Western Times News

Gujarati News

તાલિબાનને માન્ય ન રાખી NRF કેબિનેટ જાહેર કરશે

પંજશીર, અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને ભલે સરકાર બનાવી લીધી હોય પરંતુ પંજશીર પ્રાંતના યોદ્ધાઓએ હાર નથી માની. નેશનલ રેજિસ્ટેન્સ ફ્રંટ (એનઆરએફ) દ્વારા તેઓ અફઘાનિસ્તાનમાં સમાંતર સરકાર ચલાવશે અને તાલિબાનની સરકારને નહીં માને તેવી જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, પંજશીર અફઘાનિસ્તાનનું એકમાત્ર એવું પ્રાંત છે જ્યાં તાલિબાન સંપૂર્ણપણે કબજાે નથી જમાવી શક્યું. તાલિબાને પંજશીરના કેટલાક વિસ્તારોમાં કબજાે જમાવ્યો હતો પરંતુ પંજશીરના ફાઈટર્સે હજુ હાર નથી માની અને તેઓ પહાડીઓ પરથી તાલિબાનીઓ પર હુમલો કરી રહ્યા છે.

નેશનલ રેજિસ્ટેન્સ ફ્રંટ (એનઆરએફ) જે નોર્ધન એલાયન્સ તરીકે પણ ઓળખાય છે તેની આગેવાની અહમદ મસૂદ કરી રહ્યા છે. તાલિબાને મંગળવારે રાતે પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી હતી. તે અંગે પ્રતિક્રિયા આપતા અહમદ મસૂદે જાહેરાત કરી છે કે, તે લોકો અફઘાનિસ્તાનમાં સમાંતર સરકાર ચલાવશે. આ માટે હાલ નેતાઓ સાથે વિચાર-વિમર્શ પણ ચાલી રહ્યો છે. એનઆરએફએ તાલિબાનની કેરટેકર સરકારને ગેરકાયદેસર અને અફઘાની લોકો સાથે દુશ્મની કાઢનારી ગણાવી છે.

તાલિબાને મંગળવારે સાંજે ૩૩ સદસ્યોવાળી કેરટેકર સરકારની જાહેરાત કરી હતી. તેમાં મુલ્લા હસન અખુંદને સરકારનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. એનઆરએફે પોતાના નિવેદનમાં તાલિબાનને અફઘાનિસ્તાનની સાથે સાથે સમગ્ર વિશ્વ માટે જાેખમી ગણાવ્યું છે. અગાઉ નોર્ધન એલાયન્સે સંયુક્ત રાષ્ટ્ર (યુએન), સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી), ઈયુ, સાર્ક, ઓઆઈસી વગેરે સંસ્થાઓને વિનંતી કરી હતી કે તે લોકો તાલિબાનને કોઈ પણ પ્રકારનો સહયોગ ન આપે.

અફઘાન સરકારમાં મંત્રી રહી ચુકેલા સલાહુદ્દીન રબ્બાનીએ પણ તાલિબાન દ્વારા ગઠિત સરકારની નિંદા કરી હતી. તેમણે આ સરકાર વધુ દિવસો સુધી નહીં ચાલે તેવો દાવો કર્યો હતો.

તાલિબાને જે સરકારની રચના કરી છે તેમાં આતંકવાદીઓની ભરમાર છે. તેમાં કોઈક તસ્કરી માટે પ્રતિબંધિત છે તો કોઈના માથે ૭૩ કરોડનું ઈનામ રાખવામાં આવેલું છે. સાથે જ તાલિબાને ૩૩ મંત્રીઓવાળી કેબિનેટમાં એક પણ મહિલાને સ્થાન નથી આપ્યું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.