Western Times News

Gujarati News

કોતરપુરથી વસ્ત્રાલ સુધી રૂા.૧પ૬ કરોડના ખર્ચથી નાંખવામાં આવેલી ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સનો લાભ ર૦ લાખ નાગરીકોને મળશે

રાસ્કાથી વસ્ત્રાલના સપ્લાય બંધ કરી ઓડ-કમોડ તરફ લઈ જવાશે:  નવી ઈસ્ટર્ન એકસપ્રેસ લાઈન દ્વારા દૈનિક ર૦૦ એમએલડી પાણી સપ્લાય થશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના વધી રહેલા વિસ્તાર અને વસ્તીના કારણે પ્રાથમિક સવલતોની જરૂરીયાતોમાં પણ વધારો થયો છે. શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં પાણી અને ડ્રેનેજની ૧૦૦ ટકા સુવિધા ઉપલબ્ધ થાય તે માટે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લાંબાગાળાના આયોજન કરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે જાસપુર અને રાસ્કા વોટર-ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવા માટે મંજુરી આપવામાં આવી છે. તદ્‌પરાંત પશ્ચિમ ઝોનમાં ભવિષ્યની જરૂરીયાતને ધ્યાનમાં લઈ કોતરપુરથી વેસ્ટર્ન ટ્રંક મેન લાઈન નાંખવા માટે પણ આયોજન થઈ રહયુ છે. જયારે ઉતર અને પૂર્વઝોનના વિસ્તારોમાં પાણીની જરૂરીયાતને પહોચી વળવા માટે એસ.પી. રીંગરોડ સમાતર ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સ નાંખવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે સદ્‌ર લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની હદમાં ભેળવાયેલા નાના ચીલોડા, નરોડા નવા નિકોલ તથા નવા ઓઢવ વિસ્તારોમાં પીવાલાયક પાણી સપ્લાય કરવા માટે કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી વસ્ત્રાલ સુધી અંદાજે ર૦ કિલોમીટર લંબાઈની નવી લાઈન નાંખવામાં આવી છે.

ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સ નાંખવા માટે અંદાજે રૂા.૧પ૭ કરોડનો ખર્ચ થયો છે તથા તેનું કામ માત્ર બે વર્ષમાં જ પૂર્ણ થયુ છે. કોતરપુરથી ચિલોડા થઈ એસ.પી. રીંગરોડ સમાંતર નાંખવામાં આવેલી સદ્‌ર લાઈનમાં હાલ ૧૪ વો.ડી. સ્ટેશનને આવરી લેવામાં આવ્યા છે તથા નજીકના ભવિષ્યમાં વધુ ૧ર વો.ડી. સ્ટેશનનો સમાવેશ કરવામાં આવશે.

કોતરપુરની નવી લાઈન મારફતે પ્રાથમિક તબક્કામાં દૈનિક ૧૬૭.૯૧ એમએલડી પાણી સપ્લાય કરવામાં આવશે. નવા ૧ર થી ૧પ વો.ડી. સ્ટેશનનો સમાવેશ થયા બાદ કોતરપુરથી દૈનિક ર૦૦ એમ.એલ.ડી. પાણીનો જથ્થો સપ્લાય થાય તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ ઈસ્ટર્ન ટ્રંન્ક મેઈન્સ લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યુ તે પહેલા કોતરપુરથી રાસ્કા ર૧૦૦ની લાઈન મારફતે નરોડા સુધી પાણી સપ્લાય કરવામાં આવી રહયુ હતુ. જયારે નિકોલ તથા ઓઢવમાં નેશનલ હાઈવે પરની જુની લાઈનથી સપ્લાય આપવામાં આવતા હતા. મ્યુનિ. ઈજનેર વિભાગ દ્વારા રાસ્કાની ર૧૦૦ લાઈનમાંથી કડવા પાટીદાર સમાજ નરોડાથી અંડર ગ્રાઉન્ડ લાઈન નાંખવામાં આવી હતી જેની મારફતે નવા નરોડા અને નવા નિકોલ સુધી પાણી સપ્લાય કરવામાં આવી રહયું હતું.

કોતરપુરથી એસ.પી.રીંગરોડ સમાંતર અંદાજે ર૧ કિલોમીટરની નવી લાઈન નાંખવામાં આવી છે હાલ, વસ્ત્રાલના વો.ડી. સ્ટેશનોમાં રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી પાણી સપ્લાય કરવામાં આવી રહયુ છે. જેમાં હવે કોતરપુરના નીર આવશે.

જયારે દક્ષિણ ઝોનમાં રીંગ રોડ પર એકસપ્રેસ હાઈવેથી લાલગેબી સર્કલથી વિંઝોલ સુધી રેલ્વે લાઈન સુધી ૬૦ મી.મી. વ્યાસની બ્રાન્ચ લાઈન કાર્યરત છે.

આ લાઈન ઘણી જ નાની છે, જયારે રીંગ રોડ પર વિંઝોલ રેલ્વે લાઈનથી ઓડ કમોડ ( ગાય સર્કલ) સુધી કોઈ ટ્રંક મેઈન્સ કે બ્રાન્ચ લાઈન નથી તેથી આ વિસ્તારોમાં રાસ્કાથી પાણી સપ્લાય કરવા માટે નવી લાઈનો નાંખવા માટે આયોજન કરવામાં આવ્યુ છે.

એકસપ્રેસ હાઈવેથી દક્ષિણ ઝોન તરફ રીંગરોડ સમાંતર ઓડ-કમોડ સુધી નવી લાઈનો નાંખવામાં આવ્યા બાદ હાથીજણ, વટવા, વિંઝોલ, અસલાલી, લાંભા અને ઓડ-કમોડ સુધી રીંગરોડ સમાંતર થઈ રહેલા નવા ડેવલપમેન્ટને રાસ્કા પાણીનો લાભ મળશે.

મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ નવી ઈસ્ટર્ન ટ્રંક મેઈન્સ લાઈનનો લાભ ર૦ લાખ નાગરીકોને થશે તથા આ લાઈન મારફતે વસ્ત્રાલ સુધી કોતરપુરથી પાણી સપ્લાય કરવામાં આવશે.

હાલ રાસ્કામાં ૧૦૦ એમ.એલ.ડી ક્ષમતાના વધારા માટે કામ ચાલી રહયુ છે જે પૂર્ણ થયા બાદ દક્ષિણ ઝોનના વિસ્તારોમાં ટ્રીટેડ વોટર સપ્લાય થશે જેમાં એકસપ્રેસ હાઈવેથી રીંગરોડ જંકશન થઈ ઓડ કમોડ સુધી અંદાજે ૧૯ કિલોમીટર લંબાઈની નવી લાઈનો નાંખવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.