Western Times News

Gujarati News

દોઢ માસની બાળકીના માથામાંથી બમણી સાઇઝની ગાંઠ અમદાવાદ સિવિલમાં સફળતાપૂર્વક દૂર કરાઈ

અરવલ્લી જિલ્લામાં ખેતી કરતાં દિલીપભાઈ અને ભાવનાબેનની દિકરીને માથામાં જન્મજાત ગાંઠ હતી. 

મૃત્યુ સામે જીવનની જીતનો આવો જ એક કિસ્સો -માથાની આ ગાંઠનું સર્કમ ફૅરન્સ જ લગભગ ૬૫ સેન્ટિમિટરનું હતું

સમગ્ર વિશ્વમાં વર્ષે ૩ લાખથી વધુ બાળકો ન્યૂરલ ટ્યૂબ ડિફેક્ટ સાથે જન્મે છે-સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી

ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે માણસનો જન્મ અને મૃત્યુ ઇશ્વરને આધિન હોય છે. જો માણસના ભાગ્યમાં જુદા જ લેખ લખાયા હોય તો મૃત્યુશૈયાએ પડેલો માણસ પણ પાછો ઊભો થઈ શકે છે. મૃત્યુ સામે જીવનની જીતનો આવો જ એક કિસ્સો તાજેતરમાં અમદાવાદ સિવિલના પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં જોવા મળ્યો.

અરવલ્લી જિલ્લામાં ખેતીનો વ્યવસાય કરતા દિલીપભાઈ બારિયા અને ભાવનાબહેન બારિયાને 10 ઓક્ટોબર, 2021એ કન્યારત્નના રૂપમાં બીજા સંતાનની ભેટ પરમાત્માએ આપી, જેના માથામાં જન્મજાત ગાંઠ હતી. આ દિકરીને નવેમ્બર મધ્યમાં માથાની ગાંઠ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાનું જાણીને તેના પરિવારજનોએ વધુ સારવારનો ઇનકાર કર્યો અને ઘરે પરત ચાલ્યા ગયાં.

જોકે બાળકીના નસીબ જોર કરતા હતાં, જે બાળકીના મૃત્યુની ઘડીઓ ગણાઈ રહી હતી, તે બાળકીનો જિંદગી માટેનો જંગ જારી રહ્યો, તેના મસ્તકના ભાગે સોજા વધવા લાગ્યા. પરિવારજનો ફરી એકવાર આ બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યાં. અહીંથી ખરાખરીનો જંગ શરૂ થયો.

માથાની આ ગાંઠ એ કુમળી બાળકીના માથાની તુલનાએ લગભગ બમણી સાઇઝની હતી. એનું સર્કમફૅરન્સ જ લગભગ 65 સેન્ટિમિટરનું હતું.

ડોક્ટર્સે બાળકીને સારવાર માટે દાખલ કરીને સિટી સ્કેન કરાવ્યો તો ખબર પડી કે બાળકીને એનકેફેલોસીલ નામની સમસ્યા હતી. બાળકીની સર્જરી પ્લાન કરવામાં આવી. બાળકીને એનેસ્થેસિયા આપવા માટે  એસોસિએટ પ્રોફૅસર ડૉ. તૃપ્તિ શાહના નેતૃત્વ હેઠળની ટીમ હાજર હતી, જ્યારે સર્જરીને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, પીડિયાટ્રિક્સ સર્જરી વિભાગના પ્રોફેસર અને વિભાગના વડા ડો. રાકેશ જોશીના માર્ગદર્શન હેઠળ આસિ. પ્રોફેસર ડૉ. મહેશ વાઘેલાએ સંપન્ન કરી હતી.

આટલી ઓછી વયની બાળકીમાં આવડી મોટી ગાંઠની સર્જરી કરીને સફળતા પૂર્વક સમગ્ર શસ્ત્રક્રિયા પાર પાડવી એ દેખીતી રીતે જ એનેસ્થેસિયા ટીમથી લઇને ઉપસ્થિત તમામ તબીબો માટે એક ભીષણ ટાસ્ક હતું, કેમકે આવા કિસ્સામાં ખૂબ ઝીણું કાંતવું પડે છે. ઘણી બધી બાબતોનો ખ્યાલ રાખવો પડે છે.

એનકેફેલોસીલ એ ન્યૂરલ ટ્યુબ ડિફેક્ટનો એક ભાગ છે. માથાથી લઇ પૂંઠ સુધી પાછળ કમરમાં કોઇ પણ જાતની ગાંઠ હોય કે જેમાં કરોડરજ્જુ અથવા મગજનો હિસ્સો બહાર આવતો હોય તો તેને તબીબી પરિભાષામાં ન્યૂરલ ટ્યુબ ડિફેક્ટ કહેવાય છે.

ન્યૂરલ ટ્યુબ ડિફેક્ટ અંગે આવશ્યક માહિતી આપતા સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ, પીડિયાટ્રિક્સ સર્જરી વિભાગના પ્રોફેસર અને વિભાગના વડા ડો. રાકેશ જોશીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં વર્ષે 3 લાખથી વધુ બાળકો ન્યૂરલ ટ્યૂબ ડિફેક્ટ સાથે જન્મે છે.

આપણે ઇચ્છીએ, લોકોને જાગૃત કરીએ તો ન્યૂરલ ટ્યુબ ડિફેક્ટ સાથે જન્મતા બાળકોની સંખ્યા ખુબ ઘટી શકે છે. જો ગર્ભાવસ્થા રહ્યાના ત્રણ મહિના પહેલા માતાને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે તો આવનાર બાળકને ન્યૂરલ ટ્યુબ ડિફેક્ટ થવાના ચાન્સ ઘણાં જ ઘટી જતા હોય છે.

ડૉ. જોશીએ વધુ જણાવ્યું કે તેમના વિભાગે નવેમ્બર 2020 થી લઇ નવેમ્બર 2021 સુધીમાં ન્યૂરલ ટ્યૂબ ડિફેક્ટના 99 કેસ ઓપરેટ કર્યાં છે. આ પૈકી એન્સેફેલોસીલના 8 કેસ હતાં. જાયન્ટ એનકેફેલોસીલનો એક જ કેસ હતો.  હવે બાળકી સરળ રીતે રિકવર થઈ રહી છે અને તેના સ્વગૃહે પરત ફરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.