Western Times News

Gujarati News

બાવળા હાઈવે પર અકસ્માતનું સૌથી મોટું કારણ રોડ પર રખડતી ગાય

પ્રતિકાત્મક

બાવળા પોલીસે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી પણ કોઈ કાર્યવાહી નહીં ઃ મોડી રાત્રે સાચવીને પસાર નહીં થાવ તો અકસ્માત થવાની ગેરંટી

અમદાવાદ, રાજ્યમાં દર એકાદ બે દિવસે રોડ અકસ્માતના બનાવો બની રહ્યા છે જેની પાછળ ખરાબ રોડ, ડ્રાઈવરને ઝોકું આવવું, દારૂ પીને ડ્રાઈવિંગ કરવું તેમજ ઝડપથી વાહન ચલાવવા જેવાં અનેક કારણો જવાબદાર રહ્યાં છે. પરંતુ અમદાવાદ જિલ્લામાં આવેલા બાવળામાં અકસ્માત થવાનું કારણ રસ્તા પર રખડતી ગાય હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદથી ખૂબ ઝડપે સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યા છો તો બાવળા હાઈવે પર સાંભળીને કાર ચલાવવી પડશે કારણ કે રસ્તા પર ગાય ઝૂંડ બનાવીને બેઠી હોય છે જાે ધ્યાનથી વાહન નહીં ચલાવો તો અકસ્માત જરૂરથી થશે.

બાવળા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ સાગરે જણાવ્યું છે કે બાવળા હાઈવે પર ગાયનો ત્રાસ એટલો બધો વધુ છે કે અકસ્માતની ઘટનાઓ બની રહી છે અને તેમાં પણ જાે કાળી ગાય હોય તો રાત્રીના સમય દરમિયાન વાહનચાલકને તે દેખાતી નથી. જેના કારમે અકસ્માત થાય છે.

આ મામલે બાવળા નગરપાલિકાને અનેક વખત લેખિતમાં પોલીસ તરફથી રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. અમદાવાદથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી અમદાવાદ રોજ હજારો વાહનો આવી રહ્યાં છે. કાર, ટ્રક, લકઝરી સહિતનાં વાહનોની અવરજવર હોય છે ત્યારે તેમાં મોડી રાત્રે બાવળા હાઈવે પરથી પસાર થાવ તો અકસ્માતની સંભાવના વધી રહી છે.

જેનું એક માત્ર કારણ રોડ પર બેઠેલી ગાય છે. મોડી રાત્રે સો કરતાં વધુ ગાય રોડ ઉપર બેઠી હોય છે. જાે કોઈ વાહન પુરઝડપે આવતું હોય તો ગાય સાથે ટક્કર થવાની સંભાવના વધુ છે. કારણ કે મોટા ભાગની ગાય લાલ અને કાળા કલરની હોય છે જે રોડની વચ્ચે બેઠી હોય છે. ઉલ્લેખનીય છે કે બંને બાજુથી સામસામે ક્રોસ થતાં વાહનોની હેડલાઈટ એટલી બધી વધુ હોય છે કે રોડ ઉપર બેઠેલી ગાય કોઈને દેખાતી નથી.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર જાે ગાયને બચાવવા માટે કોઈ વાહનચાલક અચાનક ટર્ન મારે છે તો અન્ય વાહન સાથે અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. પોલીસે અવારનવાર નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરી છતાંય તેણે નહીં સાંભળતા પોલીસ પણ હવે નગરપાલિકાની સામે હારી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.