Western Times News

Gujarati News

ગુજરાતના આ સ્થળે સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની જોવા મળશે

બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે સીમા દર્શન અંતર્ગત વિકસાવાયેલ રૂ. ૧૨૫ કરોડના કામો પૂર્ણતાના આરે

પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યુ

(માહિતી બ્યુરો, પાલનપુર) ૭૩ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં પધારેલા માર્ગ અને મકાન, પરિવહન, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીએ ધ્વજવંદન કાર્યક્રમ બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નડાબેટ ખાતે સીમા દર્શન પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા વિવિધ વિકાસ કામોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યુ હતુ.

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ ઝીરો પોઇન્ટ નજીક બનાસકાંઠા જિલ્લાના સૂઇગામ તાલુકાના નડાબેટ ખાતે બોર્ડર ટુરીઝમને વિકસાવવાનો તા. ૨૪ ડિસેમ્બર-૨૦૧૬ના રોજ સીમા દર્શન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. સીમા દર્શનનો આ પ્રોજેક્ટ રૂ. ૧૨૫ કરોડના ખર્ચથી નિર્માણ પામી રહ્યો છે જેના કામો પૂર્ણતાની આરે છે.

સીમા દર્શન પ્રોજેક્ટ એ એક અનોખો કાર્યક્રમ છે જેમાં સ્થાનિક લોકોની રોજગારી સાથે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા ભારતીય સીમાના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અને સ્થાનિક માહિતીનો સુભગ સમન્વય છે. આ સીમા દર્શન કાર્યક્રમ અન્વયે રાજ્ય અને રાજ્ય બહારના પ્રવાસીઓને નડાબેટ- ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સીમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.

આ સીમા દર્શન પ્રોજેક્ટ થકી ભારત-પાકિસ્તાન બોર્ડરની મુલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરેમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહીં આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દ્રશ્યો સર્જાશે.

આ પ્રસંગે સીમા દર્શન પ્રોજેક્ટના ઇન્ચાર્જશ્રી કેયુર શેઠે મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદીને સીમા દર્શન પ્રોજેક્ટ વિષે માહિતગાર કરતાં જણાવ્યું હતુ કે, આ પ્રોજેકટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સીમા દર્શન માટે ઝીરો પોઇન્ટ સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ ટુરીઝમના કામો કરવામાં આવ્યા છે.

જેમાં વિશાળ પાર્કિગ, આગમન પ્?લાઝા, ૫૦૦ માણસોની બેઠક વ્યવસ્થા સાથેનું ઓડિટોરીયમ, ચેન્જિગ વ્યવસ્થા અને રૂમ, સ્ટેજ, શોવિનિયર શોપ, દુકાનો અને રેસ્ટોરન્ટ, ટોયલેટ અને પીવાના પાણીની સુવિધા, અજેય પ્રહરી સ્મારક, બી.એસ.એફ. બેરેક, સરહદ ગાથા પ્રદર્શન કેન્દ્ર અને મ્યુઝિયમ, પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમની જેમાં ૪ થી ૫ હજાર માણસોની બેઠક વ્યવસ્થા, રીટેઇનીંગ વોલ, ૩૦ મીટર ઉંચો ફ્લેગ, ડેકોરેટિવ લાઇટિંગ વર્ક, સોલાર ટ્રી અને સોલાર રૂફટોપ લગાવવામાં આવી છે.

રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવા નડાબેટ ખાતે જુના લશ્કરી શસ્ત્રો (વોર વેપન) લશ્કરના જુદા જુદા વિભાગો સાથે સંલગ્નમાં રહીને ટી- જંક્શન થી ઝીરો પોઇન્ટ વચ્ચે મીગ- ૨૭ એરક્રાફ્ટ, ટોરપિડો, સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, આર્ટિલરી ગન, ટેન્ક ટી-૫૫ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

ભારત કે વીર- શહીદોની ફેમિલી માટે ડોનેશન કરવાનું બુથ, જાેઇન ધ ફોર્સ- બી.એસ.એફ. જાેઇન કરવા માટે યુવાનોને પ્રોત્સાહન અને માર્ગદર્શન, એન્ટ્રી ગેટ, ટી- જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી બસ દ્વારા પ્રવાસીઓને લઇ જવા- લાવવાની વ્યવસ્થા, ટ્રોય ટ્રેન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવાઇ છે. મંત્રીશ્રીની મુલાકાત પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલ, બી.એસ.એફ.ના અધિકારીઓ, અગ્રણીઓ સર્વશ્રી ગુમાનસિંહ ચૌહાણ, શ્રી ઉમેદદાન ગઢવી સહિતના પદાધિકારીઓ અને સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.