Western Times News

Gujarati News

 ભાટ ગામમાં પુસ્તકાલયની સ્થાપના કરાઈ

વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરવામાં સહાય થાય તે માટે નિષ્ણાતો અને કાઉન્સેલરોનું માર્ગદર્શન અપાશે

યુવાનોમાં વાચનની ટેવ કેળવાય તથા ઉજળા ભાવિ માટે  સ્પર્ધાત્મક પરીક્ષા  આપી શકે તે માટે પોતાની કોર્પોરેટ સામાજીક જવાબદારી (CSR) પ્રવૃત્તિના હિસ્સા તરીકે કેડીલા ફાર્માસ્યુટિકલ્સે ગ્રામ પંચાયતના સહયોગથી ભાટ ગામમાં પુસ્તકાલયની સ્થાપના કરી છે.

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સાધનોની તંગી વર્તાઈ રહી છે, તેવુ જણાતાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સ એ ગામના યુવાનોના એક જૂથની સ્થાપના કરી છે, જે લાયબ્રેરી સ્થાપવામાં અને સરકારી નોકરીઓ મેળવવા માટેની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવામાં સહાય કરી રહ્યું છે.

ગ્રામ પંચાયતે લાયબ્રેરી માટે જગા પૂરી પાડી છે, જ્યારે કેડીલાએ વાચન સામગ્રી  તથા ખુરશી, ટેબલ અને  પુસ્તકો ગોઠવવા અભરાઈની સુવિધા પૂરી પાડી છે. આ પુસ્તકાલયમાં હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનાં 250થી વધુ પુસ્તકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓને યુપીએસસી, રેલવેઝ, બેંકીંગ તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવામાં સહાયક બનશે.

કેડીલાની સીએસઆર ટીમના દિલીપ ચૌહાણ જણાવે છે કે “ અમે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે પ્લેટફોર્મ પૂરૂ પાડયું છે. વિદ્યાર્થીઓ સાધનના અભાવે કોઈ તક ચૂકી જાય તેવુ બનવુ જોઈએ નહી. આથી અમે આ પહેલ કરીને વિદ્યાર્થીઓ અન્યની જેમ સ્પર્ધાત્મક પરીક્ષા પાર કરી શકે તેવી ગોઠવણ કરી છે.”

આ પહેલનુ હવે પછીનું કદમ  વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાર કરવામાં સહાય થાય તે માટે નિષ્ણાતો  અને કાઉન્સેલરોને લઈ આવવાનુ રહેશે. નિષ્ણાતો  તેમને તેમનુ કૌશલ્ય સતેજ કરવામાં, પ્રેઝન્ટેશનમાં તથા  સ્પર્ધાત્મક પરિક્ષાના  ઈન્ટર્વ્યુઝ તથા  સમૂહચર્ચા માટે  સહાય કરશે. કેડીલાની ટીમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ આ પરીક્ષા 3 વર્ષના ગાળામાં પાર કરી શકે તે માટે સહાય કરવાનો છે.

કેડીલા હંમેશાં સીએસઆર પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે. તેમણે વિશ્વ પર્યાવરણ દિન 2019 પ્રસંગે 1000 દિવસમાં 1,00,000 લાખ છોડ વાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને તેમાંથી 40,000 છોડ વવાઈ ચૂક્યા છે. તેમણે ભાટ ગામની મહિલાઓ સિવણ મારફતે જાતે રોજગારી મેળવી શકે તે  માટે સ્વસહાય જૂથની સ્થાપના કરી છે. કેડીલા ફાર્મા નિયમિતપણે ગુજરાતનાં ગામડાંમાં આરોગ્ય શિબીરો, સફાઈ ઝુંબેશ ,મહિલા સશક્તિકરણના કાર્યક્રમો વગેરેનું આયોજન કરે છે.

કેડીલા ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ ભારતની સૌથી મોટી પ્રાઈવેટલી હેલ્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓમાં થાય છે. આ કંપની છેલ્લા 6 દાયકાથી દુનિયાભરના દર્દીઓ માટે પોસાય તેવી દવાઓ વિકસાવીને તેનુ ઉત્પાદન કરી રહી છે. આ કંપની ઈનોવેશન આધારિત ડ્રગ ડીસ્કવરી પ્રક્રિયા ધરાવે છે અને  દુનિયાભરના દર્દીઓના આરોગ્ય અને સૌષ્ઠવની કાળજી રાખે છે.દર્દીઓની  કાળજી રાખવામાં માનતી કંપની તરીકે કેડીલા સંશોધન અને ક્લિનિકલ પ્રેકટીસમાં  સર્વોચ્ચ નીતિવિષયક ધોરણોનું પાલન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.