Western Times News

Gujarati News

સિવિલમાં દોઢ મહિનામાં ૬૦૦૦ બાળકોની સારવાર

અમદાવાદ, કોરોના વાયરસની બે લહેર બાદ ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક બનવાની સંભાવના વચ્ચે અમદાવાદમાં બાળકોમાં વકરી રહેલા રોગચાળાએ ચિંતા ઊભી કરી દીધી છે. પાછલા દોઢ મહિનામાં અમદાવાદ સિવિલમાં ૬૦૦૦ બાળકો સારવાર લેવા માટે આવ્યા છે. બાળ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે ત્યારે તેમને કામ વગર ઘરની બહાર ના કાઢવા અને તેમની કાળજી રાખવાની ભલામણ મેડિકલ એક્સપર્ટ દ્વારા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે કોરોના ભલે નબળો પડ્યો છે પરંતુ તે હજુ પણ આપણી વચ્ચે છે, આવામાં બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવી જરુરી છે.

૧૮ વર્ષથી ઉપરના લોકોને કોરોનાની રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે, માટે તેમના માટે ખતરો ઓછો થઈ રહ્યો છે, પરંતુ બાળકો માટે કોરોના ઘાતક ના બને તે માટે સાવધાની રાખવી જરુરી છે. બીમાર બાળકોની સંખ્યામાં વધારો થવાનું કારણ મિશ્ર ઋતુ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અસારવા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. જેવી મોદી જણાવે છે કે, પાછલા કેટલાક દિવસોથી સિવિલ ઓપીડીમાં આવતા બાળ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે.

અહીં સારવાર માટે આવતા બાળકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા-ઉલ્ટી અને શ્વાસની તકલીફ જાેવા મળી રહી છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે પરંતુ બીજી તરફ ગરમીની સાથે મચ્છરોનો ઉપદ્રવ બાળકોનો બીમાર બનાવી રહ્યો છે. વાઈરલ ઈન્ફેક્શનના કેસોમાં હાલ વધારો નોંધાઈ રહ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્‌સ મુજબ જુલાઈથી ૧૭ ઓગસ્ટ સુધીમાં સિવિલ ઓપીડીમાં ૬૦૦૦ બાળકો સારવાર માટે આવ્યા છે. આવામાં ૧૫૦૦ જેટલા બાળકોની તબિયત ઝાડા-ઉલ્ટી, વધારે તાવના લીધે ખરાબ હોવાથી તેમને દાખલ કરવા પડ્યા હતા. જે પ્રમાણે રોજના સિવિલમાં ૫૦-૬૦ કેસ આવતા હતા તેની સામે હાલ સરેરાશ દોઢ મહિનાથી રોજના ૧૫૦થી ૨૦૦ કેસ આવે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.