Western Times News

Gujarati News

ભરૂચ નેશનલ હાઈવે ઉપર દર્શનાર્થીઓની ST બસનો અકસ્માત

તસવીરઃ વિરલ રાણા, ભરુચ

ઝઘડિયા મુલદ ચોકડીના ફલાઈઓવર બોર્ડના પોલ સાથે એસ.ટી બસ અથડાતા દર્શનાર્થી તથા ડ્રાઈવરસહિત ૧૦ લોકોને ઈજા: ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા

(પ્રતિનિધિ) ભરૂચ, ખેરગામ તાલુકાના આછવલી ગામના દર્શનાર્થીઓને ઉત્તર ગુજરાતના ઉંઝા ખાતે દર્શનાર્થે લઈ જતી એસ.ટી બસને ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના મુલદ ચોકડી હાઈવે ઉપર ખરાબ રસ્તાઓના કારણે ખાડો બચાવવા જતા અકસ્માત નડ્યો હતો.અકસ્માતમાં ડ્રાઈવર,કંડકટર સહિત ૧૦ જેટલા દર્શનાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા.

નવસારી જીલ્લાના ચીખલી તાલુકાના સતાડિયા ગામે રહેતા કનુભાઈ બાબુભાઈ પટેલ છેલ્લા ૨૧ વર્ષથી બીલીમોરા એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે.ગતરોજ સાંજના છ વાગ્યાના અરસામાં કનુભાઈ પટેલ તેમની ફરજ ઉપરની બસ લઈ બસના કંડક્ટર શાંતિલાલ પટેલ સાથે નવસારી જીલ્લાના ખેરગામ તાલુકાના આછવલી ગામે પહોંચ્યા હતા.

આછવલી ગામે થી એસટી બસમાં ૩૩ જેટલા દર્શનાર્થીઓને એસ.ટી બસમાં બેસાડી ઉંઝા સીટી માં આવેલ ઉનાવા દરગાહ ખાતે દર્શનાર્થે લઈ જવા રવાના થયેલ હતા.બીલીમોરા ડેપોની એસટી બસ અંકલેશ્વર પસાર કર્યા બાદ અંકલેશ્વર થી ભરૂચ ટોલટેક્ષ તરફ આવતા મુલદ બ્રિજ નજીક હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ વડોદરા તરફ જવાનો નિર્દેશ કરતા સાઈન બોર્ડના લોખંડના પુલ નજીક આવતા વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરેલા ખાડામાં બસનું આગળનુ ડ્રાઈવર સાઈડનુ વ્હીલ પડતાં એસટી બસના ચાલક કનુભાઈ પટેલે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો અને એસટી બસ ધડાકાભેર પોલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં એસટી બસનો આગળનો શો દબાઈ જતા ચાલક કનુભાઈ પટેલનો પગ ક્લચના પતરા સાથે દબાઈ ફસાઈ ગયો હતો.અકસ્માતમાં એસટી બસમાં બેઠેલા દર્શનાર્થીઓને પણ નાની મોટી ઈજાઓ થઈ હતી.

કંડકટર સહીત ઈજાગ્રસ્ત ૯ જેટલા પેસેન્જરો ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.હાઈવેની ફાયર ટીમ આવી જતા તેઓએ ફસાયેલા એસટી ચાલક કનુભાઈ પટેલને એસ.ટી બસ નું પતરૂ કાપી બહાર કાઢી તેમને પણ ભરૂચ સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કેટલાક પેસેન્જરોને પગમાં ફેક્ચર પણ થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

દર્શનાર્થે જતા એસ.ટી બસને થયેલ અકસ્માત બાબતે એસટી બસના ચાલક કનુભાઈ બાગુલભાઈ પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.ઝઘડિયા પોલીસે એસ.ટી બસના ચાલક કનુભાઈ બાગુલભાઈ પટેલ સામે જ ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી શુક્રવારના રોજ દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ વે ના નિરીક્ષણ અર્થે આવી મોટી જાહેરાત કરી ગયા પંરતુ ભરૂચ જીલ્લા માંથી પસાર થતા હાઈવેના માર્ગોની હાલત ચોમાસામાં અત્યંત દયનીય બની છે જેના પગલે માર્ગ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓના પગલે અકસ્માત સર્જાય રહ્યા છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા પણ તેનું યોગ્ય સમયે સમારકામ નહિ કરવામાં આવતા વાહનચાલકો તેનો ભોગ બની રહ્યા હે.

ત્યારે માત્ર મોટી મોટી જાહેરાત કરી હાલની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે કરવામાં આવે તે જરૂરી છે જેથી અકસ્માત બનતા અટકાવી શકાય અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી ન શકે.  


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.