Western Times News

Gujarati News

હવે એલિસબ્રિજના રિપેરિંગનો વારો આવ્યો

પહેલા જૂના બ્રિજ તરફની પાંચ-પાંચ મીટરની બંને તરફની લેનને દુરસ્ત કરાશે. જાેકે ફૂટપાથ તરફની લેનનો ટ્રાફિક ચાલુ રખાશે

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ગત ઓગસ્ટ-૨૦૧૯થી સાબરમતી નદી પરના રિવરબ્રિજના રિપેરિંગનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે અંતર્ગત તંત્રે સૌથી પહેલાં બિસમાર સુભાષબ્રિજને મોટરેબલ બનાવ્યો હતો. ત્યારબાદ અન્ય બ્રિજનું રિપેરિંગ કરાયા બાદ સત્તાધીશોએ એલિસબ્રિજના રિપેરિંગના ચક્રો ગતિમાન કર્યાં છે. જાેકે દાયકાઓ જુના હેરિટેજ લુક ધરાવતા અને લક્કડિયા બ્રિજ તરીકે ઓળખાતા એલિસબ્રિજને તો હજુ યથાવત્‌ જાળવી રખાશે.

તંત્ર દ્વારા ગત ઓગસ્ટ-૨૦૧૯થી સૌથી પહેલા સુભાષબ્રિજનું રિપેરિંગ ચાલ્યુ હતું. શરૂઆતમાં સુભાષબ્રિજને દર રવિવારે રિપેરિંગ માટે બંધ રખાયો હતો. તે વખતે ત્રણ મહિના સુધી બેરિંગ બદલવાની કામગીરી ચાલી હતી.

ગત વર્ષે દિવાળી બાદ સુભાષબ્રિજને સતત વીસ દિવસ બંધ પણ રખાયો હતો. સુભાષબ્રિજ બાદ નહેરૂબ્રિજનો વારો આવ્યો હતો. નહેરૂબ્રિજને બેરિંગ તેમજ જાેઇન્ટ એક્સ્પાન્શન માટે ગત તા.૧૩ માર્ચથી ૨૦ એપ્રિલ-૨૦૨૧ સુધી બંધ રખાયો હતો. સુભાષબ્રિજ કરતાં નહેરુબ્રિજને રેપિરિંગની કામગીરી વધુ પડકારજનક હતી, કેમ કે નહેરૂબ્રિજમાં બેરિંગ વધુ હતી તેમજ તેને ઊંચો કરીને તેમાં પેડેસ્ટેલ ભરવાનું હતું એટલે નહેરુબ્રિજને ૪૫ દિવસ સુંધી બંધ રખાયો હતો.

ત્યારબાદ મ્યુનિ. સત્તાધીશોએ દાયકાઓ જુના ગાંધીબ્રિજનું રિપેરિંગ કામ હાથ ધર્યુ હતું. આ રિપેરિંગ કામ સવા બે મહિના ચાલ્યુ હતું.
ગાંધીબ્રિજ બાદ સરદારબ્રિજનું રિપેરિંગ હાથ ધરાયુ હતું. સરદારબ્રિજના ૪૦ જેટલા એક્સ્પાન્શન જાેઇન્ટને રિપેર કરાયા હતા. તે વખતે પહેલાં ટાગોર હોલથી જમાલપુર જાેતા જૂના બ્રિજની લેનને વાહન વ્યવહાર માટે બંધ કરાઇ હતી.

પછી જમાલપુરથી ટાઉન હોલ તરફ જતી નવા બ્રિજની લેનનું રિપેરિંગ કરાયુ હતું. સરદારબ્રિજના રિપેરિંગ પાછળ આશરે રૂ.૮૦ લાખ ખર્ચાયા હતા. જાેકે બ્રિજના રિપેરિંગમાં એક આખી લેન બંધ રાખવાથી ટ્રાફિકના પ્રશ્ન સર્જાયા હતા. એસટી અને એએમટીએસની સરદારબ્રિજ પરથી અવરજવર બંધ રખાતા પેસેન્જરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.

હવે છેલ્લા રિવરબ્રિજ એટલે કે એલિસબ્રિજના રિપેરિંગમાં તંત્રે જે તે લેનને પૂરેપૂરી બંધ રાખવાના બદલે દસ મીટર પટ્ટા પર જ રિપેરિંગ હાથ ધરીને બંને તરફના ટ્રાફિકની અવરજવરને ચાલુ રાખવાનું છે.

પહેલા જૂના એલિસબ્રિજ તરફની બંને લેનનો પાંચ મિટરનો પટ્ટો રીપેર કરાશે. ત્યારબાદ ફૂટપાથ તરફનો પાંચ મીટરનો પટ્ટો રિપેરિંગ હેઠળ લેવાશે. આમ એલિસબ્રિજના રિપેરિંગ દરમિયાન પણ ટ્રાફિકની અવરજવર ચાલુ રહેશે, જે આ રિપેરિંગ કામની વિશેષ બાબત બનવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.