Western Times News

Gujarati News

સિધ્ધિવિનાયક મંદિર આજથી ખુલશે, બુકિંગથી જ પ્રવેશ

મુંબઈ, માર્ચ ૨૦૨૦ના અંતમાં બંધ કરી દેવાયેલું મુંબઈનું જગવિખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર ફરી ભક્તો માટે ખૂલ્લું મૂકાશે. શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના જણાવ્યા અનુસાર ૦૭ ઓક્ટોબરથી મંદિરને ખોલવામાં આવશે. ટ્રસ્ટના પ્રમુખ અદેશ બાંડેકરના જણાવ્યા અનુસાર, ભક્તોને માત્ર એડવાન્સ બુકિંગના આધારે જ પ્રવેશ અપાશે.

એક કલાકમાં માત્ર ૨૫૦ ભક્તોને જ પ્રવેશ મળશે. બુકિંગ કરાવનારા ભક્તોને ક્યુઆર કોડ આપવામાં આવશે, જેના દ્વારા જ એન્ટ્રી મળી શકશે. દર્શન માટે સિદ્ધિ વિનાયક મંદિરની એપ પરથી બુકિંગ કરાવી શકાશે. આ સિવાય ભક્તોને સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. મંદિરે આવનારા દર્શનાર્થીઓનું ટેમ્પ્રેચર લીધા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે.

દર્શન માટેનું રજિસ્ટ્રેશન મંદિરની એપ પર ૬ ઓક્ટોબરના રોજ બપોરે ૧૨ વાગ્યાથી શરુ થશે. ત્યારબાદ દર ગુરુવારે જ એપ પર એક સપ્તાહ દરમિયાન કોઈપણ દિવસ માટે બુકિંગ કરાવી શકાશે.

આવતીકાલથી નવરાત્રી શરુ થઈ રહી છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે મંદિરોને ખૂલ્લા મૂકવાની જાહેરાત કરી છે. શિરડી સ્થિત સાંઈબાબાનું ધામ પણ આવતીકાલથી ખૂલી રહ્યું છે. જેમાં દર્શન માટે ઓનલાઈન બુકિંગ કરાવી પાસ મેળવવાનો રહેશે. એક દિવસમાં ૧૫,૦૦૦ ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. શનિ શિંગળાપુર પણ આવતીકાલથી ખૂલી રહ્યું છે, જ્યાં એક દિવસમાં ૨૦,૦૦૦ ભક્તોને પ્રવેશ અપાશે.

ગુજરાતમાં ભલે કોરોનાના રોજના કેસોનો આંકડો ૨૦-૨૫ની આસપાસ રહેતો હોય, પરંતુ મહારાષ્ટ્રમાં કેસો હજુય ચાર આંકડામાં આવે છે. મંગળવારે રાજ્યમાં ૨,૪૦૧ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૩૯ દર્દીના મોત થયા હતા. માત્ર મુંબઈમાં જ ગઈકાલે ૪૦૦થી વધુ કેસ નોંધાયા છે. મુંબઈમાં સોમવારે ૩૩૯ નવા કેસ નોંધાયા હતા, જે મંગળવારે ૪૦૦ને પાર થઈ ગયા હતા.

મુંબઈ નજીકના થાણેમાં હાલ ૪ ટકા જેટલો ઉંચો પોઝિટિવિટી રેટ જાેવા મળી રહ્યો છે. થાણેમાં ગઈકાલે ૧૫૨૧ લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ૬૧ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે મુંબઈમાં હાલ પોઝિટિવિટી રેટ ૧.૩ ટકા પર સ્થિર છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.