર્થીનીઓ નોંધાઈ છે. ત્યારે માસ પ્રમોશનને કારણે કુલ ૪ લાખ ૧૨૭ રેગ્યુલર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધો.૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહના વર્ષ ૨૦૨૧ના નિયમિત ઉમેદવારોની પરીક્ષા રદ કરીને શિક્ષણ વિભાગે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવાની નીતિ જાહેર કરી હતી.

જે અનુસાર જાહેર કરેલ નીતિ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા પ્રાપ્ત સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુનિયાદી પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓના ગુણ બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યા હતા. જેના આધારે બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.