Western Times News

Gujarati News

ધનસુરા તાલુકાના નવી શિણોલમાં  આવાસ યોજનાના લાભાર્થીઓની દયનીય સ્થિતિ

સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરી સરકારના મંત્રીઓ દ્વારા પાંચ વર્ષની ઉપલબ્ધિઓની ગાથા ગવાઈ રહી છે, ત્યારે ગણોખરો  ગ્રામ્ય વિસ્તાર વિકાસથી વંચિત છે કે પછી ગ્રામ્ય વિસ્તાર સુધી વિકાસ પહોંચ્યોજ નથી, સાથે સાથે કેટલાક ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ કે ભ્રષ્ટ રાજકીય નેતાઓને કારણે ગણાબધા ગ્રામ્ય વિસ્તારોમાં મળવાપાત્ર સરકારી લાભ જરૂરિયાત વાળા લાભાર્થીઓ સુધી પહોંચતો નથી અને કેટલાક તેમના મળતિયા કે સગા અને રાજકીય વગ ધરાવતા આર્થિક રીતે સક્ષમ લોકો સરકારી સહાયનો લાભ ઉઠાવી રહ્યા છે, આવુજ કઈક અરવલ્લી જિલ્લામાં સામે આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામના આવાસ યોજનાના લાભાર્થી લક્ષ્મીબેન જેઠાભાઇ ચમાર ના પુત્ર દિનેશભાઇ જેઠાભાઇ ચમાર જેઓ અમદાવાદ ખાતે મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ કોરોના મહામારીમાં મજૂરીકામ ન મળતાં તેઓ પરિવાર સાથે પોતાના વતન શિણોલ ખાતે રહેવા આવી ગયા અને ગામમાં તેમની પત્ની લોકોના ઘર કામ કરી અને દિનેશભાઇ છૂટક ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અંદાજે એક વર્ષ પહેલાં તેમની માતા લક્ષ્મીબેન જેઠાભાઇ ના નામે આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર થયું હતું, જેનો ચાલીસ હજાર રૂપિયાનો  પહેલો હપ્તો એક વર્ષ પહેલાં તેમના ખાતામાં પડી ગયો હતો

જે સહાયના રૂપિયાથી તેમણે આવાસનું નિર્માણ કાર્ય શરૂ પણ કરી દીધું તે અરસામાં તેમની માતા લક્ષ્મીબેનનું નિધન થયું, ત્યાર બાદ છેલ્લા છ – સાત મહિનાથી તેઓ ગ્રામપંચાયતના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ પંચાયતના તલાટી કે સરપંચ દ્વારા યોગ્ય જવાબ ન મળતાં અને બીજો હપ્તો હજુ સુધી ખાતામાં ન આવતાં નિર્માણ કાર્ય અધૂરું રહેતાં દિનેશભાઇ, તેમની પત્ની અને નાના કુમળા બાળકો ખરા ચોમાસામાં ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે

અમારા પ્રતિનિધિ ધનસુરા તાલુકાના નવી શિણોલ ગામની મુલાકાત લેવા પહોંચ્યા ત્યારે, ત્યાંના વતની અને ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ખાંટ અભેસિંહ, ખાંટ વિક્રમસિંહ, દિનેશભાઇ પરમાર, રાંમાભાઇ પરમાર, પ્રતાપજી પરમાર, તેજાજી આદિવાસી, રામાજી વણજારા, લક્ષ્મીબેન સહિત ઘણા રહીશોએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે, ઘણા વર્ષોથી તેઓ આવાસ માટે, સૌચાલય માટે તેમજ રસ્તા માટે પંચાયતમાં વારંવાર રજૂઆતો કરી રહ્યા છે,પરંતુ પંચાયત દ્વારા તેમની રજૂઆતો ધ્યાન પર લેવામાં આવતી નથી. અને ત્યાંના રહીશો દ્વારા સ્થાનિક તંત્ર સામે સરકારી સહાય મંજુર કરાવવા લાંચ માગવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો એટલુજ નહી પણ ગામમાં આર્થિક રીતે સક્ષમ લોકોને સરકારી આવાસ ફાળવી દીધા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો….


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.