Western Times News

Gujarati News

હકારાત્મક અભિગમ સાથે કાર્યક્રમોની પ્રસ્તુતિ દૂરદર્શનની તાકાત: રાજ્યપાલ

અમદાવાદ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ દ્વારા યોજાયેલી સ્ટ્રીંગર્સ કોન્ફરન્સમાં માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, હકારાત્મક અભિગમ સાથે સમાચાર અને અન્ય કાર્યક્રમોની પ્રસ્તુતિ દૂરદર્શનની તાકાત છે.

રાજ્યપાલએ દૂરદર્શનની આ પરંપરાને જાળવવા સ્ટ્રીંગર્સને અનુરોધ કર્યો હતો. દૂરદર્શન કેન્દ્ર, અમદાવાદ દ્વારા આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલી સ્ટ્રીંગર્સ કોન્ફરન્સમાં રાજ્યભરના ૩૩ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૭૨ જેટલાં દૂરદર્શનના સ્ટ્રીંગર્સ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સને સંબોધતા રાજ્યપાલશ્રીએ ગુજરાતના પ્રાકૃતિક કૃષિ જન અભિયાનમાં સહભાગી થવા સ્ટ્રીંગર્સને આહ્વાન કરતા જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ કરનારા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથાની પ્રસ્તુતિથી અન્ય ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્રેરિત થશે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશની એકતા-અખંડિતતા અને માનવીની સ્વતંત્રતા જળવાય તે માટે હકારાત્મક અભિગમ સાથે દૂરદર્શન સમાજને જાેડવાનું કાર્ય છે, જ્ઞાનને જનમાનસ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, ત્યારે સ્ટ્રીંગર્સ સત્યમેવ જયતેના કર્મમંત્ર સાથે કુતુહલ નહિં પરંતુ સત્યની જાણકારી સાથે જ્ઞાનવર્ધનનો આધાર બને.

આ પ્રસંગે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે ગણાવી ઉમેર્યું હતું કે, રાસાયણિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણને નુકસાન થાય છે, જમીનની ફળદ્રુપતા ઘટે છે અને કૃષિ ખર્ચ વધતા ખેડૂતોને આર્થિક બોજનો સામનો કરવો પડે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિથી એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. તેનાથી જળ-જમીન અને પર્યાવરણની સુરક્ષા થાય છે, દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે તેમજ કૃષિ ખર્ચ ઘટતાં સરવાળે ખેડૂતોને આર્થિક લાભ થાય છે.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાનાં સંકલ્પને પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી સાકાર કરી શકાશે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના જીવામૃત-ઘનજીવામૃત, આચ્છાદન અને વાપ્સાના સિદ્ધાંતની ઉદાહરણ સહિત સમજૂતી પણ આપી હતી.

આ કોન્ફરન્સમાં દૂરદર્શન, અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ દૂરદર્શનની સમાચાર કામગીરીમાં સ્ટીંગર્સની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. કોન્ફરન્સમાં આરોગ્ય વિભાગના સંયુક્ત નિયામક ડૉ. સતિશ મકવાણા, દૂરદર્શનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એન્જિનિયરીંગ શ્રી કમલેન્દ્ર સારભઇ, પ્રોગ્રામ હેડ શ્રી ચંદ્ર દુધરેજિયા, નાયબ નિયામક-સમાચાર શ્રી ઉત્સવ પરમાર, સમાચાર સંપાદક, ડૉ. નિશીથ જાેષી સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.