Western Times News

Gujarati News

અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શો અને પતંગ મહોત્સવ પણ રદ

(પ્રતિનિધિ)અમદાવાદ,અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો આવતાં ચિંતિત રાજ્ય સરકારે યોજાનાર વાઈબ્રન્ટ સમિટને મોકૂફ રાખી દીધી છે. અને અમદાવાદમાં યોજાનાર ફ્લાવર શોને પણ રદ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સાથે-સાથે હવે પતંગ મહોત્સવ રદ કરવામાં  આવ્યો છે.

આગામી ગણતરીના દિવસોમાં વધુ કડક નિયંત્રણો લાદવામાં આવે એવી પૂરી શક્યતા છે. ઓમિક્રોન અને કોરોનાનાં કેસ દેશભરમાં વધી રહ્યાં છે એના લીધે કેન્દ્ર સરકાર તરફથી નવી ગાઈડલાઈન તાજેતરમાં જ જાહેર કરવામાં આવી છે. તેના અનુસંધાને રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખ્યા પછી હવે યોજાનાર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલ (પતંગ મહોત્સવ) તથા અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આયોજિત ફ્લાવર શો સહિતના જાહેર કાર્યક્રમો રદ થાય તેવી સંભાવના સેવાતી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે સવારથી જ કોરોનાનાં વધતાં કેસોની સમીક્ષા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સતત બેઠકો કરતાં હતાં. અને તેમાં વાઈબ્રન્ટ સમિટ ઉપરાંત અન્ય કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તાજેતરમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થયા હોવાનો બહાર આવતાં સરકાર સફાળી જાગી હતી અને આજે સવારે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટ રદ કરતાં હવે અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન તથા અન્ય સ્થાનિક તંત્ર હરકતમાં આવી ગયું છે.

રાજ્ય સરકારે તાત્કાલિક સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ દ્વારા આયોજીત જાહેર કાર્યક્રમો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને સૌ પ્રથમ અમદાવાદ રીવરફ્રન્ટ પર યોજાનાર લોકપ્રિય ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.