Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ગુરૂવારે શપથ લેશે

ગાંધીનગર, નવનિયુક્ત સીએમ ભૂપેન્દ્ર પટેલનું મંત્રીમંડળ ગુરુવારે શપથ ગ્રહણ કરશે. મુખ્યમંત્રી સોમવારે શપથ લઈ ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમના મંત્રીમંડળમાં કોણ-કોણ હશે તેની કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. હવે નવા મંત્રીમંડળના શપથગ્રહણની તારીખ જાહેર કરી દેવાઈ છે ત્યારે કોને તેમાં એન્ટ્રી મળશે, અને કોની એક્ઝિટ થશે તેને લઈને પણ જાતભાતની અટકળો શરુ થઈ ગઈ છે.

સૂત્રોનું માનીએ તો, આજે સાંજ સુધીમાં નામો જાહેર થઈ શકે છે. પૂર્વ સીએમ વિજય રુપાણીએ ૧૧ સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપતા ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવાયા હતા. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કોનો-કોનો સમાવેશ થશે તે અંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રવિવારે જણાવ્યું હતું કે, સિનિયર ધારાસભ્યોના અનુભવનો લાભ મળે તે રીતે મંત્રીમંડળ બનાવાશે. જાેકે, તેમાં કોનો સમાવેશ થશે તે અંગે પાટીલે કોઈ ફોડ નહોતો પાડ્યો.

મંત્રીઓના નામ નક્કી કરવા માટે ગઈકાલે અમિત શાહે પક્ષના ટોચના નેતાઓ સાથે મિટિંગ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સૂત્રોનું માનીએ તો, દિલ્હીથી નવા મંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે, અને તેમાં પણ સરપ્રાઈઝ જાેવા મળે તો નવાઈ નહીં. નવા મંત્રીમંડળમાં જ્ઞાતિના સમીકરણોને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, પાટીદારોએ થોડા સમય પહેલા જ સીએમ પાટીદાર હોવા જાેઈએ તેવી માગ કર્યા બાદ અચાનક રુપાણીએ રાજીનામું આપ્યું હતું. ભૂપેન્દ્ર પટેલને સીએમ બનાવી ભાજપ પટેલ વોટબેંકને સાચવવા માગે છે તેવો સ્પષ્ટ સંદેશ જતાં અન્ય જ્ઞાતિના લોકો નારાજ ના થઈ જાય તેનું ખાસ ધ્યાન નવા મંત્રીમંડળના સભ્યોની પસંદગી વખતે રાખવામાં આવશે. રુપાણી સરકારમાં નીતિન પટેલ તેમના ડેપ્યુટી હતા.

જાેકે, આ વખતે માત્ર સીએમે જ શપથ લીધા છે, અને ભાજપે ડેપ્યુટી સીએમ અંગે કોઈ સ્પષ્ટતા નથી કરી. નીતિન પટેલ પોતાને સીએમ ના બનાવાતા નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે આ વખતે તેમને ડેપ્યુટી સીએમ કે મંત્રીનું પદ મળે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે.

એવી પણ ચર્ચા છે કે, ઓબીસીને પણ ડેપ્યુટી સીએમ બનાવાઈ શકાય છે. રુપાણી સરકારમાં મંત્રી રહી ચૂકેલા કેટલાક જૂના જાેગીઓ નવી સરકારમાં હશે કે નહીં તેનો જવાબ હાલ કોઈની પાસે નથી. અટકળો અનુસાર, કેટલાક વરિષ્ઠ નેતાઓને પડતા મૂકી તેમના સ્થાને યુવા નેતાઓને જગ્યા આપવામાં આવી શકે છે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કેટલાક મંત્રીઓએ તો સચિવાલયમાં પોતાની ઓફિસમાંથી સામાન હટાવવાનું પણ ચાલુ કરી દીધું છે. સૂત્રોનું માનીએ તો, ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું કદ તેમના પુરોગામી કરતાં નાનું હોય તો પણ નવાઈ નહીં. જાેકે, આ બધાય પ્રશ્નોનો જવાબ ગુરુવારે જ મળી શકશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.