Western Times News

Gujarati News

મુઝફફરપુરમાં લોકોએ ભાજપના ધારાસભ્યની ગાડીને ઘેરી લીધી

મુઝફફરનગર, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના અનુસંધાને ભાજપના એક ધારાસભ્ય જ્યારે મુઝફ્ફરનગર ખાતે પોતાના મતવિસ્તારમાં પ્રચાર કરવા નીકળ્યા ત્યારે લોકોના રોષનો ભોગ બન્યા હતા. રોષે ભરાયેલા લોકો તેમની ગાડીને ઘેરી વળ્યા હતા અને તેમણે ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ભારે વાયરલ થઈ રહ્યો છે.

ખટૌલી બેઠક પરથી ભાજપના ધારાસભ્ય વિક્રમ સિંહ સૈની બુધવારે એક બેઠક માટે ત્યાં પહોંચ્યા હતા પરંતુ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા.

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે, વિક્રમ સૈની ગામમાં પ્રવેશ્યા તે સાથે જ લોકોના ટોળાએ તેમના વિરૂદ્ધ નારાબાજી શરૂ કરી દીધી હતી અને તેમની ગાડીને ઘેરી વળ્યા હતા. ટોળે વળેલા ગામલોકોમાં આશરે એક વર્ષ ચાલેલા આંદોલન બાદ સરકાર દ્વારા પાછા ખેંચાયેલા કૃષિ કાયદા સહિત અનેક મુદ્દે રોષ જાેવા મળી રહ્યો હતો.

ત્યાર બાદ વિક્રમ સૈનીએ લોકો સામે હાથ જાેડી દીધા હતા અને તેમની ગાડી ત્યાંથી નીકળી ગઈ હતી. આમ તેમને પોતાના જ મતવિસ્તારમાંથી ભાગવાનો વારો આવ્યો હતો.

વિક્રમ સૈની પોતાના ઉશ્કેરણીજનક નિવેદનોને લઈ પ્રખ્યાત છે. ૨૦૧૯ના વર્ષમાં તેમણે ભારતમાં અસુરક્ષિતતાની લાગણી અનુભવતા હોય તેવા લોકો પર પ્રહાર કર્યો હતો. તેના એક વર્ષ પહેલા તેમણે કહ્યું હતું કે, આપણો દેશ હિંદુસ્તાન કહેવાય છે, મતલબ કે હિંદુઓ માટેનો દેશ. આ સિવાય તેમણે ગૌહત્યા કરનારાઓના હાથ-પગ તોડી નાખવાની ધમકી પણ આપી હતી.

ઉત્તર પ્રદેશમાં આગામી ૧૦મી ફેબ્રુઆરીથી કુલ ૭ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે તથા ૧૦ માર્ચના રોજ પરિણામ જાહેર થશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.