Western Times News

Gujarati News

મ્યુનિ. સ્કુલનું ર૦રર-ર૩ માટે રૂા.૮૮૭ કરોડ ડ્રાફટ બજેટ શાસનાધિકારીએ રજુ કર્યું

પ્રતિકાત્મક

નવા વર્ષમાં અંગ્રેજી માધ્યમની સાત શાળાઓ શરૂ કરવાની જાહેરાત

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક સમિતિનું નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માટે રૂા.૮૮૭ કરોડનું ડ્રાફટ અંદાજપત્ર શાસનાધિકારી દ્વારા રજુ કરવામાં આવ્યુ છે. મ્યુનિ. સ્કુલ બોર્ડના નાણાકીય વર્ષ ર૦ર૧-રર ના બજેટમાં રૂા.૧રર કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

નવા નાણાકીય વર્ષના બજેટનો મોટો હિસ્સો શિક્ષણ માટે ખર્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે ર૦ર૧-રર ની સરખામણીએ એસ્ટાબ્લીશમેન્ટમાં ઘટાડો કરી વિદ્યાર્થી વિકાસ માટે વધુ ખર્ચ કરવાનો નિર્ધાર જાહેર કરવામાં આવ્યો છે. નવા નાણાકીય વર્ષમાં અંગ્રેજી માધ્યમની નવી સાત શાળાઓ શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.

મ્યુનિ. સ્કુલ બોર્ડ શાસનાધિકારી લબ્ધીરભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ ર૦રર-ર૩ના ડ્રાફટ બજેટ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યુ હતું કે રૂા.૮૭૭ કરોડના અંદાજપત્રમાં રૂા.પ૬૦ કરોડ સરકારી ગ્રાન્ટ અને રૂા.૩ર૭ કરોડની ગ્રાન્ટ મ્યુનિ. કોર્પોરેશન તરફથી મળશે તેવો અંદાજ મુકવામાં આવ્યો છે.

ર૦રર-ર૩ ના બજેટમાં વિદ્યાર્થીઓ તથા શાળાઓ માટે રૂા.૧ર૮.પ૦ કરોડની ખાસ જાેગવાઈ કરવામાં આવી છે. મ્યુનિ. શાળાના ધો.૧ થી ૮ ના વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવા માટે રૂા.૧ર કરોડ, વિજ્ઞાન પ્રયોગ શાળા તથા ઈ-લાયબ્રેરી માટે રૂા.૧ર કરોડ, હાઈટેક શાળાઓ માટે રૂા.૩પ કરોડ, સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ વિકાસ માટે રૂા.ચાર કરોડ, મધ્યાહ્‌ન ભોજન શેડ બનાવવા માટે રૂા.૦૬ કરોડ, તમામ શાળાઓને યુનિવર્સલ કલર કરવા રૂા.સાત કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ર૦ર૦-ર૧ ના અંદાજપત્ર વિદ્યાર્થી વિકાસ, શૈક્ષણિક પ્રવૃતિ તથા શાળાકીય પ્રવૃતિ માટે ૧૩.૪ર ટકાની જાેગવાઈ કરવામાં આવી હતી જેની સામે આગામી બજેટમાં શૈક્ષણિક અને શાળાકીય પ્રવૃતિમાં ૧૯.૬૩ ટકાની ફાળવણી કરવામાં આવી છે. જે પાછલા બજેટ કરતા ૬.ર૧ ટકા વધોર છે. જયારે ર૦ર૧-રરની સરખામણીએ એસ્ટાબ્લીશમેન્ટમાં ૬.ર૧ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ર૦રર-ર૩માં નવા વણઝર, સરખેજ, અસારવા, જાેધપુર, દેવનગર, મણિનગર તથા મોટેરામાં અંગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવામાં આવશે. જયારે સ્થાનિક રહીશો, મ્યુનિ. કોર્પોરેટરો અને પદાધિકારીઓની ડીમાન્ડ મુજબ વિરાટનગર, જાેધપુર, થલતેજ, નવા વાડજ, વાસણા, ગોમતીપુર, નારોલ, હાથીજણ સહીત ૧૯ વોર્ડમાં નવી શાળાઓ બનાવવામાં આવશે.

ર૦રર-ર૩ ના વર્ષમાં મ્યુનિ. સ્કુલ બોર્ડની સ્થાપનાને ૧૦૦ વર્ષ અને આઝાદી અમૃત મહોત્સવ નિમિતે એક લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. તદ્‌પરાંત કલાઈમેન્ટ ચેઈન્જ અને પર્યાવરણ જાળવણી માટે પણ ખાસ આયોજન કરવામાં આવશે. મ્યુનિ. સ્કુલ બોર્ડ દ્વારા ૧૦ સ્માર્ટ શાળા લોકાર્પણ કરવામાં આવી છે. જેમાં કાંકરીયા શાળા નંબર-પ, ઈન્દ્રપુરી પબ્લીક સ્કુલ, લીલાનગર સ્કુલ, અસારવા શાળા, વટવા શાળા, બહેરામપુરા શાળા, સૈજપુર શાળા નંબર-૦૬ નો સમાવેશ થાય છે.

નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧ માટે રૂા.૭૬પ કરોડનું અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું જેની સામે ડીસેમ્બર-ર૦ર૧ સુધી રૂા.૪૩૩.૧૭ કરોડનો ખર્ચ થયો છે. બાકીના બજેટલક્ષી કાર્યો માર્ચ- ર૦રર સુધી પૂર્ણ કરવામાં આવશે. હાલ મ્યુનિ. સ્કુલ બોર્ડની ૪૪૩ શાળાઓના ૦૬ માધ્યમમાં ૧.૬૦ લાખ વિદ્યાર્થીઓએ ૩૯૯૯ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.