Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નરનું ડ્રાફટ બજેટનું કદ 7800 કરોડ રહે તેવો અંદાજ

બજેટ કરવેરા રહિત રહેશે: ર૦ર૧-રરના ડ્રાફટ બજેટમાં રૂા.૪૦૦ કરોડ સુધી વધારો થઈ શકે છે: વર્લ્ડ બેંક લોનના રૂા.૧૦૭પને બજેટમાં આવરી લેવાશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે કમિશ્નર દ્વારા નાણાકીય વર્ષ ર૦રર-ર૩નું ડ્રાફટ બજેટ બુધવારે સ્ટેન્ડીંગ કમીટી સમક્ષ રજુ કરવામાં આવશે.

કોરોના કાળ અને ખાલી તિજાેરીના કારણે મ્યુનિ. કમિશ્નર મોટા વાયદાઓથી તેમજ નાગરીકો પર નવા કરબોજ નાંખવાથી દુર રહેશે. એક અંદાજ મુજબ નાણાકીય વર્ષ ર૦ર૧-રર ના ડ્રાફટ બજેટમાં રૂા.૩૦૦થી ૪૦૦ કરોડનો વધારો કરી શકે છે તેમજ નવા નાણાકીય વર્ષ માટે ડ્રાફટ બજેટ રૂા.૭૮૦૦ કરોડ આસપાસ રહી શકે છે. મ્યુનિ. કમિશ્નર ફુલ ગુલાબી બજેટ જાહેર કરવાના બદલે પ્રજાકીય કામોને મહત્વ આપી શકે છે.

મ્યુનિ. કોર્પોરેશન માટે નવનિયુક્ત કમિશ્નર આવતીકાલ બુધવારે ડ્રાફટ બજેટ રજુ કરશે જેમાં પાણી, ડ્રેનેજ, બ્રીજ અને રોડ-રસ્તાની સુવિધાપુર્ણ કરવા પર ભાર મુકવામાં આવશે.

વિધાનસભા ચૂંટણીનું વર્ષ હોવાથી શહેરીજનો પર કરબોજ નાંખવામાં આવશે નહીં તેમજ મ્યુનિ. તંત્રની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ છેલ્લા ડ્રાફટ બજેટમાં રૂા.૪૦૦ કરોડનો વધારો કરે તેવી શક્યતા છે. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન, ખારીકટ કેનાલ તથા તળાવોના વિકાસ, ત્રણ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ, હયાત ડ્રેનેજ લાઈનોના રીહેબીલીટેશન તથા માઈક્રોટનલીંગ, ચાર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અપગ્રેડેશન વગેરે કામો વિશ્વ બેંક તરફથી મળનાર લોનમાંથી કરવામાં આવશે.

વર્લ્ડ બેંકની લોનના પ્રથમ તબક્કામાં રૂા.૧૦૯૭ કરોડના કામ કરવામાં આવશે જેને ડ્રાફટ બજેટમાં આવરી લેવામાં આવી શકે છે. તદ્દપરાંત ગોતા-ઓગણજ ટી.પી પ૪,પપ,રર૮ તથા ર૩૬, ઉ.પ.ઝોનના ચાંદલોડીયા વોર્ડમાં ટી.પી. ૭ર, ર૩૩ તથા ૬૯, વસ્ત્રાલમાં અલગ-અલગ ચાર પેકેજમાં પૂર્વ ઝોન ટી.પી. સ્કીમ ૧૦૭, ૧૦૮ તેમજ રામોલ ચોકીથી લાલ ગેબી સર્કલ સુધી તથા નિકોલ વિસ્તારમાં જરૂરીયાત મુજબ સ્ટ્રોમ વોટર લાઈન નાંખવા માટે અંદાજે રૂા.૭પ કરોડની જાેગવાઈ ડ્રાફટ બજેટમાં થઈ શકે છે.

શહેરના શીલજ- ભાડજમાં નવા સુએજ પંપીંગ સ્ટેશન તૈયાર કરવા, રખિયાલમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં મેઈન ડ્રેનેજ લાઈન રીહેબીલીટેશન, સરદારનગર ટી.પી. ૬૭માં ડ્રેનેજ લાઈન નાંખવા, ઉ.પ. અને દ.પ.માં તળાવ ઈન્ટરલીકીંગ, બાકરોલ, નરીમાનપુરા અને બાદરાબાદમાં પોકેટ એસ.ટી.પી તથા ડ્રેનેજ નેટવર્ક નાંખવા, ઈસનપુર, દાણીલીમડા અને જયશ્રી પંપીંગમાં નવી રાઈઝીંગ લાઈનો નાંખવા, પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં ડ્રેનેજ નેટવર્ક નાંખવા તથા હંસપુરા ટી.પી. ૭પ, ૧ર૧ અને ૧૦૯માં નવી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાંખવાની જાહેરાત ડ્રાફટ બજેટમાં થાય તેવો અંદાજ છે.

મ્યુનિ. કમિશ્નર દ્વારા નવા ફલાયઓવર કે ઓવરબ્રીજ માટે જાહેરાત કરવામાં આવે તેવી શકયતા ઓછી છે. ર૦ર૧-રરમાં જે ફલાયઓવર મંજુર થયા છે તેના કામો પૂર્ણ કરવા માટે નાણાકીય ફાળવણી થઈ શકે છે. શહેરના પલ્લવ જંકશન પર રૂા.૧૧૬ કરોડ અને ઘોડાસર જંકશન પર રૂા.૮૧ કરોડના ખર્ચથી ફલાય ઓવરના કામ શરૂ કરવામાં આવ્યા છે.

જેના માટે નાણા ફાળવવામાં આવશે. જયારે પુનીતનગર, બુટભવાની, વટવા, વિંઝોલ, ઓમનગર, ત્રાગડ ગામ, ઉમા ભવાની ચાંદખેડા, આઈ.ઓ.સી. ચાંદખેડા અને સાબરમતી ડી-કેબીન કોસિંગને ફાટક મુક્ત કરવા માટે કમિશ્નર જાહેરાત કરી શકે છે. જયારે ૧પ સ્થળે હયાત કલવર્ટને મજબુત કરવા, ફલાય ઓવર- અંડરપાસને કલરકામ કામ કરવા માટે પણ જાેગવાઈ થઈ શકે છે. શહેરના કેમ્પ હનુમાન મંદીર પાસે લીફટ સાથે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવા તેમજ ફલાયઓવર- રેલ્વે બ્રીજ નીચેની જગ્યા ડેવલપ કરવા માટે પણ ફાળવણી થશે.

શહેરના ચીમનભાઈ પટેલ, નાથાલાલ ઝગડા, પરીક્ષીતલાલ તથા પ્રબોધ રાવળ બ્રીજના રીપેરીંગ માટે પણ રૂા.૦૭ કરોડ ફાળવવામાં આવે તેવી શક્યતા છે. શહેરીજનોને શુધ્ધ પાણી પુરતા પ્રેશરથી સપ્લાય કરવા વર્તમાન નાણાકીય વર્ષમાં અનેક કામ કરવામાં આવ્યા છે. હાલ નવા નાણાકીય વર્ષમાં વોટર પ્રોજેકટ અંતર્ગત રૂા.૧૭૩ કરોડના નવા કામોની જાહેરાત થાય તેવો અંદાજ છે જયારે સ્વર્ણિમ અંતર્ગત રૂા.૧૧૮ કરોડ, અમૃત યોજના અંતર્ગત રૂા.૧૪ કરોડના નવા કામોને આવરી લેવામાં આવશે. એકંદરે પાણી માટે કમિશ્નર રૂા.૪૦૦ કરોડ સુધીની જાેગવાઈ કરે તેવી શક્યતા છે.

મ્યુનિ. કમિશ્નર કરવેરા રહિત બજેટ રજુ કરશે તેથી રૂા.૪૦૦થી પ૦૦ કરોડની આવક વધારા માટે ઓકટ્રોય ગ્રાન્ટ અને ટેક્ષ વિભાગ પર નિર્ભ રહેશે. હાલ દર વરસે રૂા.૧૦પ૦ કરોડ ઓકટ્રોય ગ્રાન્ટ મળે છે જેમાં રૂા.૪૦૦ કરોડનો સીધો વધારો દર્શાવી શકાય તેમ છે. તદ્દપરાત વર્તમાન નાણાકીય વર્ષમાં ટેક્ષ પેટે રૂા.૧૪૯૦ કરોડનો અંદાજ છે તેમાં પણ રૂા.રપ૦ કરોડનો વધારો થાય તેવી શક્યતા છે.

જાેકે બે માંથી કોઈ એક વધારો શાસક પક્ષ માટે રીઝર્વ રાખવામાં આવશે. ર૦ર૦-ર૧માં તત્કાલીન કમિશ્નરે રૂા.૮૦પ૧ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યુ હતું. પરંતુ નાણાકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ર૦ર૧-રર ના ડ્રાફટ બજેટમાં રૂા.૧૬ર૪ કરોડનો ઘટાડો કરવામાં આવ્યો હતો જયારે રીવાઈઝડ બજેટનું કદ ઘટાડી રૂા.૬૮ર૧ કરોડ કરવામાં આવ્યુ હતું મ્યુનિ. કોર્પોરેશને કોરોના માટે રૂા.૧૧૦૦ કરોડનો ખર્ચ કર્યો છે જેની સામે રાજય સરકાર પાસેથી રૂા.૪પ૦ કરોડ લેવાના બાકી છે તે સિવાય મનપા પાસે કોઈ બચત કે લેણા રહયા નથી ટેક્ષના જે બાકી લેણા દર્શાવવામાં આવી રહયા છે તે બેલેન્સ શીટને સમતોલ કરવા પુરતા જ રહયા છે. જયારે એએમટીએસની લોન પણ ક્રિસીલ રેટીંગ માટે જ “લોન” તરીકે દૃશાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.