Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે પહેલો દિલ્હી પ્રવાસ

File

ગાંધીનગર, ગુજરાતનાં ૧૭મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીના પ્રવાસે જવાના છે. ભૂપેન્દ્ર પટેલ સીએમ બન્યા બાદ પહેલીવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળશે. નોંધનીય છે કે, વિજય રૂપાણીના રાજીનામા બાદ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રથમ કડવા પટેલ મુખ્યમંત્રી પણ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, આજે ગુજરાતનાં મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા જઇ રહ્યા છે.

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પહેલીવાર વડાપ્રધાન મોદીને મળશે. આ સાથે તેઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળવાના છે. મુખ્યમંત્રી બન્યાના બીજા જ દિવસે ભૂપેન્દ્ર પટેલે પ્રથમ પ્રવાસ જામનગરના પૂરગ્રસ્ત વિસ્તારમાં કર્યો હતો. મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે જામનગરના પૂરગ્રસ્ત ધુંવાવ ગામની મુલાકાતે પહોંચ્યા હતા.

જ્યાં ભૂપેન્દ્ર પટેલે સામાન્ય માણસની જેમ કાદવમાં ચાલીને લોકોની સમસ્યા જાણી હતી. લોકોની વચ્ચે બેસીને લોકોને બનતી તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. મુખ્યમંત્રી દ્વારા તાત્કાલીક નુકસાનીનો સર્વે કરી અસરગ્રસ્તોને નિયમ મુજબની સહાયની ચૂકવણી કરવા આદેશ આપવામા આવ્યો હતો.

ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ વર્ષ ૧૯૯૫-૯૬,૧૯૯૯-૨૦૦૦, ૨૦૦૪-૨૦૦૬ સુધી મેમનગર પાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. ૨૦૧૮થી ૨૦૨૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહી ચૂક્યા છે. ૨૦૧૦થી ૨૦૧૫ સુધી થલટેજ વોર્ડના કોર્પોરેટર અને એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન પદે રહી ચૂક્યા છે.

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પૂરું નામ ભૂરેન્દ્ર રજનીકાંત પટેલ છે. તેમનો જન્મ અમદાવાદ ખાતે ૧૫-૦૭-૧૯૬૨ના રોજ થયો હતો. તેમના પત્નીનું નામ હેતલબેન છે. તેઓ કડવા પટેલ છે. ભૂપેન્દ્ર પટેલે ડીપ્લોમા સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે અને વ્યવસાયે બિલ્ડર છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.