Western Times News

Gujarati News

નવરંગપુરામાં પકડાયેલા ગેરકાયદે ટેલિફોન એક્સચેન્જનો મુખ્ય સુત્રધાર પુનાથી પકડાયો

દુબઈ અને પાકિસ્તાનનાં કનેકશનો સામે આવ્યા: ટેલિકોમ કંપનીઓને રૂ.૬૬ કરોડનું નુકસાન થયું

(સારથી એમ.સાગર) અમદાવાદ, અમદાવાદના સી.જી.રોડ પર આવેલા એક કોમ્પલેક્ષમાંથી ક્રાઈમબ્રાંચે ગેરકાયદેસર ઈન્ટરનેશન VOIP કોલને લોકલ કોલમાં કન્વર્ટ કરવાનું ટેલીફોન એક્સચેન્જ ચાલતું હતું જેના પર દરોડો પાડી ક્રાઈમબ્રાંચે એક શખ્શને ઝડપી લીધો હતો. પુછપરછમાં મહારાષ્ટ્રના એક ઈસમનું નામ બહાર આવતાં ક્રાઈમબ્રાંચે પુનાથી ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જના મુખ્ય સુત્રધારને ઝડપી લીધો છે જેની સઘન તપાસમાં આ ષડયંત્રના તાર દુબઈ અને પાકિસ્તાન સુધી ફેલાયેલાં હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના સી જી રોડ પર ગેરકાયદેસર ટેલીફોન એક્સચેન્જ પકડાયું હતું જેમાંથી તબરેજ અલ્લારખા કટારીયા (સરખેજ મુળ કોડીનાર, સોમનાથ)ને ઝડપી લેવાયો હતો તેની પુછપરછ કરતા મિત્ર ડવાયન માઈકલ પરેરા ઉર્ફે ટોની મોહમદ વાડી, પુણે)એ આ સેટઅપ કરેલુ અને તે જ ઓપરેટ કરતો હોવાનું કબુલ્યું હતું જેથી ૮ ડિસેમ્બરે ડવાયન ઉર્ફે ટોનીને પણ પુનાથી પકડવામાં આવ્યો હતો જેમાં તેના પાર્ટનર તરીકે પુનાનાં જ રીયાઝ અબ્દુલ અજીજ શેખ ઓળખાયો હતો જેથી તેને પણ પુના ખાતેના તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ લાવીને રીયાઝની પુછપરછ કરતા તે પોતે જ આ સમગ્ર ષડયંત્રનો માસ્ટર માઇન્ડ હોવાની ચોંકાવનારી માહીતી બહાર આવી હતી.
પૈસાની લાલચે ગેરકાયદેસર ટેલીફોન એકસચેન્જ ઉભુ કર્યુ.

રીયાઝ પુના ખાતે સાયબર સ્ટોરી કોમ્યુનિકેશનના નામની ટેકનીકલ સપોર્ટ આપતી કંપની ચલાવે છે અને ટોની તેનો પાર્ટનર છે. રીયાઝનું ટેકનીકલ જ્ઞાન સારુ હોવાથી તેણે રૂપિયાની લાલચમાં મિત્ર ફરજાનઅલી ફારુકભાઈ કાદરી (ગીર સોમનાથ) સાથે મળીને આ ગેરકાયદેસર ટેલિફોન એકસચેન્જ ઉભુ કરવાનું વિચાર્યુ હતું બાદમાં ફરજાનઅલીની મદદથી તબરેજના નામે જીવો કંપનીમાંથી લીઝ લાઈન તથા સીપ લાઈન મેળી સીપ લાઈનની મદદથી આખું ટેલિફોન એકસચેન્જ ઉભું કર્યું હતું.

દુબઈ અને પાકિસ્તાન કનેકશન
ઉપરાંત મુળ કેરળના અને દુબઈ ખાતે રહેતા રફીક બાબુ સાથે મળી વિદેશી કોલ તેના મારફતે મેળવી સીપ લાઈનની મદદથી તેને ડોમેસ્ટીક કોલમાં ફેરવીને મોટા રૂપિયા કમાતા હતા રફીક પોતે દુબઈમાં કોલીંગ કાર્ડનો વ્યવસાયી છે. એ સિવાય રીયાઝના ફોનનો ડેટા તપાસતા પાકિસ્તાનનાં નાગરીકો સાથે પણ તેના કનેકશન હોવાનું જણાઈ આવ્યું છે.

ટેલીફોન કંપનીઓને ૩.૬૬ કરોડનો ચુનો ચોપડ્યો
આ ગેરકાયદેસર ટેલિફોન એકસચેન્જમાં યુએઈ તથા અન્ય ગલ્ફ દેશોમાંથી આવતા ઈન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવામાં આવતા હતા આ રીતે તેમણે દેશને તથા ટેલિફોન કંપનીઓને કુલ રૂપિયા ૩.૬૬ કરોડનું આર્થિક નુકસાન કર્યું છે.

આ સમગ્ર ષડયંત્રની તપાસ ક્રાઈમબ્રાંચના પીઆઈ બ્રહ્મભટ્ટની ટીમે કરી હતી જેમણે હાલમાં ફરાર ફરજાનઅલીને ઝડપી લેવા શોધ આદરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.