Western Times News

Gujarati News

અમરેલી,ભરૂચ અને અંકલેશ્વરમાં ૨ ઈંચ વરસાદ ખાબક્યો

અમરેલી, રવિવારે અમરેલી જિલ્લા માં બપોર બાદ અચાનક મેઘરાજા મનમૂકીને બેટિંગ કરી હતી. જેમાં કુંકાવાવમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે કેશોદના વાડી વિસ્તારમાં વીજળી પડવાથી એકનું મોત થયું હતું જ્યારે બે ઈજાગ્રસ્ત થયા હતા. કુંકાવાવમાં મેઈન બજાર, બસ સ્ટેન્ડ આસાપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો.

અમરેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદને પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રિની મજા બગડે તેવી શક્યતા છે. જ્યારે આજે પણ છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે.
બપોરે બાદ ખાબકેલા વરસાદને પગલે અમરેલી શહેર, સાવરકુંડલા સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં ચરખડીયાની નદી બે કાંઠે જોવા મળી હતી. ખેડૂતો વરસાદને ખમૈયા કરવા પોકાર કરી રહ્યા છે.

રવિવારે સાંજે ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં માત્ર બે જ કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ભરૂચ અને અંકલેશ્વરના ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાતાં આયોજકોને ગરબા રદ કરવાની ફરજ પડી હતી.

ભાવનગર જિલ્લામાં પાલિતાણામાં પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વાળુકડમાં અડધો ઈંચ તેમજ સિહોરમાં વરસાદી ઝાપટાં પડ્‌યા હતાં. ગોંડલ અને જસદણમાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું. વડગામ તાલુકાના જલોતરા પંથકમાં શનિવારે રાત્રે એકાએક ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડુતોના પપૈયાની ઉભી વાડી જમીનદોસ્ત થઇ ગઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.