Western Times News

Gujarati News

સુરતમાં ખેડૂતની પુત્રી બની દેશની સૌથી નાની પાઇલટ

સુરત, સુરતમાં ૧૯ વર્ષની દીકરીએ નાની વયે પાઇલટ બની પરિવારની સાથે સુરતનું નામ પણ રોશન કર્યું છે. મૈત્રી પટેલએ અમેરિકામાં ૧૧ મહિનાના ટુંકાગાળામાં ટ્રેનિંગ પુર્ણ કરી કોમર્શિયલ પાઇલટનું લાઇસન્સ મેળવ્યું છે. તે સાથે તે સૌથી નાની વયની પાયલટ બની છે. પાઇલટ બન્યા બાદ મૈત્રી પટેલ સુરત પહોંચતા પરિવારજનો દ્વારા તેનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મન હોય તો માળવે જવાય આ કહેવત મૈત્રીએ સાર્થક કરી છે. સુરતની માત્ર ૧૯ વર્ષની દીકરી મૈત્રીએ નાનપણથી જ પાઇલટ બનવાની ઈચ્છા અને મહેનતનાં પગલે આજે તેને સુરતની સાથે તેના માતા-પિતાનું નામ પણ રોશન કર્યું છે.

શહેરના ઘોડદોડ વિસ્તારમાં રહેતી મૈત્રી પટેલ ધોરણ-૧૨ સાયન્સ પુરું કર્યા બાદ પાઇલટના અભ્યાસ માટે ટ્રેનિંગ માટે અમેરિકા ગઈ હતી. મૈત્રીના પિતા ખેડૂત અને માતા સુરત મહાનગરપાલિકામાં નોકરી કરે છે. તેણે નાનપણથી જ પાઇલટ બનવાની ઈચ્છા હતી. જ્યાં માત્ર ૧૧ મહિનાના ટૂંકાગાળામાં કોમર્શિયલ વિમાન ઉડાડવાનું શીખી લેતાં અમેરિકાએ તેણીને કોમર્શિયલ વિમાન ઉડાવવાનું લાઈસન્સ આપ્યું છે. તે સાથે મૈત્રી ભારતની સૌથી નાની વયની પાઇલટ બની ગઇ છે.

મૈત્રી પટેલે કહ્યું કે, ટ્રેનિંગમાં ૧૦ જેટલા ભારતીય તેમજ અન્ય દેશના ઉમેદવારો પણ હતા. સામાન્ય રીતે વિમાન ચલાવવા માટે ૧૮ મહિનાની ટ્રેનિંગ હોય છે પરંતુ મેં ૧૧ મહિનામાં જ પૂર્ણ કરી છે. ભારતમાં સૌથી વધુ મહિલા પાઈલટ છે અને મારે તેમાં જાેડાવું છે. ટૂંક સમયમાં કેપ્ટન બનવાનું સપનું પણ પૂરું કરીશ.

સુરતથી દિલ્હીની શરૂ થયેલ સૌપ્રથમ ફ્લાઈટમાં બેસતી વખતે મારા પિતાએ મને કહ્યું હતું કે, તું પાઇલટ બનજે અને ત્યારથી મેં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. લાયસન્સ લીધા બાદ મેં મારા પિતાને અમેરિકા બોલાવ્યા હતા અને આકાશમાં ૩૫૦૦ ફૂટ ઊંચાઈએ તેમને ફેરવ્યા હતા. પિતા કાંતિલાલ પટેલે કહ્યું કે, અમારી ઇચ્છા હતી કે તે અમને પ્લેનમાં ફેરવે અને અમારી ઈચ્છા તેણે પૂરી કરી છે. અમને તેના પર ખુબ જ ગર્વ છે. ટ્રેનિંગ પૂર્ણ કરી સુરત આવેલી મૈત્રીને પરિવારે હર્ષભેર વધાવી હતી. મૈત્રીએ ભારતમાં વિમાન ઉડાડવા માટે ભારતના નિયમો અનુસાર ટ્રેનિંગ સાથે અભ્યાસ કરવો પડશે. તે પુર્ણ થયા બાદ તેને લાઇસન્સ મળશે. મૈત્રીની માતા, રેખા પટેલે જણાવ્યું કે, નાની ઉંમરમાં લાયસન્સ મેળવનારી દીકરીને પિતાએ ‘શ્રવણકુમાર”નું બિરુદ આપ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.