Western Times News

Gujarati News

પોલીસની ભરતીના કોલ લેટરમાં ચેડાં કરનાર બે પોલીસ કર્મી સહિત પાંચ ઝડપાયાં

સુરેન્દ્રનગરમાં દોડની કસોટી સમયે પાંચેય પકડાયાં

વઢવાણ, પોલીસ ખાતામાં ભરતી માટે યોજાયેલ પીએસઆઈ અને લોકરક્ષકની દોડની કસોટી દરમિયાન કોલ લેટરમો ચંડા કરીને કસોટી આપવાનો પ્રયાસ કરનાર રાજકોટના બે પોલીસમેન સહિત પાંચ ઝડપાયા હતા.

શારીરિક કસોટી માટે કોલ લેટરમાં ચેડા કરવાના આરોપસર રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને ગુરૂપ્રસાદ ચોક પાસે રાણી કોમ્પલેક્ષમાં રહેતા આશિષકુમાર પાતુભાઈ ગઢવી, મુંજકા ગામે રહેતા પોલીસમેન મહેશ દિનેશભાઈ સેગલિયા, વીછિંયાના પીપરડી ગામના જયદીપસિંહ નટુભા ગોહીલ, ફુલઝરના પ્રવીણ કરમશીભાઈ સાકરિયા અને બોટાદના પાળિયાદ ગામના પોલીસમેન કિશન વજાભાઈ રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી.

સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી (દોડ) હાથ ધરવામાં આવી હતી. રાજકોટના ઝોન-૧ના ડીસીપી પ્રવીણકુમાર મીનાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી પી.કે.પટેલ વગેરે દ્વારા દોડની કસોટી લેવામાં આવી રહી છે.

બજાણા પોલીસ સ્ટેશનના અધિકારી વી.એન.જાડેજાએ ઉમેદવારોના કોલ લેટરની ચકાસણી કરતા હતા ત્યારે રાજકોટના આશિષકુમાર ગઢવી, મહેશ સેગલિયા, જયદીપસિંહ ગોહીલ, પ્રવીણ સાકરિયા અને કિશન રાઠોડના કોલ લેટરના સમયમાં ચેડા કરવામાં આવ્યાનું ધ્યાને આવ્યું હતું આથી એ પાંચેયની અટકાયત કરવામાં આવી હતી.

સવારે દોડવામાં અનુકુળતા રહે તે માટે કોલ લેટરના સમયમાં ચેડા કરવામાં આવ્યાનું ખુલ્યું હતું. આ અંગે વી.એન. જાડેજાની ફરિયાદ પરથી એ પાંચેય સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ અંગે પીઆઈ વી.વી. ત્રિવેદી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.