Western Times News

Gujarati News

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા

આરોગ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા સિવિલ હોસ્પિટલના તબીબો સાથે આરોગ્ય વિષયક ચર્ચાઓ કરી: કોરોનાની સંભવીત ત્રીજી લહેર માટે સિવિલ હોસ્પિટલની તૈયારીઓ અને આયોજન વિશેનો તાગ મેળવ્યો

રાજ્યના નવનિયુક્ત આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે પદભાર સંભાળતાના બીજા જ દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ૧૨૦૦ બેડ મહિલા અને બાળરોગ હોસ્પિટલની મુલાકાત લઇ તબીબો અને હોસ્પિટલ તંત્ર સાથે આરોગ્યવિષયક ચર્ચા કરી હતી.

મંત્રી શ્રીએ સિવિલ મેડિસીટીના સમગ્ર વ્યવસ્થાપન, ઉપલબ્ધ સુવિધાઓ, હોસ્પિટલની જરૂરિયાતો અને આગામી આયોજન વિશેની વિગતવાર માહિતી મેળવી હતી.

આ પ્રસંગે મીડિયા સાથેના સંવાદમાં અગત્યની જાહેરાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં ૨૩મી સપ્ટેમ્બરથી “આપ કે દ્વાર આયુષ્માન” મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડ્રાઇવમાં રાજ્યના ૮૦ લાખ કુંટુબોને આવરી લઇ PMJAY-મા કાર્ડ કઢાવી લાભાન્વિત કરવામાં આવશે.

આ ડ્રાઇવ હેઠળ ગ્રામ્ય સ્તરે, પી.એચ.સી, સી.એચ.સી, સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સામાન્ય,ગરીબ તમામ વર્ગના લોકોને આ કાર્ડનો લાભ આપવામાં આવશે. રાજ્યમાં ત્રણ મહિના સુધી ચાલનારી આ ડ્રાઇવમાં રાજયના મહત્તમ લોકોને લાભ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આરોગ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલ કોરોનાકાળમાં રાજ્ય અને દેશની અન્ય હોસ્પિટલ માટે મોડલરૂપ બની હતી. સિવિલ મેડિસીટીમાં આવેલી ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં આરોગ્ય અને દર્દીઓ લક્ષી હાથ ધરાયેલ અનેકવિધ પહેલને રાજ્યની અન્ય હોસ્પિટલોએ પણ સ્વીકારી હતી.

તેઓએ કોરોનાની બીજી લહેરમાં સિવિલ હોસ્પિટલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હોવાનું જણાવી આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ દર્દીને સત્વરે શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે દવાના જથ્થા, તબીબી ઉપકરણો,

ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર જેવી તમામ આરોગ્ય વિષયક સેવાઓની વ્યવસ્થા રાજ્ય સરકારે કરી હોવાનું ઉમેર્યુ હતુ.
સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડીંગમાં જરૂરી સુધારા કરીને તેને નવીનતમ બનાવવાના પ્રયાસો સત્વરે હાથ ધરીને પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ૩૦૦૦ નર્સીંગ સ્ટાફની ભરતી કરવામાં આવી છે. તેમજ બોન્ડ વાળા તબીબોને કાયમી નિમણૂક આપીને હેલ્થકેર વર્કસના માનવબળને પણ વધારવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું.

રાજ્યના તબીબો, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના સહિયારા પ્રયાસોના પરિણામે જ અન્ય રાજ્યનો સરખામણીએ ગુજરાત રાજ્ય કોરોના સામે નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યું છે. આજે રાજયમાં કોરોનાના નજીવા કેસ જ રહ્યા છે. મંત્રીશ્રી એ રાજ્યના શહેર ઉપરાંત ગ્રામ્ય સ્તરના પી.એચ.સી. અને સી.એચ.સી.ની પણ માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને શ્રેષ્ઠત્તમ બનાવવામાં આવી રહી હોવાનું કહ્યું હતુ.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવા છતા અગમચેતીના પગલે આજે પણ આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન કરતા પણ ૭ ગણા કોરોના ટેસ્ટિંગ રાજ્યમાં કરાવવામાં આવી રહ્યા હોવાનુ જણાવી રાજયમાં પ્રતિદિન ૭૫ હજાર આર.ટી.પી,સી.આર. અને રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યુ હતુ.

મંત્રી શ્રી એ સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા સાથે સંવાદ કરીને તેમની જરૂરિયાતો વિશેની પૃચ્છા કરી હતી.હોસ્પિટલને આરોગ્યલક્ષી તમામ જરૂરીયાતો અને સુવિધાઓના ઝડપી નિકાલ લાવવાની ખાતરી મંત્રીશ્રીએ આપી હતી. સિવિલ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે શ્રેષ્ઠ શિખરો પ્રસ્થાપિત કરે તે માટે સરકાર સિવિલ હોસ્પિટલ તંત્ર સાથે હરહંમેશ મદદરૂપ રહેશે તેવી નેમ વ્યક્ત કરી હતી.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર, આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરે, આરોગ્ય વિભાગના ચીફ પર્સનલ ઓફિસર શ્રી અજય પ્રકાશ,સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલના તમામ વિભાગના વડા અને સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.