Western Times News

Gujarati News

દગાથી વીડિયો બનાવનારી મહિલા સામે ફરિયાદ

અમદાવાદ, સોશિયલ મીડિયા થકી યુવતીઓની બદનામી કરવામાં આવી હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પણ અમદાવાદમાં એક એવી પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં એક વૃદ્ધાએ તેની મહિલા મિત્ર સામે ગંભીર આક્ષેપ કર્યાં છે. આ વૃદ્ધા ટિકટોક અને ટીક્કી એપનો ઉપયોગ કરી વીડિયો બનાવી અપલોડ કરતા હતા. આ દરમિયાન તેણીનો સંપર્ક એક યુવક સાથે થયો હતો. બાદમાં એક મહિલા પણ બંનેની મિત્ર બની હતી.

થોડા સમય બાદ આ મહિલાએ વૃદ્ધા સમક્ષ પ્રેમનો એકરાર કર્યો હતો. આ વાત વૃદ્ધાને ન ગમતા તેણીએ મહિલાને બ્લોક કરી દીધી હતી. જે બાદમાં આ મહિલાએ એક વીડિયો બનાવી વૃદ્ધાએ તેની સાથે દગો કર્યો હોવાનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો પર ભરત નામના યુવકે કોમેન્ટમાં જાતિ વિષયક વાક્યો લખતા વૃદ્ધાએ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. શહેરના વેજલપુરમાં રહેતા ૫૯ વર્ષીય મહિલા સોશિયલ મીડિયા પર ટિકટોક, વોટ્‌સએપ, ફેસબુક અને ટીક્કી જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. આ મહિલા પોતાના વીડિયો બનાવી ટિકટોક પર અપલોડ કરતા હતા. ભરત પટેલ નામના વ્યક્તિ પણ આવા વીડિયો અપલોડ કરતા બંને વચ્ચે સંપર્ક થયો હતો. વૃદ્ધા અને ભરત બંને એકબીજાના વીડિયો લાઇક અને તેના પર કૉમેન્ટ કરતા હતા.

બાદમાં બંને વચ્ચે એકબીજાના મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. ભરત આ મહિલાને બહેન કહેતો હતો અને મહિલા ભરતને ભાઈ કહેતી હતી. બંને વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધ બંધાયા હતા. બાદમાં ટીક્કી એપ મારફતે લવીના સિંગ સાથે આ મહિલાની મિત્રતા થઈ હતી. લવીના સિંગ ભરત અને વૃદ્ધાની કોમન ફ્રેન્ડ હતી. ત્યારે ત્રણેય લોકો વચ્ચે એકબીજાના ફોન નંબરની આપ લે થઈ હતી. બાદમાં વૃદ્ધાને આ લવીના સિંગે હું તમને પ્રેમ કરું છું તેવું કહેતા વૃદ્ધાએ તેણીને બ્લોક કરી હતી.

જેથી લવીના સિંગે એક વીડિયો બનાવ્યો હતો જેમાં ‘હું આ બહેનને પ્રેમ કરું છું. તેણીએ મને દગો દીધો છે અને મને બ્લોક કરી છે’ તેવો ઉચ્ચાર કર્યો હતો. જે બાદ ભરત પટેલ નામના વ્યક્તિએ આ વૃદ્ધાના વીડિયો પર જાતિવિષયક ખરાબ ટિપ્પણી કરી હતી. બાદમાં વોટ્‌સએપમાં પણ ખરાબ શબ્દો બોલી આ વૃદ્ધાને અપમાનિત કરી હતી. જેથી મહિલાએ આ અંગે વેજલપુર પોલીસને ફરિયાદ આપતા વેજલપુર પોલીસે એટ્રોસિટી અને આઇટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.