Western Times News

Gujarati News

બાપુનગરનાં કાઉન્સીલરની ઓફીસ સળગાવવાનો પ્રયત્ન કરનાર ઈસમ પકડાયો

મિત્રના કહેવા પર કર્યાનું રટણ

(પ્રતિનિધિ) અમદાવાદ,બાપુનગરના કાઉન્સીલર પ્રકાશભાઈ ગુર્જરની ઓફીસ સળગાવવાનો પ્રયત્ન કર્યાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. ઓફીસની આસપાસ રહેતા નાગરીકોએ આ ઈસમને ઝડપીને પોલીસને હવાલે કર્યો છે. પ્રાથમિક તપાસમાં પકડાયેલો આરોપીની માનસિક સ્થિતિ અસ્થીર હોવાનું જણાઈ રહયું છે.

આ ઘટનાની વિગત એવી છે કે ભારતીય જનતા પાર્ટીના ડેપ્યુટી હેલ્થ ચેરમેન અને બાપુનગરના કાઉન્સીલર પ્રકાશભાઈ ગુર્જરની ઓફીસ લાલ બહાદુર શાસ્ત્રી રોડ ગાયત્રી મંદીરની બાજુમાં આવેલી છે. રવિવારે સવારે એક ઈસમ ઓફીસની આગળ પડેલો કચરો ઓફીસના દરવાજા આગળ ભેગો કરી સળગાવવાનો પ્રયત્ન કરતો હતો જેથી આસપાસના લોકોએ તેને પકડી લઈ પ્રકાશભાઈના મેનેજર ઈશ્વરસિંહ રાવતને જાણ કરી હતી.

ઈશ્વરસિંહે ત્યાં જઈ તપાસ કરતા ઓફીસની દિવાલો ઉપર પણ ઈંટના ટુકડાથી અલગ અલગ તારીખો અને આંકડા લખેલા હતા. ઉપરાંત દિવાલો પર પથ્થર મારેલાના નિશાન હતા ઈસમને પકડી લેનાર વ્યક્તિઓએ જણાવ્યું હતું કે તે મોડી રાતથી ૩ થી ૪ વખત ઓફીસે આવ્યો હતો અને સવારના સમયે દરવાજા પર ઈંટો મારી કંઈ લખતો હતો.
બાદમાં જાણ કરવામાં આવતા બાપુનગર પોલીસ તુરંત આવી પહોચી હતી અને ઈસમની પુછપરછ કરતા સલીમ કાસભાઈ

રાજપુત (અર્બનનગર, રખિયાલ) નામના આ શખ્શે પોતાના મિત્ર ભાવેશ ઉર્ફે બમ શ્રીમાળી (ગાયત્રી મંદીર સામે) એ પ્રકાશભાઈની ઓફીસ સળગાવવાનું કહયું હતું.

આ અંગે વાત કરતાં બાપુનગર પીઆઈ એપી ગઢવીએ જણાવ્યુ હતું કે ઈસમ અસ્થિર મગજનો જણાઈ રહયો છે જયારે ભાવેશ અગાઉ મારામારીના ગુનામાં સંડોવાયેલો છે જે હાલમાં ફરાર છે. પુછપરછમાં સલીમ વારંવાર કેટલાંક નામ બદલ્યા કરે છે આ ઘટના પાછળનું કારણ શોધવા હાલમાં તપાસ ચાલુ છે અને સલીમ તથા ભાવેશ બંને વિરુધ્ધ ફરીયાદ નોંધવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.