Western Times News

Gujarati News

કથક સમ્રાટ બિરજુ મહારાજનું હાર્ટ અટેક આવતા અવસાન

નવી દિલ્હી, પ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું અવસાન થયું છે. ૮૩ વર્ષની વયે બિરજુ મહારાજે અંતિમ શ્વાસ લીધા હતા. હાર્ટ અટેકના કારણે દિલ્હી સ્થિત નિવાસ્થાને જ બિરજુ મહારાજનું નિધન થયું હતું. મીડિયા રિપોર્ટ મુજબ, રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ તેમનું અવસાન થયું છે.

બિરજુ મહારાજના પરિવારે આ અંગે જાણકારી આપી હતી. પંડિત બિરજુ મહારાજનું અસલી નામ બ્રિજમોહન મિશ્રા હતું. તેમનો જન્મ ૪ ફેબ્રુઆરી, ૧૯૩૮ના રોજ લખનૌમાં થયો હતો. લખનૌ ઘરાના સાથે સંબંધ ધરાવતા બિરજુ મહારાજના નિધનના સમાચાર તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર, પરિવારના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, પંડિત બિરજુ મહારાજ રવિવારે રાત્રે લગભગ ૧૨ વાગ્યે પોતાના પૌત્ર-દોહિત્રી સાથે અંતાક્ષરી રમતા હતા. દરમિયાન અચાનક તેમની તબિયત ખરાબ થઈ અને તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને દિલ્હીની સાકેત હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

અહેવાલ પ્રમાણે, બિરજુ મહારાજને થોડા દિવસ પહેલા જ કિડનીની બીમારી હોવાની જાણકારી મળી હતી. તેમનું ડાયાલિસિસ ચાલતું હતું પરંતુ રવિવારે મધરાત્રે એકાએક તેમની તબિયત બગડી અને દેહાંત થયું હતું. ૧૯૮૩માં પદ્મ વિભૂષણથી સન્માનિત બિરજુ મહારાજે બોલિવુડની કેટલીય ફિલ્મો માટે ડાન્સ કોરિયોગ્રાફ કર્યો હતો.

આ ફિલ્મોમાં ‘ઉમરાવ જાન’, ‘ડેઢ ઈશ્કિયા’, ‘બાજીરાવ મસ્તાની’ વગેરેનો સમાવેશ થાય છે. પદ્મ વિભૂષણ ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ પ્રાપ્ત થયું છે. ૨૦૧૨માં ‘વિશ્વરૂપમ’ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે તેમને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

નૃત્યકાર હોવાની સાથે બિરજુ મહારાજ શાસ્ત્રીય ગાયક હતા. ત્યારે તેમના અવસાન પર ઘણી હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. જાણીતા સિંગર અદનાન સામીએ ટિ્‌વટ કરીને લખ્યું, “મહાન કથક નર્તક પંડિત બિરજૂ મહારાજજીના નિધનના સમાચાર જાણીને ખૂબ દુઃખી છું. આજે આપણે કળાના ક્ષેત્રની સંસ્થા ગુમાવી છે. તેમણે પોતાની પ્રતિભાથી અનેક પેઢીઓ પર ઊંડી છાપ છોડી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.