Western Times News

Gujarati News

હાઈપ્રોફાઈલ હોવાની કિંમત ચૂકવી રહ્યું છે બોલીવૂડ

મુંબઈ, બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. તેને મુંબઈના ક્રુઝ ડ્રગ્સ મામલે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ કેટલાક અન્ય લોકો સાથે પકડ્યો હતો. આર્યનની ધરપકડ બાદ ઘણા લોકો તેનું સમર્થન કરી રહ્યા છે તો ઘણા લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. હવે જાણીતા ગીતકાર અને લેખક જાવેદ અખ્તરે પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

મુંબઈમાં એક બૂક સ્ટોરમાં એક પુસ્તક વિમોચન પ્રંસગે હાજર રહેલા જાવેદ અખ્તરે શાહરૂખ ખાન અને આર્યન ખાનનું નામ લીધા વગર તેમનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે તપાસના નામે બોલીવૂડ અને ઈન્ડસ્ટ્રીના મોટા-મોટા સેલિબ્રિટીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અખ્તરે જણાવ્યું હતું કે હું તો એટલું જ કહેવા ઈચ્છીશ કે એક પોર્ટ પર (અદાણી પોર્ટ) પર એક બિલિયન ડોલરનું કોકેઈન મળે છે અને એક જગ્યાએ ક્યાંક ક્રુઝ પર ૧૨૦૦ લોકો મળે છે જ્યાં ૧.૩૦ લાખ રૂપિયાનું ચરસ મળી જાય છે.

આ એક મોટા નેશનલ ન્યૂઝ બની જાય છે પરંતુ બિલિયન ડોલર કોકેઈન અંગે મેં ક્યાંય હેડલાઈન પણ જાેઈ નથી. પાંચમાં કે છઠ્ઠા પેજ પર સમાચાર આવે છે. પછી કહેવામાં આવે છે કે અમે આ પોર્ટ પર જહાજ નહીં આવવા દઈએ. અરે જે મળ્યું છે તેના વિશે તો પહેલા વાત કરો.

તેમણે કહ્યું હતું કે બોલીવૂડ હાઈપ્રોફાઈલ હોવાની કિંમત ચૂકવી રહ્યું છે. જ્યારે તમે હાઈ પ્રોફાઈલ હોવ છો તો કોઈને નીચે ખેંચવામાં, તમારા પર પથ્થર ફેંકવામાં, તમારા પર કાદવ ઉછાળવામાં બધાને મજા આવે છે. જાે તમે કંઈ નથી તો કોઈને શું મજા આવશે તમારા પર પથ્થર ફેંકવામાં?

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે કહ્યું હતું કે, જ્યાં ક્યાંય પણ લઘુમતીઓ વિરુદ્ધ અન્યાય થાય છે, જ્યાં ક્યાંય પણ દમન થાય છે તો હું ચિંતિત થઈ જાઉ છું. ભલે પછી દુનિયામાં ક્યાંય પણ આવું કેમ ના થતું હોય. આ ઘણી શરમની વાત છે કે આવું બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. આવી ઘટના ભારતમાં બને કે પછી બીજા કોઈ દેશમાં તે ઘણો ચિંતાનો વિષય છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.