Western Times News

Gujarati News

પત્નીની જાણ બહાર ફોનનું રેકોર્ડિંગ ગોપનીયતાનો ભંગ

ચંડીગઢ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક કેસનો ચુકાદો આપતા એ સ્પષ્ટ કર્યું છે કે પત્નીની જાણ વગર તેના પતિ દ્વારા ટેલિફોનિક વાતચીતનું રેકોર્ડિંગ પત્નીના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન છે.

હાઈકોર્ટે આ મામલે વધુમાં કહ્યું કે વાતચીત કયા સંજાેગોમાં થઈ હતી અથવા વાતચીત રેકોર્ડ કરતી વ્યક્તિ દ્વારા કઈ રીતે પ્રતિસાદ મળ્યો તે વિશે કહી શકાતું નથી અથવા ખાતરી કરી શકાતી નથી, કારણ કે તે સ્પષ્ટ છે કે આ વાર્તાલાપ ચોક્કસપણે કોઈ વ્યક્તિ દ્વારા ગુપ્ત રીતે રેકોર્ડ કરવામાં આવ્યો હશે.

ભટિંડાની ફેમિલી કોર્ટ દ્વારા ૨૯ જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ આપવામાં આવેલા આદેશને પડકારતા એક મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર જસ્ટિસ લિસા ગિલે આ ચુકાદો આપ્યો હતો, જેમાં ફેમિલી કોર્ટમાં પત્નીથી જૂદા થયેલા પતિને પોતાની વાત સાબિત કરવા તેની અને પત્ની વચ્ચેની થયેલી વાતચીતના રેકોર્ડિંગની સીડીને કોર્ટે સત્ય હોવાની શરત સાથે રજૂ કરવાની મંજૂરી આપી હતી.

જેના વિરોધમાં મહિલાના વકીલે હાઈકોર્ટમાં અરજી કરતાં કહ્યું કે ફેમિલી કોર્ટે એવિડન્સ એક્ટની કલમ ૬૫ની અવગણના કરી છે. આ કિસ્સામાં, અરજદારના પતિએ ૨૦૧૭માં વિવિધ આધારે છૂટાછેડાની માંગણી કરતી અરજી દાખલ કરી હતી.

પક્ષકારો વચ્ચે લગ્ન ૨૦ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ થયા હતા અને મે ૨૦૧૧માં તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. ઊલટતપાસ દરમિયાન, મહિલાના પતિએ ૯ જુલાઈ, ૨૦૧૯ ના રોજ એક અરજી દાખલ કરી, જેમાં એક્ઝામિન-ઇન-ચીફ દ્વારા તેમના સંબંધિત મોબાઇલ ફોનમાં રહેલા મેમરી કાર્ડ્‌સ/ચિપ્સમાં રેકોર્ડ કરાયેલી વાતચીતની સીડી અને ટ્રાંસ્ક્રિપ્શન્સ સાથે તેની પૂરક એફિડેવિટ સબમિટ કરવાની પરવાનગી માંગી હતી.

જાન્યુઆરી ૨૦૨૦માં અદાલતે તેની અને તેની પત્ની વચ્ચેની વાતચીતને લગતી સીડીને સત્ય હોવાની શરતને આધીન પુરવાર કરવાની વ્યક્તિની અરજીને મંજૂરી આપી. તેણે એવું પણ જણાવ્યું હતું કે ફેમિલી કોર્ટ એક્ટની કલમ ૧૪ અને ૨૦ને ધ્યાનમાં રાખીને ફેમિલી કોર્ટ સમક્ષની કાર્યવાહીમાં પુરાવાના કડક સિદ્ધાંતો લાગુ પડતા નથી.

તેનાથી નારાજ થઈને પત્નીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. પોતાની અરજીમાં મહિલાએ દલીલ કરી હતી કે આ પુરાવાને ખોટી રીતે સ્વીકારવામાં આવ્યો હતો, કારણ કે તે મહિલાના મૂળભૂત ગોપનીયતાના અધિકાર પર સીધા આક્રમણ સમાન છે.

આ વાતચીત તેની જાણ અને સંમતિ વિના રેકોર્ડ કરવામાં આવી હતી. અરજીમાં દલીલ કરી હતી કે ફેમિલી કોર્ટે ભારતીય પુરાવા અધિનિયમની કલમ ૬૫ ની સંપૂર્ણ અવગણના કરી છે, જે મુજબ રેકોર્ડિંગ મોબાઇલ ફોન દ્વારા કરવામાં આવ્યું હોય, તો રેકોર્ડિંગની સીડી અને તેના ટ્રાન્સક્રિપ્ટને કોઈ પણ સંજાેગોમાં પુરાવા તરીકે સ્વીકારી શકાય નહીં.

મહિલાના પતિનું પ્રતિનિધિત્વ કરતા વકીલે એવિડન્સ એક્ટની કલમ ૧૨૨ નો ઉલ્લેખ કરીને રજૂઆત કરી હતી કે ગોપનીયતાના અધિકારના કોઈપણ ઉલ્લંઘનનો પ્રશ્ન જ નથી અને કોઈપણ સંજાેગોમાં પતિની હંમેશા ઉલટ તપાસ થઈ શકે છે.

વકીલે દલીલ કરી હતી કે આ રીતે રેકોર્ડ કરાયેલી વાતચીત દલીલોથી આગળ નથી કારણ કે પુરુષે દાવો કર્યો છે કે તેની પત્ની દ્વારા તેની સાથે ક્રૂરતાભર્યો વ્યવહાર કરવામાં આવ્યો હતો. “જાેકે અરજીમાં ચોક્કસ વાતચીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પત્ની પતિ સાથે ક્રૂર વર્તન કરતી હતી.

આ રીતે રેકોર્ડ કરાયેલી વાતચીતો માત્ર તે જ સાબિત કરવાનો પ્રયાસ છે.” બંને પક્ષકારોને સાંભળ્યા પછી, હાઈકોર્ટે આદેશ આપ્યો કે ફેમિલી કોર્ટના આદેશને રદ કરવામાં આવે અને સ્પષ્ટ કર્યું કે આવા રેકોર્ડિંગને સ્વીકારવું એ પત્નીના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.