Western Times News

Gujarati News

જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાયા

જામનગર, જામનગરમાં ઓમિક્રોન વેરિયન્ટના વધુ બે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા વૃદ્ધમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થયા બાદ હવે તેમની પત્ની અને સાળો પણ ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.

ઓમિક્રોનમાં વધુ બે કેસ સામે આવતા હવે રાજ્યમાં આ વેરિયન્ટની કુલ સંખ્યા ૩ પર પહોંચી ગઈ છે અને ત્રણેય કેસ જામનગરમાં જ નોંધાયા છે.

મીડિયા રિપોર્ટ મુજબ જામનગરમાં ઝિમ્બાવવેથી આવેલા જે વ્યક્તિનો ઓમિક્રોન વેરિયન્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેના સંપર્કમાં આવેલી બે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ પણ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લેબમાં મોકલાયા હતા, જેમાં આ બન્ને વ્યક્તિમાં પણ ઓમિક્રોન હોવાનું સામે આવ્યું છે.

કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંનેને જીજી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ગયા અઠવાડિયે, વૃદ્ધના પરિવારના અન્ય સભ્યોએ નકારાત્મક પરીક્ષણ કર્યું હતું.

પરંતુ તેના નજીકના સંપર્કમાં આવેલા નવ વ્યક્તિઓના પુનઃ પરીક્ષણ પછી, તેની ૪૫ વર્ષીય પત્ની જે ઝિમ્બાબ્વેથી તેની સાથે આવી હતી તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉપરાંત અમદાવાદ એરપોર્ટ પર તેમને લેવા આવેલા ૩૫ વર્ષીય સાળાનો પણ કોવિડ પોઝિટિવ ટેસ્ટ થયો હતો. જે બાદ હવે બંનેમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ૨૮ નવેમ્બરના રોજ ઝિમ્બાવવેથી ગુજરાત આવેલા ૭૨ વર્ષીય વૃદ્ધનો ૨ ડિસેમ્બરના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

તપાસ દરમિયાન શંકાસ્પદ ઓમિક્રોનના શંકાસ્પદ લક્ષણો જણાતા સેમ્પલ પુણે ખાતે લેબમાં મોકલાયા હતા. જેમાં વૃદ્ધમાં ઓમિક્રોન વેરિયન્ટની પુષ્ટિ થતાં કલેક્ટર અને આરોગ્ય વિભાગ તેમજ સીએમ દ્વારા રિવ્યૂ મિટિંગ બોલાવવામાં આવી હતી.

ગુજરાતમાં કોવિડ-૧૯ના ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ નોંધાયા પછી રાજ્ય ખાસ કરીને સૌરાષ્ટ્ર પટ્ટામાં સમાન પ્રકારથી ચેપગ્રસ્ત હોવાની શંકાસ્પદ વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો જાેવા મળી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.