Western Times News

Gujarati News

જે વ્યક્તિ જીવનને હળવું ફૂલ જેવું માને છે તે હમેશા સુખ અને શાંતિ પ્રાપ્ત કરે છે

માનવ જીવનની સફળ યાત્રા-લોટરી કે ધંધામાં અણધાર્યો નફો થવાથી કે વસિયત દ્વારા પૈસો આવવાથી જીવનમાં જીતી જવાતું નથી

ભગવાને માનવીને જનમ આપીને જીવન બક્ષ્યું છે. જીવન એટલે જન્મથી મૃત્યુ સુધીનો ગાળો. જીવનને કેવી રીતે ઘડવું તે દરેક માનવીના હાથમાં જ હોય છે. જીવનને સુંદર કે સુઘડ બનાવવા માનવીએ અમીર હોવું જરૂરી નથી. ગરીબ હોય કે તવંગર, અપંગ હોય કે તંદુરસ્ત, નોકરિયાત હોય કે ધંધાર્થી લોકો પણ પોતાનું જીવન સરસ રીતે જીવી શકે છે.

ફક્ત પૈસો કે રૂપરંગ માનવીનાં જીવનમાં સુંદરતા લાવી શકતું નથી પરંતુ ચારિત્ર્ય, મળતાવડો તથા સૌમ્ય અને નમ્રતાભર્યો સ્વભાવ, સદગુણો ધરાવનાર તથા સાફ દિલની વ્યક્તિઓ પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે. દરેકનાં જીવનમાં સારા નરસા દિવસો આવવાથી જીવનમાં ચડ ઉત્તર તો આવતા જ રહે છે.

સંજાેગાવશ ધંધામાં મોટી ખોટ આવવાથી કે નોકરી ચાલી જવાથી કે પૈસે ટકે પાયમાલ થઇ જવાથી અથવા કોઇ પણ જાતનો દુઃખનો પહાડ તૂટી પડતાં જીવનમાં હારી જવાતું નથી. અલબત્ત લોટરી લાગવાથી કે ધંધામાં અણધાર્યો નફો થવાથી કે વસિયત દ્વારા વારસાગત પૈસો આવવાથી જીવનમાં જીતી જવાતું નથી.

પૈસો તો હાથનો મેલ છે જે માનવીને સુખ સગવડ વધારવામાં કે ઘરમાં રાચરચીલું રચાવવામાં કે ગાડીઓ વસાવવામાં અથવા દેખાડોવ બતાવવામાં મદદરૂપ બનતો હોય છે પરંતુ લક્ષ્મી તો ચંચળ હોય છે જે હાથમાંથી ક્યારે પણ સરકી જઇ શકે છે. કોઇ પણ સ્ત્રી કે પુરુષ, તરૂણ કે તરૂણી રૂપરંગે સ્વરૂપવાન હોઇ શકે પરતું તેથી તેનું જીવન સુંદર બની જતું નથી. ઉમ્મર વધતા માનવીનાં શરીરમાં કરચલીઓ પડતાં કે અકસ્માતમાં વાગતા અથવા આગમાં ઝડપાઇ જતા રૂપરંગ ઉડી જતાં વાર લાગતી નથી.

શ્રેણુ કહે આજ
ચાર દિવસની જિંદગાની છે, શું થવાનું છે કાલે, કોને ખબર? જે છે તેમાં માની લે સંતોષ, નહિતર કરતો રહીશ અફસોસ જીવનભર.

સાચું સુખ કે સુંદર જીવન તો પોતાના મન પર જ ર્નિભર રહેલું હોય છે. જાે માનવી સંતોષી બની રહે, તો તેનું જીવન શાતિમય બની રહે છે. ફક્ત તનથી નહિ પરંતુ મનથી માનવી પોતાના જીવનમાં સુંદરતા લાવી શકે છે. પરમાર્થી, નિખાલસ, સૌમ્ય સ્વભાવ ધરાવનાર કે જેનામાં નમ્રતા તથા વિવેક દાખવનાર માનવીનાં જીવનમાં ચાર ચાંદ લાગે છે.

કહે શ્રેણુ આજ
પરમાર્થી બનીને જીવી જાણ, બની જાશે તું લોકચહિતો, મળશે માન-પાન તુજને જીવનભર, બની જાશે તું લોક માનીતો.

જે માનવીનાં જીવનમાં વાણી, વિચાર કે વિવેક જેવા અમૂલ્ય રતન જડેલા હોય છે તે માનવી પોતાનું જીવન સારી રીતે જીવી જાણે છે. માનવીએ પોતાનું જીવન સુંદર બનાવવા લક્ષ્ય નક્કી કરવાથી પોતે પોતાની મંઝીલ પર પહોંચી શકે છે. માનવી જીવનને જે ઢંગથી જુએ છે તે જ રીતે તેની સામે તરી આવશે. જીવન એ વ્યક્તિનું જ પ્રતિબિંબ છે. જીવનમાં સૌથી મોટી સંપત્તિ હાસ્ય જ છે. એ વિલાઇ જાય તો જીવનમાં કશું જ બાકી રહેતું નથી.

જીવનને જે અંદાજથી નિહાળીશું તેવું જ હૂબહૂ જીવન પોતાનો સમક્ષ આવશે. હસતો ચહેરો રાખવાથી જીવન વહેતા ઝરણા જેવું દેખાશે. પ્રસન્ન ચિત્ત મનુષ્ય પોતાના ઘરને સ્વર્ગ બનાવી શકે છે. દરેક વ્યક્તિની સફળતા તથા નિષ્ફળતાનો આધાર એ જીવનને કઇ રીતે જુએ છે તેના પર જ નભેલો છે. જે વ્યક્તિ જીવનને બોજ સમજે છે

તે માનવી કદી સુખી અને શાંતિથી જીવી શકતો નથી પરંતુ જે વ્યક્તિ જીવનને હળવું ફૂલ જેવું માને છે તે હમેશા સુખ અને શાતિ પ્રાપ્ત કરે છે. માનવીનાં પોતાના વિચારો જ પોતાને ઘડે છે. આદર્શ નક્કી કરીને અને પૂર્ણ કરવામાં આખું જીવન વિતાવવાથી સુખી થવાશે.

માનવીએ જીવન એવી રીતે જીવવું જાેઈએ કે એક એક ક્ષણ પોતાને આનંદિત બનાવતી રહે જે પોતાના હાથમાં જ છે. માનવીનું મન જ જીવનને સુખી કે દુઃખી બનાવતો હોય છે. જીવનપથ જે કાંટાળો છે તેને ફૂલોથી વેરતા પણ આવડવું જાેઇએ અને એ જ તો સુખી તથા સુંદર જીવનની ચાવી છે. જીવન દરમિયાન માનવી કેટલું નહિ પરંતુ કેવું જીવ્યા તેનું મહત્વ ગણીને પોતાની જિંદગી વીતાવવી જાેઈએ.

વિનમ્રતા માનવીને પોતાના જીવનમાં સફળતા અપાવે છે. શંક્શીલ, સ્વાર્થી માનવી ખોટા વિચાર ધરાવતી વ્યક્તિઓ જીવનમાં હરહમેંશ આગળ આવી શકતાં નથી. પરંતુ લોક તેનાથી દૂર જ ભાગતાં હોય છે. સવારે ઉઠીને અનુકૂળતા મુજબ ચાલવાથી કે દોડવાથી શરીરમાં સ્ફૂર્તિ મળે છે

તથા પ્રકૃતિ દર્શનના સાનિધ્યમાં રહેવાથી મન હળવું થતાં માનવીને જીવનમાં જીવવાનો રસ રહે છે. લોકો જાેડે હળીમળીને રહેતાં, હસતા ને હસાવતા સમય પસાર કરવાથી પોતાનું જીવન જીંવત લાગે છે. આ ભવની સગાઇ છે તો બીજા જાેડે સંબંધ બગાડ્યા વગર રહેતા જીવન રસમઇ બની જાય છે.

આનંદથી સંબંધ વધશે, આયુષ્ય વધશે અને સુખ પણ મળશે. સારું જીવન જીવવા માટે આનંદને કેળવવું જરુરી છે. શાંતિ મળવાથી સુખનો અનુભવ થાય છે. આ સુખ જ અત્યંત સફળતાથી શરીરને આરામ પણ આપી શકે છે. આ જ તે સુંદર જીવન કહેવાય.

માનવ જીવનને સફળ બનાવવા માટે કદીય કોઇની પણ પાસે કાંઇ અપેક્ષા રાખવી નહિ. અપેક્ષા જ બધા દુઃખોનું મૂળ છે. જે નિરપેક્ષ છે તે કદી દુઃખી થતો નથી. જીવનને ઢસડવું એ જીવન નથી. કેવળ આર્થિક સમૃધ્ધિ પરિબળો એ જીવન નથી. કેવળ ભૌતિક વૈભવ એ પણ જીવન નથી. માનવજીવનના ગાળામાં ચેતના દેહમાં હોવાને કારણે પ્રવૃતિ કરવી શક્ય બને છે. અનેક રચનાત્મક પ્રવૃતિઓ દ્વારા કાર્ય કરવાથી અને સંબંધો વિકસાવાથી જીવનને સુંદર બનાવી શકાય છે.

કંટાળા રૂપી કાંટાને જીવનમાથી ફગાવી દેતા માનવી હરહમેંશ સ્ફૂર્તિમાં રહેશે. કંટાળા રૂપી શત્રુને હણવા ઉત્સાહ તથા ઉંમગ રૂપી તલવારનો પ્રહાર અને આનંદ રૂપી ઢાલનો સહારો લેવો જાેઈએ.

કહે શ્રેણુ આજ
હે માનવ ! કર્મ રૂપી ફળથી મળેલા માનવજીવનને ફગાવી ન દે, રાખ ધ્યાન, બક્ષેલુ માનવજીવન એળે ના જાય.
કર તું સત્કર્મ આ ભવમાં હવે પછી, સુધરી જાશે તારા ભવોભવ હવે પછી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.