Western Times News

Gujarati News

પાકિસ્તાની મુસાફરો આઝાદી બાદ પ્રથમ વખત ફ્લાઇટ દ્વારા ભારત આવશે

નવીદિલ્હી, આઝાદીનાં ૭૫ વર્ષમાં પહેલીવાર પાકિસ્તાનનાં તીર્થયાત્રીઓ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટમાં ભારતની મુલાકાતે છે. જણાવી દઈએ કે, પહેલા તીર્થયાત્રીઓ પગપાળા અથવા સમજૌતા એક્સપ્રેસ દ્વારા એકબીજાનાં દેશોમાં જતા હતા. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે, જાન્યુઆરીની શરૂઆતમાં ભારતીય પ્રવાસીઓ પાકિસ્તાન પહોંચ્યા પછી, પાકિસ્તાની પ્રવાસીઓ પણ ૭૫ વર્ષમાં પહેલીવાર ૨૯ જાન્યુઆરીએ પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટમાં ભારત જશે.

અગાઉ, યાત્રાળુઓ પગપાળા અથવા સમજૌતા એક્સપ્રેસ દ્વારા એકબીજાનાં દેશોમાં જતા હતા. પાકિસ્તાન હિંદુ પરિષદનાં સભ્ય અને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીનાં પ્રમુખ રમેશ કુમારનાં જણાવ્યા અનુસાર PIA અને એર ઈન્ડિયા વચ્ચે બંને પડોશી દેશો વચ્ચે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી થઈ હતી.

કરાર મુજબ, બંને એરલાઇન્સ આ સંદર્ભે વિશેષ ફ્લાઇટ્‌સનું સંચાલન કરશે. પાકિસ્તાની પ્રવાસીઓનું એક જૂથ ૨૯ જાન્યુઆરીએ લાહોર એરપોર્ટથી રવાના થશે અને ૧ ફેબ્રુઆરીએ પરત ફરશે. ત્રણ દિવસની મુલાકાત દરમિયાન, સમૂહ અજમેર શરીફ, જયપુર, આગ્રા, મિથરા, હરિદ્વાર અને દિલ્હીમાં હઝરત નિઝામુદ્દીન ઔલિયામાં સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનાં દરગાહની મુલાકાત લેશે.

પાકિસ્તાનની સત્તાધારી તહરીક-એ-ઈન્સાફ પાર્ટીનાં એક હિંદુ સાંસદે સોમવારે કહ્યું કે, તે આ સપ્તાહનાં અંત સુધીમાં યાત્રાળુઓનાં પ્રતિનિધિમંડળ સાથે ભારત જશે. પાકિસ્તાન હિંદુ પરિષદનાં વડા અને નેશનલ એસેમ્બલીનાં સભ્ય ડો.રમેશ કુમાર વાંકવાણીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, પ્રતિનિધિમંડળ ૨૯ જાન્યુઆરીએ ભારતની મુલાકાત લેશે. તેમણે કહ્યું કે, પ્રતિનિધિમંડળ પાકિસ્તાન એરલાઇન્સ ઈન્ટરનેશનલ ( PIA)નાં વિશેષ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં મુસાફરી કરશે અને ત્રણ દિવસ ભારતમાં રહેશે.

ભારતમાં, પ્રતિનિધિમંડળ દિલ્હીમાં નિઝામુદ્દીન ઔલિયાની દરગાહ, અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અને તાજમહેલની મુલાકાત લેશે. વાંકવાણીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની યાત્રાળુઓ PIAની ફ્લાઇટ દ્વારા વિવિધ સ્થળોએ જશે, જ્યારે ભારતીય તીર્થયાત્રીઓ એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા પાકિસ્તાન આવશે.” સાંસદે કહ્યું કે, ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા એર ઈન્ડિયાની ફ્લાઈટ ૨૦ ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી પેશાવર સુધી ચલાવવામાં આવશે. ભારતીય તીર્થયાત્રીઓ પાકિસ્તાનનાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શ્રી પરમહંસ જી મહારાજની સમાધિ અને તેરી મંદિરની મુલાકાત લેશે.
પાકિસ્તાનની સત્તાધારી તહરીક-એ-ઈન્સાફ પાર્ટીનાં હિન્દુ સાંસદે કહ્યું કે, બંને દેશો વચ્ચે માસિક ધોરણે હવાઈ ઉડાન શરૂ કરવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપીને બંને દેશોનાં લોકો નજીક આવી શકે છે.

સંસદ સભ્ય ડો. રમેશકુમાર વાંકવાણીએ જણાવ્યું હતું કે, ભારત અને અખાતનાં દેશોનાં હિંદુ યાત્રાળુઓ શ્રી પરમહંસજી મહારાજની સમાધિનાં દર્શન કરવા દુબઈથી અમીરાત એરલાઈન્સની ફ્લાઈટમાં ૧ જાન્યુઆરીએ પેશાવર પહોંચ્યા હતા. ભારતીય તીર્થયાત્રીઓને છેલ્લી ઘડીએ ભારતીય સત્તાવાળાઓ દ્વારા PIA ફ્લાઇટમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી ન હોતી, ત્યારબાદ તેમને વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન લાવવામાં આવ્યા હતા.

તેમણે કહ્યું કે, ભારતીય તીર્થયાત્રીઓનું અન્ય એક પ્રતિનિધિમંડળ બલૂચિસ્તાનમાં હિંગલાજ માતાનાં મંદિર અને અન્ય ઐતિહાસિક પવિત્ર સ્થળોની યાત્રા માટે ૧ માર્ચે એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા કરાચી પહોંચશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.