Western Times News

Gujarati News

રાહદારીઓ પર હુમલો કરી લૂંટ  કરતો શખ્સ ઝડપાયો, બાળ આરોપી તરીકે કુલ ૧૧ ગુના આચર્યા હતા,

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

(પ્રતિનિધિ)અમદાવાદ, દોઢેક વર્ષ અગાઉ શહેરમાં સિરીયલ સ્ટેબીંગની ઘટના બની હતી. જેમાં એક કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તે ચિલ્ડ્રન હોમમાંથી પણ અન્ય આઠ બાળકો સાથે ભાગી છુટ્યો હતો. ફરાર થયેલાં આરોપીએ આ દરમિયાન ચોરી અને લુંટની કેટલીય ઘટનાઓને અંજામ આપ્યો હતો. જેને ક્રાઈમ બ્રાન્ચી ટીમે ઝડપી લઈને ૧૫ જેટલાં ગુનાઓ ડિટેક્ટ કર્યા છે.

ક્રાઈમ બ્રાંચની ટીમ મિલ્કત સંબંધી ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે સક્રિય હતી. એ દરમિયાન બાતમીના આધારે મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ નજીકથી રાજા મુન્નાભાઈ કેવટ (૨૦) (રહે.હેબતપુર, મૂળ.બિહાર)ને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેણે પોતાનાં ચાર સાગરીતો સાથે મળી વાડજ, નવરંગપુરા, રાણીપ, હીરાવાડી, નિર્ણયનગર, ઘોડાસર સહિતનાં વિસ્તારોમાં દુકાનોનાં તાળાં તોડી ચોરી કર્યાનું કબુલ્યું હતું.

ઉપરાંત તે સોલામાં મર્ડર, ચાંદખેડા તથા ઘાટલોડીયામાં લુંટ, અડાલજમાં વાહનચોરી તથા રાજસ્થાનનાં બીછીવાડામાં ઘરફોડ ચોરીમાં વોન્ટેડ હોવાનું બહાર આવ્યું હતું.

હત્યાનાં ગુનામાં બાળ આરોપી તરીકે પકડાયો હતો
રાજા સોલા, ઘાટલોડીયા તથા ચાંદખેડા વિસ્તારમાં લુંટ કરવાનાં ઈરાદે સાગરીતો સાથે રાહદારીઓ પર છરીઓ વડે હુમલો કરતો હતો.

આ દરમિયાન જુલાઈ ૨૦૧૮માં વસ્ત્રાપુરમાં ત્રણ રાહદારીઓ પર હુમલો કરતાં એકનું મોત થયું હતું. જેમાં તેને ઝડપી લેવાયો હતો. પરંતુ તે સમયે સગીરવયનો હોઈ મહેસાણા ખાતે ચિલ્ડ્રન હોમમાં મોકલતાં ત્યાંથી પણ આઠ છોકરાઓ સાથે ભાગી છુટ્યો હતો. બાદમાં પોલીસ પકડથી દુર હતો.

પોલીસે પકડી લેતાં ખોટું નામ આપ્યું

ચાલાક રાજાએ પોતે ખુન અને લુંટના ગુનામાં વોન્ટેડ હોવાથી આ વર્ષે ચોરીના ગુનાસર પકડાઈ જતાં રાજા મુન્નાભાઈ કેવટનાં બદલે પોતાનું નામ રાજુ ઉર્ફે અક્ષય નાગરાજ મલા લખાવ્યું હતું. જેને કારણે ખુન-લુંટ જેવાં ગંભીર ગુના આચર્યા હોવા છતાં પોલીસને તેની જાણ થઇ નહતી.

રાજાએ બાળ આરોપી તરીકે કુલ ૧૧ ગુના આચર્યા હતા અને ખોટું નામ આપ્યા બાદ પાંચ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. રાજા આ જ વર્ષે ચાંદખેડા, નારણપુરા, સરદારનગર, કૃષ્ણનગર, નરોડા સહિતનાં પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીનાં ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.