Western Times News

Gujarati News

પ્રધાનમંત્રી મોદી પાલનપુરની પીપલી પંચાયતના ગ્રામજનો સાથે સીધો સંવાદ કરશે

બીજી ઓકટોબરે રાજયની ૧૪,રપ૦ ગ્રા.પં.માં ખાસ ગ્રામ સભા યોજાશે

ગાંધીનગર, રાજયમાં બીજી ઓકટોબર સવારે ૧૦થી૧૧ વાગ્યા દરમ્યાન રાજયની ૧૪,રપ૦ ગ્રામ પંચાયતોમાં ખાસ ગ્રામ સભાઓનું આયોજન કરાશે. જેમાં વિલેજ એકશન પ્લાન હર ઘર જલ, પાણીના ઉપલબ્ધ સ્ત્રોત પાણી સમીતી પાણીની ગુણવત્તા વગેરે અંગે પણ ચર્ચા-વિમર્શ અને માર્ગદર્શન અપાશે.

આગામી ગાંધી જયંતીથી જ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન કલીન ઈન્ડીયા અને અમૃત ર.૦ મિશનના અભિયાનની શરૂઆત થશે. એનો પણ ગુજરાતના વિવિધ ગામો-નગરોમાં જનભાગીદારીથી પ્રારંભ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ બંને અભિયાનોમાં ગુજરાત રાજયમાં આયોજનના એકશન પ્લાનને આખરી ઓપ અપાયો હતો.

રાજય સરકારના પ્રવકતા મંત્રીઓએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ ગ્રામ સભા અંતર્ગત પાલનપુર તાલુકાની પીપલી ગ્રામ પંચાયતની ગ્રામ સભામાં જલ જીવન મિશન અમલીકરણ અંગે સીધો સંવાદ કરશે. તેઓ સવારે ૧૧ વાગ્યે ગ્રામ સભાઓને સંબોધન કરી માર્ગદર્શન આપશે અને તેનું જીવંત પ્રસારણ ગ્રામ પંચાયતોમાં થશે.

આ માટેનું આયોજન રાજયના પંચાયત-ગ્રામવિકાસ વિભાગ દ્વારા કરાયું છે. ૧પમાં નાણાપંચની કુલ રૂા.પપપ૭ કરોડની ગ્રાન્ટમાંથી કરવાના થતા કામ અંગે માર્ગદર્શન અપાશે.

કચરાના ડોર-ટુ ડોર એકત્રીકરણ ઝુંબેશ દ્વારા જીલ્લા દીઠ અંદાજીત એવરેજ ૧૧ હજાર કિલો કચરો, ગામ દીઠ અંદાજીત એવરેજ ૩૦ કિલો કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરાશે. ૧ લી અને બીજી ઓકટોબરે શાળા, કોલેજ, એનએસએસ છાત્રો, ચુંટાયેલા જનપ્રતીનીધીઓ સરકારના અધિકારી-કર્મચારીઓ જાહેર સ્થળોએ સફાઈ ઝુબેશ પ્લોગીગ ડ્રાઈવ ઉપાડશે.

જયારે મહાનગરો અને નગરોમાં તમામ કચેરીઓમાં સ્વચ્છતા શપથ લેવડાવાશે. સિંગલ યુઝ પ્લાસ્ટીકના નિકાલ પુનઃ ઉપયોગ અને વપરાશ ઘટાડવા અંગે જનજાગૃતિ કેળવાશે. પાણીની ટાંકીઓ કુવાઓ જળાશયોની સફાઈ હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.