Western Times News

Gujarati News

“2001માં રાજ્યની નિકાસ 1008 કરોડ હતી, જે આજે 4.48 લાખ કરોડ સુધી પહોંચી”

ભારતના 400 બિલયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરીશું :- દર્શનાબેન જરદોશ

રાજ્યકક્ષાના ‘વાણિજ્ય ઉત્સવ’ નો અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ

ભારતના 400 બિલયન ડોલર નિકાસ લક્ષ્યાંકના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જોયેલા સ્વપ્નને “વાણિજ્ય ઉત્સવ” થકી વેગ મળશે તેમ કેન્દ્રીય રેલ્વે અને કાપડ મંત્રી શ્રીમતી દર્શાનાબેન જરદોશે અમદાવાદ ખાતેના રાજ્યકક્ષાના “વાણિજ્ય ઉત્સવ”ના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતુ.

રાજ્યમાં યોજાયેલ બે દિવસીય ‘વાણિજ્ય ઉત્સવ’ રાજ્ના ઉધોગકારોઅને રોકાણકારોને પારસ્પરિક ચર્ચા-વિચારણા અને વિચારોના આદાન પ્રદાન કરવા એક કડીરૂપ સાબિત થશે. જેના થકી રાજ્યની ઔધોગિક શક્તિ વધુ પ્રબળ બનશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

દેશની નિકાસક્ષેત્રમાં રાજ્યનું યોગદાન 20 ટકા થી વધુ છે.ગુજરાતમાં કૃષિ,ખાધ, ડેરી, રસાયણ, કપડા, આભૂષણો, જેમ્સ, ફાર્મા, ખનીજ વગેરે જેવી ચીજવસ્તુઓના ઉત્પાદને હરણફાળ ભરી છે.જેના થકી જ રાજ્યનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. આજે ગુજરાતનું વિકાસમોડલ દેશના અન્ય રાજ્યોએ પણ સ્વીકાર્યું છે.

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મા, ટેક્સટાઇલ, ટેલીકોમ ઉધોગ ક્ષેત્રે 11 થી વધુ પી.એલ.આઇ.(Productivity linked incentives) સ્કીમ લોન્ચ કરીને રોકાણકારોને આકર્ષવાના પ્રયાસો કર્યા છે. આજે દેશના રોકાણકારો માટે આ ક્ષેત્રમાં રોકાણ કરવા માટેની સુર્વણતક ઉભી કરી છે.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમીટે આજે દેશ અને વિદેશના રોકાણકારોને રાજ્યમાં રોકાણ કરવા આકર્ષ્યા છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આરંભેલા આત્મનિર્ભર અભિયાન દેશને વિવિધ ચીજ-વસ્તુઓના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી રહ્યું છે. જેણે રોજગારીમાં પણ વધારો થઇ રહ્યો છે. દેશમાં ઉત્પાદન થતી ચીજવસ્તુઓની નિકાસને વેગ આપવા માટે જ દેશભરના વિવિધ રાજ્યો અને જિલ્લા સ્તરે વાણિજ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.

કોરોનાકાળમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પ્રતિકૂળ અસરો જોવા મળી છે. તેવી પરિસ્થિતિઓ વચ્ચે પણ દેશ આર્થિક શક્તિ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે નિકાસ સેવાઓને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાના ઉધોગમંત્રી શ્રી જગદિશભાઇ વિશ્વકર્માએ આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં વિકાસની રાજનીતીનો આરંભ કર્યો છે. નરેન્દ્રભાઇ મોદીના વિઝનના કારણે દેશ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. તેઓએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યની ઔધોગિક નીતિમાં પણ ઘણા બદલાવ કર્યા હતા.

વર્ષ 2001-02 માં રાજ્યમાં 1008 કરોડની નિકાસ હતી જે આજે 2021 માં 4.48 લાખ કરોડ સુધી પહોંચી છે જે નરેન્દ્રભાઇ મોદીના દીર્ધદ્રષ્ટિનું પરિણામ છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.

દેશમાં 4.20 લાખ MSME ઉધોગોની નોંધણી થઈ છે, જેમાં ગુજરાતનો ફાળો 10 ટકા જેટલો  છે. આમ, ગુજરાત રાજ્ય અન્ય રાજ્યોના રોકાણકારો અને ઉધોગકારો માટે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી તરીકે ઉભરી આવ્યું છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વાયબ્રન્ટ ગુજરાત સમિટિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, નરેન્દ્રભાઇ મોદીએ 2003 માં શરૂ કરેલી વાઇબ્રન્ટ સમિટની 9 મી સમિટનું ટૂંક સમયમાં આયોજન થશે ત્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં યોજાયેલ 8 વાઇબ્રન્ટ સમિટમાં 1 લાખ કરતા પણ વધારે એમ.ઓ.યુ. થયા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે રાજ્યની રોકાણનીતિ દેશ- વિદેશના રોકાણકારોને આકર્ષી રહી છે.

વાણિજ્ય ઉત્સવ કાર્યક્રમમાં  કેન્દ્ર સરકારના કોમર્સ વિભાગના સંયુક્ત સચિવ શ્રી શ્યામલ મિશ્રા, રાજ્યના ઇન્ડ્રસ્ટ્રીઝ કમિશ્નર ડૉ. રાહુલ ગુપ્તા,ઈન્ડેક્ટ્સ.B-ના  એમ.ડી. નીલમ રાની , કેમેક્શિલના ચેરમેન શ્રી એસ.જી.મોક્સી, ટેક્સપ્રોસીલના વાઇસ ચેરમેન શ્રી સુનિલ પટવારી સહિત મોટી સંખ્યામાં ઉધોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

‘વાણિજ્ય ઉત્સવ’ નો ઉદ્દેશ શું છે ?

પ્રગતિશીલ ભારતના 75 વર્ષ અને તેના ભવ્ય ઇતિહાસની ઉજવણી માટે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દેશભરમાં એક અઠવાડિયા સુધી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ના ભાગરૂપે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.

વાણિજ્ય વિભાગ 20 થી 26 સપ્ટેમ્બર, 2021 સુધી દેશના વિવિધ સ્થળોએ ‘વાણિજ્ય સપ્તાહ’ (વેપાર અને વાણિજ્ય સપ્તાહ)નું આયોજન કરશે.

ડિસ્ટ્રિક્ટ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (DEPCs), જેની અધ્યક્ષતા સંબંધિત જિલ્લાના જિલ્લા કમિશનરશ્રીઓ /કલેક્ટરશ્રીઓ કરશે. આ કોન્ક્લેવ્સના આયોજનમાં મુખ્ય હિસ્સેદારો હશે. તેમાં સ્થાનિક નિકાસકારો/ ઉદ્યોગ સાહસિકો માટે લીડ બેંક, લોકલ એક્સપોર્ટ ચેમ્બર/ એસોસિએસન અને એક્સપોર્ટ  પ્રમોશન કાઉન્સિલ (ઇપીસી) જેવા ભાગીદારો સાથે સંકળાયેલા વિદેશી વેપારના મુદ્દાઓ પર 2-3 કલાકના માર્ગદર્શન સત્રનો સમાવેશ થશે.

આ ઇવેન્ટ્સ દરમિયાન, સરકારી ઇ-માર્કેટપ્લેસ (જીઇએમ) અને ઇપીસીમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ)નું ઓનબોર્ડિંગ પણ પૂર્ણ થશે.

EPCs નિકાસ પ્રમોશનને જન આંદોલન બનાવવા માટે સ્થાનિક નિકાસકારો, ઉત્પાદકો અને ઔઘોગિક એકમોને એકત્ર કરાશે.

જેમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રેટિંગ સિસ્ટમ નામની બે ઇવેન્ટ્સના સોફ્ટ લોન્ચિંગનું પણ આયોજન કરી રહ્યું છે.

ડિજિટલ પ્લેટફોર્મ રોકાણકારોને ભારતમાં વ્યવસાય શરૂ કરવા માટે જરૂરી વિવિધ ઓપરેશન પૂર્વ મંજૂરીઓ માટે ઓળખવા અને અરજી કરવાની મંજૂરી આપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.