Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની શંકાએ ગુપ્તચર એજન્સીઓ એલર્ટ

નવી દિલ્હી, તાલિબાને બળ દ્વારા અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ સરહદ પાર આતંકવાદીઓની અવરજવર વધી છે. ગુપ્તચર એજન્સીઓ આને મોટા ખતરા તરીકે જાેઈ રહી છે.

સરહદ પાર આતંકવાદીઓની ગતિવિધિઓમાં વધારો થયાની માહિતી મળ્યા બાદ દેશની ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ -કાશ્મીરમાં આતંકવાદી હુમલા અંગે એલર્ટ જારી કર્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ માટે પોતાને તૈયાર કરવા માટે આ માહિતી રાજ્યની ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ સાથે વહેંચવામાં આવી છે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું કે ઓગસ્ટના ત્રીજા સપ્તાહ દરમિયાન પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) ના નેતાઓ અને તાલિબાન નેતાઓ વચ્ચે કંદહારમાં એક બેઠક યોજાઈ હતી. આ બેઠક અંગે જાણ થયા બાદ તમામ ગુપ્તચર એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. સૂત્રો જણાવે છે કે તાલિબાન નેતાઓના જૂથે આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (જેઈએમ) એ ભારત સામેની કાર્યવાહીમાં તેમનો ટેકો માગ્યો હતો.

સૂત્રો જણાવે છે કે બેઠકમાં પાકિસ્તાનની વર્તમાન રાજકીય સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીએ કહ્યું- અમે ગુપ્તચર એજન્સીઓને સોશિયલ મીડિયા પર કડક નજર રાખવા માટે સૂચનાઓ જારી કરી છે. અમને ૨૪ ઓગસ્ટના રોજ પાકિસ્તાનથી બે આતંકવાદીઓની હિલચાલ અંગે ગુપ્ત માહિતી મળી હતી. આ આતંકવાદીઓ શ્રીનગરમાં ગ્રેનેડ હુમલાની યોજના બનાવી રહ્યા હતા. તમામ સંબંધિત એજન્સીઓને પોતાની વચ્ચે માહિતી વહેંચતા રહેવા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હાલમાં, તમામ રાજ્યો અને કેન્દ્રના આતંકવાદ વિરોધી એકમોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૫ ઓગસ્ટના રોજ તાલિબાન આતંકવાદીઓ કાબુલમાં પ્રવેશ્યા હતા, જેના કારણે અફઘાનિસ્તાનમાં સરકારનું પતન થયું હતું. તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ અફઘાન લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

હજારો અફઘાન નાગરિકો દેશ છોડવા માટે કાબુલ એરપોર્ટ પર રવાના થયા હતા. હજારો લોકો સરહદ પાર કરીને પડોશી દેશોમાં ગયા. દરમિયાન, ગુરુવારે કાબુલ એરપોર્ટની બહાર હજારોની ભીડમાં શ્રેણીબદ્ધ આત્મઘાતી બોમ્બ ધડાકા થયા. આ આતંકવાદી હુમલામાં ૧૩ અમેરિકી સૈનિકો અને ઓછામાં ઓછા ૧૬૯ અફઘાન નાગરિકો માર્યા ગયા હતા.

ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટની બહાર સિરિયલ બ્લાસ્ટ પહેલા અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા સહિત તમામ દેશોએ આવા મોટા હુમલાની ચેતવણી જારી કરી હતી. યુએસ એમ્બેસીએ તેના નાગરિકોને એરપોર્ટથી દૂર રહેવાની સૂચના આપી હતી. એ પણ નોંધનીય છે કે કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષાની જવાબદારી તાલિબાન પર હતી. તાલિબાન લડવૈયાઓ પણ ઠેક ઠેકાણે તૈનાત હતા. આ હોવા છતાં, આતંકવાદી હુમલો રોકી શકાયો નહીં અને મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા. આ જ કારણ છે કે ગુપ્તચર માહિતી મળ્યા બાદ ભારતીય એજન્સીઓ ચોંકી ઉઠી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.