Western Times News

Gujarati News

પત્નીની હત્યા કરી ફરાર થયેલા પતિને નડ્યો અકસ્માત

Files Photo

નવસારી, બીલીમોરામાં એક પતિએ પુત્રીની નજર સામે જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા કરીને પતિ ત્યાંથી ફરાર થયો હતો. જાે કે, ભાગતી વખતે તેને અકસ્માત નડ્યો હતો. જે બાદ આરોપી પતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નવસારીના વિજલપોર ખાતે રહેતા પતિ સંદિપભાઈ આહિરની પત્ની બે વર્ષથી અલગ બીલીમોરામાં રહે છે. પત્ની રિસાઈને પિયરમાં રહેતી હતી. જેથી પતિ સંદિપ તેને મનાવવા માટે ગયો હતો. આ દરમિયાન કોઈ કારણોસર વિવાદ થયો હતો. એ પછી ઉશ્કેરાયેલા પતિએ પુત્રીની સામે જ પત્નીની કરપીણ હત્યા કરી હતી.

આ હત્યા બાદ મૃતકની માતા વર્ષીય વહીદા સૈયદે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને કરેલી ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું છે કે, તેમની સૌથી મોટી દીકરી મોનાઝના સંદિપ આહિર સાથે પ્રેમ લગ્ન થયા હતા.

એક સમયે બ્યુટીપાર્લરનું કામ કરતી મોનાઝ દુબઈ પણ ગઈ હતી. અહીં સેટ થયા પછી તેણે ત્રણ મહિના બાદ પતિ સંદિપને પણ દુબઈ બોલાવીને સેટલ કરવાનો ર્નિણય લીધો હતો. જાે કે, થોડા જ દિવસો બાદ પત્ની મોનાઝ ગર્ભવતી બનતા તે દુબઈથી બીલીમોરા પાછી આવી હતી.

તેનો પતિ સંદિપ પણ ત્યાં જ નોકરી હતો. સંદિપ ગયા જાન્યુઆરી મહિનામાં જ ભારત પરત ફર્યો હતો. પછી સંદિપે તેની પત્ની મોનાઝને ઘરે વિજલપોર ખાતે પરત આવવા માટે જણાવ્યું હતું. એ સમયે પત્ની મોનાઝનો સંદિપ સાથે મનમેળ ન હોવાથી તેણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી. આ વાતને લઈને પતિ-પત્ની વચ્ચે વિવાદ થતા ભારે ખટરાગ ઊભો થયો હતો. વાત છેક છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.

ત્યારે ગયા શનિવારે સંદિપ ફરી એકવાર પોતાની પત્ની મોનાઝ અને દીકરી સોહાને મનાવવા માટે પહોંચ્યો હતો. જ્યાં તેણે પત્ની મોનાઝને પોતાની સાથે આવવા માટે દબાણ કર્યુ હતુ.

આ મુદ્દાને લઈને વાત વણસી હતી. સંદિપ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો. બાદમાં તેણે પોતાની પાસે રહેલા ચપ્પાથી પત્ની પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ૪ વર્ષીય દીકરીની નજર સામે જ પતિએ પત્નીને રહેંસી નાખી હતી. પત્નીની હત્યા કરીને ગભરાયેલો સંદિપ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

જે બાદ બીલીમોરા ગણદેવી રોડ પર તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ ૧૦૮ મારફતે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. એ પછી જાણવા મળ્યું કે તે પત્નીની હત્યા કરીને ફરાર થયો હતો. જાણ થતા બીલીમોરા પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.