Western Times News

Gujarati News

જલિયાંવાલા બાગ સ્મારક આજે રાષ્ટ્રને સમર્પિત કરાશે

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ ઓગષ્ટના રોજ જલિયાંવાલા બાગ સ્મારકના પુનર્નિર્મિત એટલે કે, રિનોવેટેડ પરિસરને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે વડાપ્રધાન સ્મારકમાં સંગ્રહાલય દીર્ઘાઓનું (ગેલેરી) પણ ઉદ્‌ઘાટન કરશે. વડાપ્રધાન મોદી ૨૮ ઓગષ્ટના રોજ સાંજે ૬ઃ૨૫ કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જલિયાંવાલા બાગને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ આયોજન દરમિયાન પરિસરને વધુ સારૂ બનાવવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો પણ દર્શાવવામાં આવશે.

આ ઈમારત ઘણાં લાંબા સમયથી ખાલી પડી હતી અને તેનો ખૂબ ઓછો ઉપયોગ થઈ રહ્યો હતો. આ કારણે ઈમારતોને ફરી ઉપયોગમાં લેવા ૪ સંગ્રહાલય ગેલેરીઝ નિર્મિત કરવામાં આવી છે. આ ગેલેરીઝ તે સમય દરમિયાન પંજાબમાં ઘટિત વિવિધ ઘટનાઓના વિશેષ ઐતિહાસિક મહત્વને દર્શાવે છે. તે ઘટનાઓ દેખાડવા માટે શ્રવ્ય-દૃશ્ય તકનીક દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે જેમાં મેપિંગ અને ૩ડી ચિત્રણની સાથે સાથે કલા અને મૂર્તિકલાનો પણ સમાવેશ થાય છે.

૧૩ એપ્રિલ, ૧૯૧૯ના રોજ ઘટિત વિવિધ ઘટનાઓને દર્શાવવા માટે એક સાઉન્ડ એન્ડ લાઈટ શોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પરિસરમાં વિકાસ સાથે સંકળાયેલી અનેક પહેલ કરવામાં આવી છે. પંજાબની સ્થાનિક શૈલી પ્રમાણે જ ધરોહર સંબંધી વિસ્તૃત પુનર્નિર્માણ કાર્ય કરવામાં આવ્યા છે. શહીદી કુવાનું સમારકામ કરવામાં આવ્યું છે અને નવવિકસિત ઉત્તમ સંરચના સાથે તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે.

આ બાગના કેન્દ્રીય સ્થળ ગણાતા ‘જ્વાળા સ્મારક’ના સમારકામની સાથે સાથે તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યાંના તળાવને ‘લિલી તળાવ’ તરીકે ફરી વિકસિત કરવામાં આવ્યું છે અને લોકોની સુવિધા માટે રસ્તા પહોળા કરવામાં આવ્યા છે. સાથે જ તમામ મહત્વપૂર્ણ સ્થળોને રોશની દ્વારા હાઈલાઈટ કરવામાં આવ્યા છે. તે સિવાય દેશી વૃક્ષારોપણની સાથે વધુ સારા ભૂદૃશ્ય અને ચટ્ટાનોયુક્ત નિર્માણ કાર્ય, આખા બગીચામાં ઓડિયો નોડ્‌સ લગાવવાનું પણ ચાલુ છે. ઉપરાંત મોક્ષ સ્થળ, અમર જ્યોત અને ધ્વજ મસ્તૂલને વ્યવસ્થિત કરવા અનેક નવા ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી, કેન્દ્રીય આવાસન અને શહેરી કાર્ય મંત્રી, સંસ્કૃતિ રાજ્ય મંત્રી, પંજાબના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, હરિયાણા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી, પંજાબના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક ન્યાસના સદસ્યગણ વગેરે આ અવસરે ઉપસ્થિત રહેશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.