Western Times News

Gujarati News

સાબરમતી જેલમાં બંધ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ ૨૧૩ ફુટ જેટલી લાંબી સુરંગ ખોદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ માટે આતંકીઓએ સાયકલો ખરીદી હતી

(એજન્સી) અમદાવાદ, શહેરમાં વર્ષ ૨૦૦૮માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં અદાલતે ૩૮ આરોપીઓને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે ૧૧ આરોપીઓને આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરુ કેરળના જંગલમાં ઘડવામાં આવ્યું હતું.

એટલું જ નહીં આતંકવાદીઓને કેરળના જંગલમાં તાલીમ આપવામાં આવી હતી. આતંકવાદીઓએ કાવતરાને અંજામ આપવા માટે મુંબઈથી બે મોટરકારની ચોરી કરી હતી. તેમજ અમદાવાદમાં ૧૩ સાઈકલોની ખરીદી કરી હતી. આતંકવાદીઓ મોતનો સામાન મુંબઈથી ચોરેલી મોટરકારમાં લાવ્યાં હતા. આ કેસમાં હજુ આઠ જેટલા આરોપીઓ પોલીસ ધરપકડથી દુર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ-૨૦૦૮માં અમદાવાદમાં જે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા તેનું ષડયંત્ર કેરળના જંગલોમાં ઘડાયું હતું. ગોધરાકાંડ બાદના રમખાણોનો બદલો લેવા આ કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આતંકીઓએ કેરળના વાઘમોરાના જંગલોમાં બ્લાસ્ટની તાલીમ લીધી હતી. આતંકીઓની એક ટીમ ટ્રેન મારફતે અમદાવાદ આવી હતી.

તેમજ અમદાવાદ શહેરમાં બોમ્બ બ્લાન્ટ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસે આતંકવાદીઓને ઝડપી લેવા તપાસ ધમધમાટ શરૂ કરી હતી. ગણતરીના દિવસોમાં જ આતંકવાદીઓને ઝડપી લઈને બોમ્બ બ્લાસ્ટના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસે મુખ્ય સૂત્રધાર ક્યામુદ્દીન કાયડિયા સહિતના ૭૦થી વધારે આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. પોલીસને એવી પણ જાણકારી મળી છે કે સ્થાનિક સ્લીપર સેલનો બ્લાસ્ટમાં ઉપયોગ કર્યો હતો. મુફ્તી અબુ બશીરે સ્લીપર સેલ તૈયાર કર્યો હતો. અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની ૨૦ જેટલી ફરિયાદ નોંધાઈ હતી.જ્યારે સુરતમાં વિવિધ વિસ્તારમાંથી જીવતા બોમ્બ મળ્યાં હતા. જે અંગે ૧૫ જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

તપાસનીશ એજન્સીએ આ કેસમાં આરોપીઓ સામે અલગ-અલગ ૫૨૧ જેટલી ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. એક ચાર્જશીટમાં ૯૮૦૦ પાનાનો ઉપયોગ કરાયો છે એટલે તમામ ચાર્જશીટ મળીને કુલ ૫૧ લાખ જેટલા પાનાનો ઉપયોગ કરાયો હોવાનું મનાઈ રહ્યું છે.

બીજી તરફ સાબરમતી જેલમાં બંધ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ ૨૧૩ ફુટ જેટલી લાંબી સુરંગ ખોદીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, જેલ કર્મચારીઓની સતર્કતાથી સમગ્ર સુરંગકાંડનો પર્દાફાશ થયો હતો. સુરંગકાંડનો કેસ હજું આરોપીઓ સામે પડતર છે.

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો કેસ કોર્ટમાં ચાલી જતા સુનાવણીના અંતે કોર્ટે ૪૯ આરોપીઓને વિવિધ કલમો હેઠળ કસુરવાર ઠરાવ્યાં હતા.જ્યારે ૨૮ આરોપીઓને પુરાવાના અભાવે છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં અદાલતે લગભગ ૭ હજારથી વધુ પેજનો ચુકાદો આપ્યો હતો. જેમાં કેસને રેરસ્ટ ઓફ રેર કેસ ગણવામાં આવ્યો હતો.

અદાલતે આરોપીઓને સજાની સાથે રૂ. ૨.૮૫ લાખનો દંડ ફટકાર્યો હતો. જ્યારે મૃતકોને રૂ. એક લાખ અને ઈજાગ્રસ્તોને વળતર ચુકવવા આદેશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧૬૩ સાક્ષીઓની જુબાની લેવાઇ હોવાનું જાણવા મળે છે. જ્યારે ૧૨૩૭ સાક્ષીઓને રાજ્ય સરકાર દ્વારા પડતા મુકાયાનું ચર્ચાઈ રહ્યું છે. હજી આ કેસમાં ૮ આરોપીઓ એવા છે જેમને પોલીસ હજુ શોધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.