Western Times News

Gujarati News

બ્લેક ફંગસના કેસમાં ફરી ઉછાળો: આંધ્રમાં આઠ દિવસમાં ૨૦૦ નવા કેસ

હૈદરાબાદ, કોરોનામાંથી સ્વસ્થ થઈ રહેલા દર્દીઓને લાગુ પડતી બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઈકોસિસની બીમારીએ આંધ્રપ્રદેશમાં ફરી તરખાટ મચાવ્યો છે. આંધ્રપ્રદેશમાં છેલ્લા આઠ દિવસમાં જ બ્લેક ફંગસના નવા ૨૦૦ કેસ સામે આવતાં રાજ્યના આરોગ્યતંત્રની ચિંતા વધી ગઈ છે. આ નવા ૨૦૦ કેસ સાથે આંધ્રપ્રદેશમાં બ્લેક ફંગસના કુલ કેસની સંખ્યા ૪,૮૧૯ થઈ ગઈ છે.

આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડાઓ અનુસાર છેલ્લા આઠ દિવસમાં રાજ્યમાં બ્લેક ફંગસના કારણે ૧૨ લોકોનાં મોત પણ થયાં છે અને સાથે બ્લેક ફંગસનો કુલ મૃત્યુઆંક ૪૪૮ થયો છે.

અહેવાલો અનુસાર ૩૯૭૮ સંક્રમિતો બ્લેક ફંગસમાંથી મુક્ત પણ થયા છે અને આ સાથે આંધ્રપ્રદેશમાં બ્લેક ફંગસના ૪૬૩ એક્ટિવ કેસ છે. આંધ્રપ્રદેશમાં કુલ ૭૮૨ કેસ અને ૧૦૦ મૃત્યુ સાથે ચિત્તૂર જિલ્લો સૌથી આગળ છે. ગુંતુર જિલ્લો બ્લેક ફંગસના ૭૪૦ કેસ સાથે બીજા ક્રમે છે અને અહીં મૃત્યુઆંક માત્ર ૨૦ છે.

પશ્ચિમ ગોદાવરીમાં શૂન્ય કેસ છે, જ્યારે વિજયનગરમાં માત્ર એક કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર રાજ્યમાં બ્લેક ફંગસથી સંક્રમિત ૨,૬૮૭ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે.

દરમિયાન વૈજ્ઞાનિકોએ બ્લેક ફંગસના કેસનું નિદાન કરવા એક અસરકારક ટેકનિક શોધી કાઢી છે. ઈઆઈ ટેકનિકની મદદથી એક ઈકોનોમિકલ ડિવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે, જે બ્લેક ફંગસનું તત્કાળ નિદાન કરશે અને તેના દ્વારા બ્લેક ફંગસના કેસનું સતત મોનિટરીંગ પણ કરી શકાશે.

એસ.એન.મેડિકલ કોલેજ, આગ્રાના એસોસિયેટ પ્રોફેસર ડો.શૈલેન્દ્ર ચૌધરીએ બ્લેક ફંગસ અંગે જણાવ્યું કે દુનિયાભરમાં તેના નિદાન અને ઈલાજ પર સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ ભારતીય વૈજ્ઞાનિકો હવે તેમાં બાજી મારી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.