Western Times News

Gujarati News

અમેરિકા, યુરોપ, કેનેડા, ઓસ્ટ્રેલિયા જાપાનમાં વેચાતા હોન્ડાના ૨-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે

અમદાવાદ, ગ્લોબલ ઓટોમોબાઇલ કંપની હોન્ડાએ થાઇલેન્ડ, અમેરિકા, કેનેડા, યુરોપ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ખાડીના દેશોની આંતરરાષ્ટ્રીય માગ પૂરી કરવા ૨-વ્હીલર્સ માટેના એન્જિનનું ઉત્પાદન અમદાવાદના વિઠલાપુરમાં આવેલા તેના પ્રોડક્શન યુનિટમાં શરૂ કર્યું છે, એટલે કે હવે આ બધા દેશોમાં વેચતા હોન્ડાના ૨૫૦ સીસી અને એનાથી વધારે કેટેગરીના ૨-વ્હીલર્સમાં ‘મેડ ઇન ગુજરાત’ એન્જિન લાગશે. અત્યારસુધી અહીં ભારતની જરૂરિયાત મુજબના એન્જિનનું ઉત્પાદન કરવામાં આવતું હતું. ભારતમાં હાલ હોન્ડા મોટર્સની સબસિડિયરી હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એન્જિન ઉત્પાદન કરે છે.

કંપનીના જણાવ્યા મુજબ, શરૂઆતમાં એક વર્ષ કુલ ૫૦,૦૦૦ એન્જિન યુનિટનું ઉત્પાદન થશે અને આ ઉત્પાદનક્ષમતા બજારની માગની જરૂરિયાત મુજબ વધશે.

રૂ. ૧૩૫ કરોડથી વધારેના રોકાણ સાથે કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એમ બંને બજારો માટે એના ગુજરાત પ્લાન્ટમાંથી મિડસાઇઝ ફન મોડલ એન્જિનનું ઉત્પાદન કરશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ૨-વ્હીલર્સ કેટેગરીને વેગ આપવા વિઠલાપુરમાં ડેડિકેટેડ એન્જિન લાઇન શરૂ કરવામાં આવી છે.

એચએમએસઆઇના મેનેજિંગ ડિરેક્ટર, પ્રેસિડન્ટ અને સીઇઓ આત્સુશી ઓગાતાએ કહ્યું હતું કે દુનિયાભરમાં પરિવહન માટેની માગમાં વધારો થવાની સાથે હોન્ડાએ સમગ્ર દુનિયામાં એની નિકાસ કામગીરી વધારવાનો નિર્ધાર કર્યો છે. ભારતમાં બીએસવીઆઇ નિયમનોનો અમલ શરૂ થવાની સાથે અમે આ વિઝનને હાંસલ કરવાની નજીક છે.

ઉત્પાદનનાં આંતરરાષ્ટ્રીય ધારાધોરણો ધરાવતાં ઉત્પાદનો બનાવવા આ નવી વિસ્તરણ સુવિધા એચએમએસઆઇને દુનિયા માટે ભારતમાં નિર્માણની અમારી દિશાને મજબૂત કરવાની ઉત્પાદનક્ષમતા વિકસાવવાની સુવિધા આપશે.

HMSI ચીફ પ્રોડક્શન ઓફિસર અને ડિરેક્ટર ઇકિરો શિમોકોવાએ કહ્યું હતું કે આજે ગ્લોબલ એન્જિન લાઇન-ઓફ સાથે HMSI બજારો અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનાં ધારાધોરણો એમ બંને દૃષ્ટિએ એની હાલની નિકાસ ક્ષમતાને નવી ઊંચાઈએ લઈ જશે. આ વિસ્તરણના ભાગરૂપે અમે મશીનિંગ, એન્જિન એસેમ્બ્લી અને અદ્યતન સ્ટોરેજ સિસ્ટમ જેવાં ઉત્પાદનના વિવિધ તબક્કાઓમાં વિશેષ પ્રક્રિયાઓ પ્રસ્તુત કરી છે. પાયાની ક્ષમતા, શ્રેષ્ઠ ટેકનોલોજી અને કુશળ મેનપાવર – આ પરિબળો ગુણવત્તાનાં સર્વોચ્ચ ધારાધોરણો સુનિશ્ચિત કરશે.તેવી ખાત્રી અપાઇ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.